Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પતિ-પત્ની ૧૦-૧૦ લાખ રૂપિયા કમાતાં હોય તો કોઈ ટૅક્સ નહીં

પતિ-પત્ની ૧૦-૧૦ લાખ રૂપિયા કમાતાં હોય તો કોઈ ટૅક્સ નહીં

Published : 18 March, 2026 07:05 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિ-પત્ની ૧૦-૧૦ લાખ રૂપિયા કમાતાં હોય તો કોઈ ટૅક્સ નહીં, પણ પરિવારમાં એક વ્યક્તિ ૨૦ લાખ રૂપિયા કમાતી હોય તો ૧.૯૨ લાખ રૂપિયા ટૅક્સ ભરવો પડે

રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢા


આવી રજૂઆત કરીને રાઘવ ચઢ્ઢાએ સંસદમાં ટૅક્સ-સમાનતાનો મુદ્દો ઉઠાવ્યો, પરિણીત યુગલો માટે જૉઇન્ટ ટૅક્સ ફાઇલિંગની હિમાયત કરી

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સંસદસભ્ય રાઘવ ચઢ્ઢાએ ભારતમાં પરિણીત યુગલો માટે વૈકલ્પિક જૉઇન્ટ ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમણે દલીલ કરી છે કે આ વ્યવસ્થાથી અસમાન આવક ધરાવતા પરિવારો પરનો કરબોજ ઘટશે અને કરવેરા-પ્રણાલીમાં વધુ સમાનતા આવશે.



હું વિરોધ કરવા માટે નહીં પણ પ્રસ્તાવ રજૂ કરવા માટે ઊભો થયો છું એમ કહીને તેમણે સંસદમાં પોતાનું સંબોધન શરૂ કર્યું હતું અને ઉમેર્યું હતું કે‍ હાલની વ્યવસ્થામાં પતિ-પત્નીને અલગ એકમ તરીકે જોવામાં આવે છે જે સિંગલ-ઇન્કમ (એક જ વ્યક્તિ કમાતી હોય એવા) પરિવાર માટે અન્યાયી સાબિત થાય છે.


રાઘવ ચઢ્ઢાએ આ વિસંગતતા સમજાવવા માટે બે ઉદાહરણ આપ્યાં હતાં; ‘જો એક પરિવારમાં પતિ અને પત્ની બન્ને ૧૦-૧૦ લાખ રૂપિયા કમાતાં હોય તો નિયમ મુજબ તેમણે કોઈ ટૅક્સ ચૂકવવો પડતો નથી. એની સામે જો કોઈ પરિવારમાં માત્ર એક જ વ્યક્તિ ૨૦ લાખ રૂપિયા કમાતી હોય તો તેણે ૧.૯૨ લાખ રૂપિયા જેટલો મોટો ટૅક્સ ચૂકવવો પડે છે.’

રાઘવ ચઢ્ઢાએ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે એક જ ઘર, એક જ રસોડું અને એક જ બજેટ હોવા છતાં ટૅક્સના સમયે પરિવાર અદૃશ્ય થઈ જાય છે અને ટૅક્સ-સિસ્ટમ તેમને અજાણી વ્યક્તિ તરીકે જુએ છે.
રાઘવ ચઢ્ઢાના મતે જો જૉઇન્ટ ટૅક્સ ફાઇલિંગની મંજૂરી આપવામાં આવે તો પરિણીત યુગલોને એક આર્થિક એકમ તરીકે ગણવામાં આવશે. આનાથી વધુ કમાણી કરનાર જીવનસાથી બીજા જીવનસાથીની વણવપરાયેલી ટૅક્સમુક્તિનો લાભ લઈ શકશે. તેમણે હળવા અંદાજમાં એમ પણ ઉમેર્યું હતું કે આ વ્યવસ્થાથી લોકો ટૅક્સ બચાવવા માટે લગ્ન કરવા માટે પણ પ્રોત્સાહિત થઈ શકે છે.


અમેરિકા, જર્મની, ફ્રાન્સ અને યુનાઇટેડ કિંગડમ જેવા વિકસિત દેશોમાં પરિણીત યુગલો માટે સંયુક્ત કરવેરાની વ્યવસ્થા પહેલેથી જ અમલમાં છે. ભારતમાં પણ હિન્દુ અવિભક્ત પરિવાર અને ભાગીદારી પેઢીઓને અલગ કરદાતા તરીકે માન્યતા આપવામાં આવી છે તો પછી પતિ-પત્નીના બનેલા વિભક્ત પરિવારને એક એકમ તરીકે કેમ ન ગણી શકાય? આ પ્રસ્તાવનો હેતુ સિંગલ-ઇન્કમ ધરાવતા મધ્યમવર્ગીય પરિવારોને આર્થિક રાહત આપવાનો અને કરવેરાના માળખાને વધુ ન્યાયી બનાવવાનો છે. -  રાઘવ ચઢ્ઢા

Whatsapp-channel Whatsapp-channel

18 March, 2026 07:05 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK