Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > મિચ્છા મિ દુક્કડં કહો ત્યારે આ પાંચ વ્રતને યાદ કરો છો તમે?

મિચ્છા મિ દુક્કડં કહો ત્યારે આ પાંચ વ્રતને યાદ કરો છો તમે?

19 September, 2023 11:18 AM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

આજે પ્રતિક્રમણ નિમિત્તે મિચ્છા મિ દુક્કડં કહેતાં પહેલાં પાપોનું કેન્દ્રબિંદુ અને દુઃખનું ઉદ્ગમસ્થાન કહેવાય એવી પાંચ બાબતો કઈ છે જ્યાંથી પાછા વળો તો જીવન શાંતિભર્યું અને સુમધુર બની શકે છે એ વિશે આજે વાત કરીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીરઆજે સંવત્સરી એટલે કે પર્યુષણનો છેલ્લો દિવસ. આજના દિવસે લગભગ તમામ જૈનો સાંજના સમયે સંવત્સરી પ્રતિક્રમણ કરતા હોય છે. તમને ખબર છે? સંવત્સરી પ્રતિક્રમણમાં મહાત્મા સંવત્સરી સૂત્રનું પઠન કરે. આ સૂત્રમાં જૈન સાધુઓ દ્વારા સૂક્ષ્મ સ્તરે અને શ્રાવકો દ્વારા સ્થૂળ સ્વરૂપે પાળવાં અનિવાર્ય ગણાતાં પંચમહાવ્રતનું વિગતવાર વર્ણન મળે છે. ઝીણવટપૂર્વક જોઈએ તો તમામ પાપોનું, તમામ દુઃખોનું અને આપણી તમામ સમસ્યાઓનું કેન્દ્રબિંદુ જો કોઈ હોય તો એ આ પંચ મહાવ્રતોનું પાલન ન કરવું એમાં છે. એટલે કે જો આપણે પંચ મહાવ્રતોનું પાલન કરતાં શીખી જઈએ તો કદાચ આપણા જીવનમાં એક પણ જાતની સમસ્યા, તકલીફ, દુઃખ-દર્દ ન રહે.

આજે મિચ્છા મિ દુક્કડં કહીને લોકો સંવત્સરીનું કર્તવ્ય નિભાવશે. મિચ્છા મિ દુક્કડં એટલે કે થયેલી ભૂલોની માફી માગવી અને આપવી. આજના દિવસે પંચ મહાવ્રતો શું છે અને કઈ રીતે આપણે એમાં ભૂલ કરીને દોષોને, તકલીફોને અને પીડાઓને આમંત્રણ આપી બેસીએ છીએ એ સમજીએ. મનોમન આ પંચ મહાવ્રતોને આંખ સામે રાખીને હૃદયના શુદ્ધ ભાવથી મિચ્છા મિ દુક્કડં કહીએ તો આવતા વર્ષે સંવત્સરી પર્વ વખતે ફરીથી જ્યારે મિચ્છા મિ દુક્કડં કહેતા હોઈશું ત્યારે આપણો ચોપડો કદાચ આજ કરતાં વધુ ચોખ્ખો હશે. આ વિષય પર પરમ પૂજ્ય મુનિશ્રી રાજસુંદરવિજયજી મહારાજસાહેબ સાથે થયેલી અનુકરણીય વાતચીત પ્રસ્તુત છે.બહુ જ મહત્ત્વપૂર્ણ
પાંચ મહાવ્રતોનું આટલું મહત્ત્વ જૈન ધર્મમાં શું કામ છે એ વિશે પૂજ્યશ્રી રાજસુંદરવિજયજી મહારાજ કહે છે, ‘આ પાંચ મહાવ્રત આપણા જીવનની પ્રત્યેક ક્ષણ સાથે જોડાયેલાં છે. મનથી, વચનથી અને કાયાથી એમ ત્રણેય રીતે પાંચ પ્રકારના દોષોથી પાંચ પ્રકારનાં દૂષણોથી મુક્ત રહેવું જેને આપણે ત્યાં વિરમણ મહાવ્રત પણ કહેવાય છે. વિરમણ એટલે કે અટકવું. પાંચ પ્રકારનાં દૂષણોમાં અટકવું. આ પાંચ મહાવ્રત શ્રાવકો માટે સ્થૂળ દૃષ્ટિએ અને મહાત્મા માટે સૂક્ષ્મ દૃષ્ટિએ અનિવાર્ય બતાવ્યાં છે. અહિંસા, અસ્તેય, અદત્તાદાન, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ પાંચ પ્રકારનાં વિરમણ વ્રતોને જીવનમાં સભાનતા સાથે ઉતારવાના પ્રયાસ કરવા જોઈએ. આ સંવત્સરીના દિવસે ‘મિચ્છા મિ દુકડમ’ દેતી વખતે આ પાંચ પ્રકારનાં વ્રતોને જો આંખ સામે રાખીને આગળ વધવામાં આવે તો જીવનમાં દોષમુક્તિની દિશામાં વ્યક્તિ આગળ વધી શકે અને એનાથી તેના જીવનમાં પણ સુખ-શાંતિનો વ્યાપ વધી શકે.’


અહિંસા |  કોઈકને મારવું એને આપણે હિંસા ગણીએ છીએ. જોકે જૈન દૃષ્ટિએ હિંસા પણ ખૂબ સૂક્ષ્મ સ્તરે આપણાથી થતી હોય છે. પૂજ્ય શ્રી રાજસુંદરવિજયજી કહે છે, ‘આપણી બોલચાલની ભાષામાં ઘણી બધી વાર રિંગ મારી, મિસકૉલ માર્યો જેવા શબ્દપ્રયોગ આપણે કરતા હોઈએ છીએ. આ માર શબ્દનો ઉપયોગ એ પણ એક જાતની સૂક્ષ્મ સ્તરે હિંસા છે. કોઈને દુઃખ થાય એ પ્રકારની વાણીનું ઉચ્ચારણ કરવું એ પ્રકારની ભાષા વાપરવી એ પણ હિંસા છે. તમે કોઈને હાથ પણ અડાડ્યો નથી, પણ મનોમન ધારો કે તમે કોઈને થપ્પડ મારી દીધી અથવા મનોમન કોઈકને મારવાની ભાવના તમારા મનમાં જાગી તો એ પણ હિંસા છે. ગર્ભપાત કરવો અથવા કરવાની સલાહ આપવી એ પણ હિંસા છે. પ્રાણીજન્ય ચૉકલેટ ખાવી એટલે જેમાં નૉન-વેજ કહી શકાય એવી સામગ્રી આવતી હોય એ પ્રકારનો કોઈ પણ આહાર લેવો. પછી ચૉકલેટ હોય, આઇસક્રીમ હોય તો એ પણ હિંસા છે. પ્રાણીઓના આકારવાળી ચૉકલેટ આવે છે એ ખાઓ તો એમાં પણ હિંસાનો જ દોષ લાગે. પ્રાણીઓના આકારવાળાં કપડાં પહેરવાં, એવા ટૉવેલ અથવા બ્લેન્કેટ વાપરવાં, જંતુનાશક ઝેરી દવાઓનો ઉપયોગ કરવો વગેરે તમામ પ્રવૃત્તિમાં હિંસા સમાયેલી છે. હવે શ્રાવકોના સ્તરે આમાંથી જ્યાં-જ્યાં તેઓ અટકી શકતા હોય ત્યાં અટકવાના પ્રયાસ કરવા જોઈએ અને મિચ્છા મિ દુક્કડં માગતા હો ત્યારે આવી દિનચર્યામાં સમાયેલી સૂક્ષ્મ બાબતોનો પણ સમન્વય મનમાં કરીને માફી માગવી જોઈએ.’

અસ્તેય | એટલે કે જૂઠ ન બોલવું. આપણને મનમાં પણ ન હોય એ રીતે ઘણી વાર આપણે જૂઠ બોલી દેતા હોઈએ. જોકે આશય ખરાબ ન હોય છતાં જૂઠ બોલીએ તો શું વાંધો છે એમાં કયું મોટું પાપ લાગી જાય એવો પ્રશ્ન જો આપને થતો હોય તો એનો જવાબ પૂજ્ય શ્રી રાજસુંદરવિજયજી આપે છે, ‘અકારણ પણ જો ખોટું બોલવામાં આવે તો ધીમે-ધીમે એ સંસ્કાર બનતા હોય છે. તમે ઘરેથી નીકળ્યા નથી અને છતાં ફોન આવે અને એમ કહી દો કે હા બસ નીકળી ગયો છું. ૯માં પાંચ મિનિટ ઓછી હોય અને તમે જો એમ કહો કે ૯ વાગી ગયા તો એ પણ જૂઠ છે. એમાં પણ અસત્યનો દોષ લાગે. ઇન્ટેન્શન સાથે તો ખોટું બોલવું એ ખરાબ છે જ, પરંતુ અનઇન્ટેન્શનલી પણ ખોટું બોલવું એ યોગ્ય નથી. અમારી પાસે આવેલા ગર્ભશ્રીમંત ભાઈએ પ્રવચનમાં અસત્યને લગતી વાતો સાંભળીને તેમણે કહ્યું કે મને પણ જૂઠ બોલવાની આદત છે અને મારે એમાંથી છૂટવું છે તો અમે તેમને એક રસ્તો દેખાડ્યો કે હવે જ્યારે-જ્યારે જૂઠ બોલો ત્યારે ૧૦૦ રૂપિયા કોઈ સત્કાર્યમાં વાપરવાનું. લગભગ અઠવાડિયા પછી આ મુદ્દે ચર્ચા કરવા માટે એ ભાઈ પાછા આવ્યા ત્યારે અમને કહે કે સાહેબ એક અઠવાડિયામાં ૩૮,૦૦૦ રૂપિયા વાપર્યા છે. અમે પણ આશ્ચર્યમાં પડ્યા ત્યારે ભાઈએ કહ્યું કે આપે ૧૦૦ રૂપિયા કહ્યું હતું એક વખત જૂઠના, પરંતુ મેં મનોમન ૧૦૦૦ રૂપિયા ધાર્યા તા અનાદિકાળના કુસંસ્કારો છે તો એમાંથી છૂટવા માટેની સજા ઓછી હોય તો કદાચ આપણે એને ગંભીરતાથી ન લઈએ એટલે મેં મનોમન જાત માટેનો ફાઇન થોડો વધારી દીધેલો. દરેક વ્યક્તિ આ રીતે થોડું જાગૃતિ સાથે જાતને જુએ તો પોતે ક્યાં-ક્યાં સૂક્ષ્મ સ્તરે ભૂલો કરી રહ્યો છે અને જૂઠને અજાણતાં જ પ્રાધાન્ય આપી રહ્યો છે એ જોઈ શકે. તમે કોઈને માટે ખોટી સાક્ષી આપો. ખોટું બર્થ સર્ટિફિકેટ બનાવો. ખોટી રીતે લાઇસન્સ કઢાવો, આમ ઘણા લોકોએ કોરોનામાં ખોટો કોરોના-રિપોર્ટ બનાવ્યો હતો. સોશ્યલ મીડિયા પર ખોટા નામે અકાઉન્ટ શરૂ કરો અને લોકોને હેરાન કરો, અપશબ્દ અને અભદ્ર ભાષા બોલો, કોઈની નિંદા કરો, કોઈને દુખી કરવાના પેંતરા રચો એવી બધી બાબતો અસત્ય એટલે કે મૃષાવાદના દોષ સાથે જોડાયેલી છે. સભાનતા સાથે તબક્કાવાર એમાંથી છૂટવાના પ્રયાસ કરવા જોઈએ.’


અદત્તા દાન | એટલે કે ચોરી કરવી. પૂજ્ય શ્રી રાજસુંદરવિજયજી આ વિષય પર વધુ વાત કરતાં કહે છે, ‘દત્તા એટલે દીધેલું અથવા તો આપેલું અને અદત્ત એટલે ન આપેલું. કોઈએ ન આપેલી વસ્તુ પૂછ્યા વિના જો આપણે લઈએ તો એમાં અદત્તા દાનનો એટલે કે ચોરીનો દોષ લાગતો હોય છે. તમે કોઈ કામ કરવા માટે ક્યાંક ઊભા છો અને તમારે પેન જોઈએ છે અને તમે પૂછ્યા વિના એ પેન લીધી તો એમાં તમને ચોરીનો દોષ લાગે. તમે તમારા ઘરમાં કોઈનો ફોન પૂછ્યા વિના ઉપાડ્યો હોય તો એ પણ ચોરી જ ગણાય. કોઈની વસ્તુ પોતાના નામે ચડાવો તો એ પણ ચોરી છે. ટિકિટ વિના મુસાફરી કરવી,  રસ્તામાં મળેલી વસ્તુ લેવી, વસ્તુમાં ભેળસેળ કરવી, વજનમાં ગરબડ કરવી, કોઈ સંસ્થામાં ટ્રસ્ટી બનીને એ રકમ દ્વારા સ્વાર્થ સાધવો, કોઈનો આર્થિક વિશ્વાસઘાત કરવો, ટૅક્સચોરી કરવા જેવી અઢળક બાબતો છે જેનો અદત્તા દાનમાં એટલે કે ચોરીમાં સમાવેશ થાય છે. ઘણી બધી સમસ્યા અહીંથી ઉત્પન્ન થઈ શકે છે એટલે બને એટલા અવેર રહીને આ પ્રકારની પ્રવૃત્તિથી દૂર રહેવાના પ્રયાસ કરવા જોઈએ.’

બ્રહ્મચર્ય | બ્રહ્મચર્યને આપણે માત્ર સ્ત્રી અને પુરુષના સંબંધ સાથે જોડી દીધું છે, પરંતુ કોઈ પણ ઇન્દ્રિયનો દુર્વ્યય કરવો, ઇન્દ્રિયની આસક્તિ રાખવી એ અબ્રહ્મનું સેવન છે, બ્રહ્મચર્યવ્રતનો ભંગ છે એમ જણાવીને પૂજ્ય રાજસુંદરવિજયજી કહે છે, ‘એટલે કે ન જોવાનું જોઈને આંખોનો દુરુપયોગ કરવો એ અબ્રહ્મ છે. સ્વાદ માટે ભાન ભૂલીને સ્વાદેન્દ્રિય અને પોષવા માટે પોતાની હદ વટાવી એ બ્રહ્મચર્યવ્રતનો ભંગ છે. સુગંધ માટે એટલે કે ઘ્રાણેન્દ્રિય માટે જાતજાતના પરફ્યુમ્સનો વધુપડતો ઉપયોગ કરવો એ બ્રહ્મચર્યવ્રતનો ભંગ છે. ઇન્દ્રિયનો વિવેક ચૂકવો એ બ્રહ્મચર્યવ્રતનો ભંગ છે. એટલે જ્યારે મિચ્છા મિ દુક્કડં કહેતા હોય ત્યારે આવી બાબતોનો સમાવેશ થવો જોઈએ. ઘણી બાબતો આપની આંખ સામે આવવી જોઈએ અને એ રીતે જ જીવનમાં બ્રહ્મચર્યને સ્થાન આપવાના પ્રયાસ કરવા જોઈએ.’

અપરિગ્રહ | સામાન્ય સમજ એવી છે કે કોઈ પણ વસ્તુનો ભરાવો કરવો અથવા તો સંગ્રહ કરવો એને પરિગ્રહ કહેવાય અને એનાથી મુક્ત રહેવું એ અપરિગ્રહ. પૂજ્ય શ્રી રાજસુંદરવિજયજી આ વિષયને વધુ ઝીણવટ સાથે સમજાવતાં કહે છે, ‘આપણા શાસ્ત્રમાં એક વાક્ય આવે છે, ‘મુચ્છા પરિગ્ગહો વુત્તો’ એટલે કે મૂર્છા કરવી કે આસક્તિ કરવી એ જ પરિગ્રહ છે. તમારી પાસે માત્ર ત્રણ જોડી કપડાં છે, પરંતુ એ ત્રણ જોડી માટે પણ તમને જો ખૂબ આસક્તિ હોય, તમને એને માટે મમત્વ હોય તો સમજવું કે એ પરિગ્રહ છે. બેશક એનો અર્થ એવો જરાય નથી કે ૫૦ જોડી કપડાં હોય અને આસક્તિ ન હોય તો એ ચાલે. એક વાત હોય છે આવશ્યકતા અને બીજી વાત છે અનિવાર્યતા. જે અનિવાર્ય હોય એને તમારી પાસે રાખો અને એને માટે તમે આસક્ત ન હો તો એને પરિગ્રહ ન કહેવાય, પરંતુ અનિવાર્યતા કરતાં વધારે વસ્તુ તમારી પાસે હોય તો એને પણ પરિગ્રહ જ કહેવાય. આસક્તિથી છૂટવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે ત્યાગ. ધારો કે તમને કપડાંનો ખૂબ શોખ છે એ પછી પણ તમે જો નિયમ બનાવો કે હું એક જોડી નવાં કપડાં લઉં તો મારે જૂનાં કપડાંમાંથી એક જોડી કોઈને આપી દેવી અથવા તો પચીસ જોડીથી વધારે કપડાં હું નહીં રાખું તો એ પ્રકારના નિયમો તમને અપરિગ્રહતા તરફ સક્રિય કરશે. એ સિવાય કોઈની આજીવિકા છીનવીને ધન કમાવું, શૅર-સટ્ટાથી ધન કમાવું, ઘર-જમીન-સોના જેવી વસ્તુ વધુ પડતા પ્રમાણમાં રાખવી, અતિસંગ્રહ કરવો, જે ન હોય એને માટેની તીવ્ર આસક્તિ રાખવા જેવી બાબતોનો પણ પરિગ્રહના દોષમાં સમાવેશ થાય છે. એમાંથી દૂર હટવાના પ્રયાસરૂપે અને એ દિશામાં આપણે જે ખોટું કરી રહ્યા છીએ એના માટે પણ આજના પવિત્ર દિવસે મિચ્છા મિ દુક્કડં અપાય એ જરૂરી છે.’

આ પાંચ પ્રકારના દોષ એ મુખ્ય દોષ છે એમ જણાવીને પૂજ્ય શ્રી રાજસુંદરવિજયજી મહારાજ કહે છે, ‘જો તમે આ પાંચ જગ્યાએથી ધીમે-ધીમે જાતને પાછી હટાવતા જાઓ અને પાંચ મહાવ્રતને જીવનમાં સ્થાન આપતા જાઓ તો એ બહુ મોટું ટ્રાન્સફૉર્મેશન જીવનમાં લઈને આવી શકે છે. સંવત્સરીના આજના દિવસે મિચ્છા મિ દુક્કડં આપતી વખતે વંદિતુ, અતિચાર જેવાં સૂત્ર બોલતી વખતે મનોમન આ પાંચ મહાવ્રતને પણ આંખ સામે રાખીને એ દિશામાં વ્યક્તિથી થયેલા દોષોને માટે પણ મિચ્છા મિ દુક્કડં કહેવું જોઈએ અને સાથે-સાથે આ પ્રકારના દોષો જીવનમાંથી કેવી રીતે ઓછા થાય એ માટેના રસ્તા શોધવા જોઈએ. એ માટે જાતને અકાઉન્ટેબલ બનાવીને પદ્ધતિસર એમાંથી બહાર નીકળવાની દિશામાં આગળ વધવું જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

19 September, 2023 11:18 AM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK