મુંબઈના અનેક વિસ્તારોમાં ૬૦થી ૭૫ વર્ષની વૃદ્ધ મહિલાઓ હાઉસિંગ સોસાયટીઓમાં ઘી-દૂધ-છાશ વેચવા ફરે છે, ઘરે રહેતી મહિલાઓને ટાર્ગેટ કરે છે, નિયમિત આવીને તેમનો વિશ્વાસ જીતે છે, પછી સસ્તા ભાવે સોનું વેચવાની લાલચ આપીને છેતરી જાય છે
તસવીરમાં ઝડપાઈ ગયેલી ભોળા ભાવે મહિલાઓ સાથે વાત કરતી લૂંટારી દાદીઓ અને તેમણે પધરાવેલાં નકલી સોનાનાં બિસ્કિટ
કાંદિવલીના ચારકોપ વિસ્તારમાં ૬૦થી ૭૫ વર્ષની બે દાદીઓ રેસિડેન્શ્યલ એરિયામાં ફરીને હોમમેકર્સ મહિલાઓનો વિશ્વાસ જીતીને તેમને લૂંટતી હોવાનો બનાવ બન્યો છે. મુંબઈ પોલીસે શહેરભરમાં આ લૂંટારી દાદીઓ બાબતે લોકોને ચેતવ્યા છે અને માત્ર ચારકોપ નહીં, મુંબઈના અન્ય પરાઓમાં પણ આવી જ મોડસ ઑપરેન્ડી અપનાવીને વૃદ્ધ મહિલાઓની ગૅન્ગ હોમમેકર્સને લૂંટતી હોવાના કિસ્સા પોલીસના ચોપડે ચડ્યા છે.
૫૬ વર્ષનાં વિધવા મીનાદેવી ચૌહાણ જ્યાં રહેતાં હતાં એ હાઉસિંગ સોસાયટીમાં ૧૮ જૂને બે વૃદ્ધ મહિલાઓ દહીં, છાસ અને દેશી ઘી વેચવા માટે આવી હતી. આ મહિલાઓ દ્વારા વેચવામાં આવી રહેલું ઘી અને બીજી વસ્તુ ઘણી સારી અને માર્કેટપ્રાઇસ કરતાં સસ્તી હતી. એ કારણે સોસાયટીમાં ઘણા લોકોએ તેમની પાસેથી એની ખરીદી કરી હતી. એ પછી નિયમિત બન્ને દાદીઓ સોસાયટીમાં આવતી ગઈ અને પોતાના વિશે વાતો કરીને લોકોનો વિશ્વાસ કેળવતી ગઈ. તેમણે લોકોને એવું જણાવ્યું કે તેઓ પાલઘરનાં રહેવાસી છે.
ADVERTISEMENT
પ્લૉટમાં સોનું મળ્યાનો દાવો
મીનાદેવીએ જણાવ્યું હતું કે ‘૨૩ જૂને તેમણે મને કહ્યું હતું કે તેમણે પાલઘરમાં જમીનના પ્લૉટ ખરીદ્યા છે. ખોદતી વખતે એની અંદરથી સોનું મળ્યું છે. આ સોનું જો તેઓ માર્કેટમાં જ્વેલર પાસે વેચવા જાય અને લોકોને ખબર પડે તો સરકાર આખા પ્લૉટ પર કબજો કરી લે એવું બને. એટલે તમને ૨૫૦ ગ્રામ જેટલું આ સોનું પાંચથી ૬ લાખ રૂપિયામાં આપી દઈશું. જોકે મેં ના પાડી દીધી હતી. મારો વિશ્વાસ જીતવા માટે બીજા દિવસે તેઓ એક સોનાનો સિક્કો લઈને આવ્યાં જે એક ગ્રામનો હતો. એ લઈને હું જ્વેલર પાસે ગઈ તો તેણે કન્ફર્મ કર્યું કે એ સાચો સિક્કો છે અને તેના ૧૦,૦૦૦ રૂપિયા આપ્યા, જે મેં બન્ને વૃદ્ધાને આપી દીધા.’
\નકલી બિસ્કિટ પધરાવી ફરાર
અમારા ઘરમાં એક પરિવારજન પાસેથી ૬ લાખ રૂપિયા કૅશ આવ્યા હતા એ ૧૮ જુલાઈએ ઘરમાં પડ્યા હતા એમ જણાવતાં મીનાદેવીએ કહ્યું હતું કે ‘એ દિવસે આ બન્ને મહિલા ફરી મારા ઘરે આવી હતી અને તેમણે મને સોનું લઈને તેમને પૈસા આપવા મનાવી લીધી. તેઓ સોનાનાં બિસ્કિટ લાવ્યાં હતાં. જે આબેહૂબ પહેલાં જે સિક્કો આપ્યો હતો એના જેવાં જ હતાં. એટલે અંતે મેં એ લઈને ૬ લાખ રૂપિયા તેમને આપી દીધા. એ લઈને જ્વેલર પાસે ગઈ તો એ બધાં સોનાનાં બિસ્કિટ નકલી નીકળ્યાં. મેં ધાર્યું હતું કે આ સોનું વેચીને જે પૈસા આવશે એ મને વૃદ્ધાવસ્થામાં કામ લાગશે. મને એવો વિચાર પણ નહોતો આવ્યો કે મારી સાથે આ રીતે છેતરપિંડી થઈ શકે છે. જોકે મને ભગવાન પર અને પોલીસ પર પૂરો ભરોસો છે કે મને મારા પૈસા પાછા મળી જશે.’
મીનાદેવીના દીકરા દુર્ગા પ્રસાદ ચૌહાણે આ વૃદ્ધ મહિલાઓ વિશે તેમની માતા અને પત્નીને ચેતવ્યાં હતાં. એને કારણે તેમણે લૂંટારી દાદીઓના ફોટો લેવાના પ્રયાસ કર્યા હતા. જોકે દાદીઓ ફોટો લેવા દેતી નહોતી એટલે બેમાંથી એકની જ તસવીર તેમને મળી હતી. એ તસવીર પોલીસને આપવામાં આવી છે.
શું કહે છે પોલીસ?
સિનિયર ઇન્સ્પેક્ટર વિનાયક ચૌહાણે જણાવ્યું હતું કે ‘ઇન્વેસ્ટિગેશનમાં અમને જાણવા મળ્યું છે કે આરોપી મહિલાઓ નૉર્થ મુંબઈ અને વેસ્ટર્ન સબર્બ્સના વિસ્તારોમાં પણ આ જ મોડસ ઑપરેન્ડી વાપરીને લોકોને લૂંટી ચૂકી છે. અમે તેમના ફોટો મુંબઈ અને મુંબઈ બહારનાં પોલીસ-સ્ટેશન્સમાં પણ મોકલાવી દીધા છે. આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.’
કેવી છે ડકૈત દાદીઓની મોડસ ઑપરેન્ડી?
* સોસાયટીઓમાં સારી ક્વૉલિટીનું ઘી, દહીં, છાશ વેચવા નિયમિત આવે.
* ઘરે રહેતી મહિલાઓને ટાર્ગેટ કરે અને તેમની સાથે સારી-સારી વાતો કરીને વિશ્વાસ જીતે.
* ખેતરમાંથી સોનું મળી આવ્યું હોવાનું કહીને એ સોનું સસ્તા ભાવે વેચવાની લાલચ આપે.
* વિશ્વાસ જીતવા એક સાચો સિક્કો આપે અને પછી પૈસા લઈને નકલી સોનું પધરાવીને ફરાર થઈ જાય.


