ખોજા જમાતમાં પ્રચલિત માન્યતા પ્રમાણે ઈ.સ. ૧૭૯૦ સુધીમાં ખોજા જમાતનું અલગ કબ્રસ્તાન ડોંગરીમાં શરૂ થઈ ગયું હતું. આ જ ડોંગરી વિસ્તારમાં આજે પણ એક લત્તો ‘ખોજા મહોલ્લા’ તરીકે ઓળખાય છે.
પુણેનો આગાખાન પૅલેસ, ૧૯મી સદીમાં
આઝાદીની લડત દરમ્યાન અંગ્રેજ સરકારે ગાંધીજીને જ્યાં કેદમાં રાખ્યા હતા એ પુણેનો આગાખાન પૅલેસ બંધાવનાર સુલતાન મોહમ્મદશાહ આગાખાન ત્રીજા, પાકિસ્તાનના સ્થાપક અને એના પ્રથમ ગવર્નર જનરલ કાયદે આઝમ મોહમ્મદઅલી ઝીણા અને હિન્દુસ્તાનની IT ઇન્ડસ્ટ્રીના ‘ઝાર’ તરીકે ઓળખાતા અઝીમ પ્રેમજી એ ત્રણેય વચ્ચે કઈ એક વાત સમાન છે? તેમની વચ્ચે સમાનતા એ છે કે એ ત્રણે ખોજા જાતિના હતા. આ ‘ખોજા’ નામ ઊતરી આવ્યું છે ફારસીના ‘ખ્વાજા’ શબ્દ પરથી અને આ ખ્વાજા શબ્દ મૂળ વપરાતો પાક ઇન્સાનને માન આપવા માટે. પશ્ચિમ ભારતના અને ખાસ કરીને મુંબઈના આર્થિક વિકાસમાં આ જમાતનો મોટો ફાળો. તેમના વડવાઓ હિન્દુ ધર્મ પાળતા લોહાણાઓ. ૧૪મી અને ૧૫મી સદીમાં તેમણે ઇસ્લામ અંગીકાર કર્યો હતો. આ ખોજાઓના પીરોએ ‘ગિનાંન’નાં પદોની રચના કરી. ઘણા ખોજાઓ આ ‘ગિનાંન’ને પાક કુરાન જેટલો જ આદર આપે છે. આ ‘ગિનાંન’ શબ્દ ઊતરી આવ્યો છે સંસ્કૃતના ‘જ્ઞાન’ પરથી. આવા એક ‘ગિનાંન’ની થોડી પંક્તિઓ જોવાથી એના ભાવ અને ભાષાનો ખ્યાલ આવશે.
એ જી એક શબદ સુણો મેરે ભાઈ, મંચ આવી સુઘડ પંથમાં.
ADVERTISEMENT
એ જી કિસ કી બેટી કિસકુ દિયા,
તૂ કોણ પુરુષ ઘર નારિયા.
એ જી સત કી બેટી સંતોષકુ દિયા,
મય મૂલ પુરુષ ઘર નારિયા.
એ જી મૂલ પુરુષ મય સુતા મેલિયા,
મય બાળક મેલિયાં ઝૂલતાં.
એ જી દૂધ કઢન્તા મય ચૂલે મેલિયા,
મય આવી દેવ દુવારિયા.
એ જી દેવ કે કારણ મય સબ કુછ છોડિયાં, મય ન જાણા અવર દુવારિયા.
એ જી અવર ચિંતા મુઝે કિસીકી નાહી, ચિંતા હૈ મેરે જીવ કી.
એ જી જીવ કે કારણ મય સબ કુછ છોડિયા, મય આવી શરણ તમારિયા.
એ જી સત કા સાડા સંતોષ કા નાડા, મય ચિન્ત દે ગાંઠ ગઠાયા,
એ જી સત કા ગડુલા, સંતોષ કી જારી, મય ધરમ સીંચણ કી દોરિયા.
એ જી મણે પીર શમસ, સુણો મેરે ભાઈ, મય આવી કોલ કરારિયા.
ગુજરાતમાં મુસ્લિમ સલ્તનના રાજવટ દરમ્યાન ઈ. સ. ૧૫૩૪ સુધીમાં સુરત, કચ્છ, કાઠિયાવાડના ખોજા વેપારીઓએ પોર્ટુગીઝો સાથે વેપાર-વણજ ચાલુ કરી દીધેલા એટલે જ્યારે ‘બોમ બહિઆ’ (મુંબઈને પોર્ટુગીઝોએ આપેલું નામ) પોર્ટુગીઝોના તાબામાં આવ્યું ત્યારે પોતાનો વેપાર વધારવા કેટલાક ખોજા વેપારીઓ વતન છોડીને મુંબઈ આવ્યા. સુરતના ખોજા વેપારી કુરજી શેઠનું વેપારી વહાણ અંગ્રેજ ચાંચિયા કૅપ્ટન કિડે ઈ. સ. ૧૬૯૮માં ભરદરિયે લૂંટેલું એ વિશેના અહેવાલ પરથી જણાય છે કે ખોજાઓ ઈ. સ. ૧૬૦૦ની આસપાસથી સુરતમાં રહીને દેશાવર સાથે વેપાર ખેડતા હતા.
અને પછી ઈ.સ. ૧૬૬૧માં મુંબઈ મળ્યું અંગ્રેજોને દાયજામાં અને ૧૬૬૮માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું વડું મથક સુરતને બદલે મુંબઈને બનાવ્યું. એ પછી થોડા દાયકાઓમાં જ સુરતના વેપારની અને સુરતની જાહોજલાલીની પડતી શરૂ થઈ. એ જોઈને જન્મેલા સુરતમાં, પણ જિંદગીનો મોટો ભાગ જીવેલા મુંબઈમાં એવા કવિ નર્મદે ગાયું :
આ તે શા તુજ હાલ, ‘સુરત સૂનાની મૂરત’,
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરત!
અરે હસી હસીને રડી, ચડી ચડી પડી તું બાંકી;
દીપી કુંદનમાં જડી, પડી રે કથીરે ઝાંખી.
સુરત તું લંકા રૂપ, સુનૂં ઊછળતું સંધે,
રાય રંક સહુ ભાઈ, સંપમાં રહેતા બંધે.
વાંક નથી કંઈ તુજ, વાંક તો દશા તણો રે,
અસમાની આફત, એથી આ રોળ બન્યો રે.
મુંબઈથી અંજાઈ લોક તો વસ્યા જઈ તહીં,
અસ્ત થયો તુજ સૂરજ, રાત તો પડી ગઈ અહીં.

મૌલાના મોહમ્મદ અલી, ૧૯મી સદીના મુંબઈના ખોજા, ખોજા મહોલ્લાનો દરવાજો અને લૉર્ડ સિડનહૅમ
પણ આવી દશા માત્ર સુરતની જ થઈ એવું નહોતું, જેમ-જેમ મુંબઈ વિકસતું ગયું એમ-એમ ભરૂચ, ખંભાત, પોરબંદર, દીવ, ઘોઘા વગેરે બંદરોની પણ પડતી થવા માંડી. એક બાજુથી વેપાર વણસ્યો, બીજી બાજુ રેલ અને આગ જેવી કુદરતી આફતો વારંવાર આવતી ગઈ અને આ બધું ઓછું હોય એમ ઉત્તર હિન્દુસ્તાનમાં અને ગુજરાતમાં ઈ. સ. ૧૭૯૧માં પડ્યો ભયંકર દુકાળ. આ દુકાળને કારણે એક કરોડ કરતાં વધુ લોકોનાં મોત થયાં હોવાનો અંદાજ છે. હવે તો વેપારીઓ જ નહીં, નાનાં-મોટાં કામ કરનારા ખોજાઓ માટે પણ વતન છોડ્યા વગર છૂટકો નહોતો. પણ જવું ક્યા? તો ચાલો મુંબઈ. પહેલાં મુંબઈ આવીને વસેલા અને વેપાર-વણજમાં બે પાંદડે થયેલા ખોજા વેપારીઓએ પોતાના આ દુકાળપીડિત બાંધવો માટે મનનાં અને ધનનાં કમાડ ખુલ્લાં મૂકી દીધાં. ત્યાર બાદ પણ કચ્છ અને કાઠિયાવાડમાં અવારનવાર દુકાળ પડતા રહ્યા ઃ ૧૮૦૩, ૧૮૧૩-’૧૪, ૧૮૨૩-’૨૪, ૧૮૩૪-’૩૫માં પણ દુકાળ વખતે કચ્છ અને કાઠિયાવાડથી ખોજા વેપારીઓ મુંબઈ આવીને વસ્યા. આ વર્ષો દરમ્યાન ફક્ત એકલા જૂનાગઢમાંથી ૧૫૦૦ ખોજા કુટુંબો મુંબઈ આવીને વસ્યાં એમ કહેવાય છે. તેમને મુંબઈમાં વસવા માટેની સગવડ ખોજા જમાતના મુખી અલારખિયા સુમારે કરી હતી. તો એક કોર્ટકેસમાં જુબાની આપતાં કાસમ નાથાએ કહ્યું હતું કે ૧૮૪૭માં મુંબઈમાં ૬૦૦ કરતાં વધારે ખોજા કુટુંબો વસતાં હતાં.
જૈન અને હિન્દુ વાણિયાઓ વહોરા અને ખોજા મુસ્લિમો માટે અગાઉ દેશાવરનો માલ સુરત પહોંચાવાડવા માટે આડતિયા તરીકે કામ કરતા અને સાથોસાથ ધીરધારનો ધંધો પણ કરતા હતા. તેમનો ધંધો તો એ જ રહ્યો, પણ સુરતને બદલે મુંબઈ સાથે. વળી મુંબઈ આવ્યા પછી ખોજા વેપારીઓએ રૂ અને કાપડના વેપારમાં પણ ઝંપલાવ્યું. તેમનો બધો કારભાર પોતાની પંચાયત અને મહાજન મારફત ચાલતો. ૧૭મી સદીના અંત સુધીમાં તો મુંબઈ ધીકતું બંદર બની ગયું. મીઠું, ચોખા, કાપડ, હાથીદાંત અને બીજી જણસનો વેપાર વધતો ચાલ્યો. ખોજા વેપારીઓનાં વહાણો મક્કા અને બસરા સુધી આવ-જા કરતાં થયાં. ખોજા વેપારીઓમાં જબરો ભાઈચારો. કોઈ એક વેપારી કાચો પડ્યો, દેવાદાર બન્યો તો તેના જાતભાઈઓ તરત તેનું દેવું ચૂકવી દે અને એ વેપારીને પાછો બેઠો કરવામાં પણ મદદ કરે. આપણી જમાતની આબરૂ જવી ન જોઈએ એ જ એક ભાવના.
ખોજા જમાતમાં પ્રચલિત માન્યતા પ્રમાણે ઈ.સ. ૧૭૯૦ સુધીમાં ખોજા જમાતનું અલગ કબ્રસ્તાન ડોંગરીમાં શરૂ થઈ ગયું હતું. આ જ ડોંગરી વિસ્તારમાં આજે પણ એક લત્તો ‘ખોજા મહોલ્લા’ તરીકે ઓળખાય છે. કચ્છ અને કાઠિયાવાડથી આવેલા ખોજાઓએ મુખ્યત્વે મોહમ્મદ અલી રોડ અને ડોંગરી વિસ્તારમાં વસવાટ કર્યો હતો.
આ મોહમ્મદ અલી રોડના નામની કથા તો આજે લગભગ ભુલાઈ ગઈ છે. અગાઉ આ રોડનું નામ હતું સિડનહૅમ રોડ. લૉર્ડ જ્યૉર્જ સિડનહૅમ ક્લાર્ક (૧૮૪૮ની ૪ જુલાઈથી ૧૯૩૩ની ૭ ફેબ્રુઆરી) ૧૯૦૭ની ૧૮ ઑક્ટોબરથી ૧૯૧૩ની પાંચમી એપ્રિલ સુધી મુંબઈના ગવર્નરના પદે રહ્યા હતા. મજાની વાત એ છે કે તેઓ ગવર્નરના હોદ્દા પર હતા એ દરમ્યાન જ ૧૯૧૩ના માર્ચની ચોથી તારીખે ક્રૉફર્ડ માર્કેટથી સૅન્ડહર્સ્ટ રોડ સુધી બંધાનારા રોડ સાથે સિડનહૅમનું નામ જોડવાની દરખાસ્ત બૉમ્બે ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટની મીટિંગમાં રજૂ થઈ હતી. ત્યારે એનો વિરોધ એકમાત્ર મિસ્ટર વાચ્છાએ કર્યો હતો અને આ રસ્તાને ‘ન્યુ મેમણવાડા રોડ’ નામ આપવાની દરખાસ્ત રજૂ કરી હતી. મતદાન લેવામાં આવ્યું ત્યારે એકમાત્ર વાચ્છાએ દરખાસ્તના વિરોધમાં મત આપ્યો જેથી દરખાસ્ત સર્વાનુમતે મંજૂર ન થઈ શકી. ઠરાવ પસાર થયા પછી એવું પણ નક્કી કરવામાં આવ્યું કે આ રીતે તેમનું નામ જોડવા માટે લૉર્ડ સિડનહૅમની આગોતરી મંજૂરી મેળવી લેવી. તેમણે એ માટે મંજૂરી આપી હતી. આ રસ્તો ક્યારે બંધાઈને તૈયાર થયો એ જાણવા નથી મળ્યું, પણ એ બંધાઈ રહ્યા પછી એની સાથે લૉર્ડ સિડનહૅમનું નામ જોડવામાં આવ્યું. ૧૯૧૩માં મુંબઈમાં શરૂ થયેલી કૉમર્સ કૉલેજ સાથે પણ લૉર્ડ સિડનહૅમનું નામ જોડવામાં આવ્યું, સિડનહૅમ કૉલેજ ઑફ કૉમર્સ ઍન્ડ ઇકૉનૉમિક્સ.
કોઈ રસ્તા સાથે જોડાયેલું બ્રિટિશ ગવર્નરનું નામ અંગ્રેજોના શાસન દરમ્યાન બદલાય અને એ રસ્તાને નવું નામ મળે દેશની આઝાદી માટેની ચળવળ સાથે જોડાયેલા એક નેતાનું એવું ભાગ્યે જ બન્યું હશે, પણ સિડનહૅમ રોડનું નામ અંગ્રેજ શાસન દરમ્યાન જ બદલીને મોહમ્મદ અલી રોડ કરવામાં આવ્યું. તેમનો જન્મ ૧૮૭૮ની ૧૦ ડિસેમ્બરે અને અવસાન ૧૯૩૧ની ૪ જાન્યુઆરીએ. તેઓ હતા હિન્દુસ્તાનની આઝાદી માટેની લડતના એક અગ્રણી. ઇન્ડિયન મુસ્લિમ લીગની અને જામિયા મિલિયા ઇસ્લામિયાના સ્થાપકોમાંના તેઓ એક. તેમનું કુટુંબ અંગ્રેજી રાજવટનું વિરોધી. ૧૯૨૩માં તેઓ ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા. પણ પછી થોડા વખતમાં જ ગાંધીજી સાથે મતભેદ થતાં પ્રમુખપદેથી રાજીનામું આપ્યું. વખત જતાં તેઓ ગાંધીજી અને કૉન્ગ્રેસના ઉગ્ર વિરોધી બન્યા. બીજા કેટલાક સાથીદારો સાથે મળીને તેમણે ઇન્ડિયન મુસ્લિમ લીગની સ્થાપના કરી. વખત જતાં તેઓ લીગના દસમા પ્રમુખ બન્યા. ૧૯૩૦-’૩૧માં લંડનમાં મળેલી પહેલી રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં તેમણે મુસ્લિમોના એક પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી (ગાંધીજી બીજી રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સમાં હાજર રહ્યા હતા, પહેલીમાં નહીં). લિન્કન કૉલેજ, ઑક્સફર્ડમાંથી અર્વાચીન ઇતિહાસનો અભ્યાસ કર્યા પછી તેઓ હિન્દુસ્તાન પાછા આવ્યા અને થોડો વખત વડોદરા રાજ્યમાં કામ કર્યું. પછી જાણીતા વક્તા અને લેખક બન્યા. તેમના લેખો લંડનના ધ ટાઇમ્સ, મૅન્ચેસ્ટર ગાર્ડિયન અને ધ ઑબ્ઝર્વર જેવાં અખબારોમાં છપાતા. ૧૯૧૩માં તેમણે દિલ્હીથી ‘હમદર્દ’ નામનું ઉર્દૂ દૈનિક શરૂ કર્યું હતું.
મોહમ્મદ અલી રોડ નામ ચોક્કસ ક્યારે પાડવામાં આવ્યું એ પણ જાણવા મળતું નથી, પણ મોટા ભાગે ૧૯૩૧માં તેમના અવસાન પછી પાડવામાં આવ્યું હોઈ શકે. બીજા કેટલાક તો કહે છે કે આ રોડનું નામ આ મોહમ્મદ અલી પરથી પડ્યું જ નથી. એ તો પાડવામાં આવ્યું છે નાખુદા મોહમ્મદ અલી રોગેના નામ પરથી. ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના ત્રીજા પ્રમુખ બદરુદ્દીન તૈયબજીના તેઓ નિકટના સાથી હતા. બૉમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલના તેઓ સભ્ય હતા. એ વખતે ધમધમતા અફીણના વેપારમાં પુષ્કળ કમાયા હતા અને લોકોપયોગી કામ માટે છુટ્ટે હાથે દાન આપતા હતા.
આજની આપણી વાત તો પૂરી થઈ. ત્યારે સૈયદ ફાઝલ શાહના એક ગિનાંનના થોડા શબ્દ યાદ આવે છે : એ જી ચલતે ચલતે હમ થાકિયા, બંદે સમરો સાહેબજી કો નામ, સૈયદ ફાઝલશાહ કી વેનતી, મુસે મહેર કરો કરો મહેરબાન.
