‘રામાયણ’માં શૂર્પણખાના પતિનો રોલ ભજવનાર વિવેક ઑબેરૉયે પોતાની સંપૂર્ણ ફિલ્મ ફી કૅન્સર સામે લડી રહેલાં બાળકોની સારવાર માટે દાન કરી છે. તેણે ૫૦ બાળકોની સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી પણ સ્વીકારી છે.
વિવેક ઑબેરૉય
રણબીર કપૂર અને સાઈ પલ્લવીને લીડ રોલમાં ચમકાવતી ‘રામાયણ’નું ટ્રેલર રિલીઝ થયા બાદ દર્શકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં વિવેક ઑબેરૉય શૂર્પણખાના પતિનો રોલ કરી રહ્યો છે. ફિલ્મમાં તેનો સ્ક્રીનટાઇમ ભલે મર્યાદિત હોય, પણ તેની પ્રભાવશાળી હાજરી વાર્તામાં મહત્ત્વપૂર્ણ અસર છોડી જાય છે.
વિવેકે ફિલ્મ સાઇન કરતી વખતે પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાને સ્પષ્ટ કહ્યું હતું કે તે ‘રામાયણ’ માટે એક પણ રૂપિયાની ફી નહીં લે અને જે રકમ તેને મળવાની હતી તે કૅન્સર સામે લડી રહેલા જરૂરિયાતમંદ બાળકોના સારવાર માટે દાન કરશે. હવે વિવેકે પોતાનું આ વચન પૂર્ણ કરી દીધું છે. વિવેકે પોતાની સંપૂર્ણ ફી દાન કરવાની સાથે કૅન્સર સામે જંગ લડી રહેલાં પચાસ બાળકોની સારવારનો ખર્ચ ઉઠાવવાની જવાબદારી સ્વીકારી છે. વિવેક છેલ્લાં વીસ વર્ષથી વધુ સમયથી કૅન્સરપીડિતોની મદદ અને વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો છે અને વિવેકના આ માનવતાભર્યા પગલાની ચારે તરફ પ્રશંસા થઈ રહી છે.
