Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > જગન્નાથ રથયાત્રાના રંગોનું ગામ : પિપલી

જગન્નાથ રથયાત્રાના રંગોનું ગામ : પિપલી

Published : 05 July, 2026 03:35 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

જ્યાં સોય, દોરો અને શ્રદ્ધા મળીને સરજાય છે અદ્ભુત ચાંદુઆ કળા

જગન્નાથજીની રથયાત્રાની છત્રીઓને ફાઇનલ ઓપ આપતા પિપલીના કલાકાર.

જગન્નાથજીની રથયાત્રાની છત્રીઓને ફાઇનલ ઓપ આપતા પિપલીના કલાકાર.


અષાઢી બીજના દિવસે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં રથોની સજાવટ આ ગામના કલાકારો દ્વારા તૈયાર થાય છે. GI ટૅગ ધરાવતી આ કળાએ વૈશ્વિક સ્તરે ભારતની ઓળખ બનાવી છે. આ ગામ માટે ચાંદુઆ એ માત્ર કળા જ નથી પરંતુ પરંપરા, સંસ્કૃતિ અને આસ્થાનું ધબકતું કેન્દ્ર છે

દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને દેવી સુભદ્રાની ભવ્ય રથયાત્રા નીકળે છે ત્યારે લાખો ભક્તોની શ્રદ્ધાદૃષ્ટિ ૩ વિશાળ રથ પર મંડાયેલી હોય છે. લાકડાના તૈયાર થયેલા આ ભવ્ય રથ એમના કદ માટે જેટલા જાણીતા છે એટલા જ એમના રંગબેરંગી શણગાર માટે પણ પ્રસિદ્ધ છે. રથ પર લહેરાતા ધ્વજ, કાપડનું ભવ્ય આવરણ, સુશોભિત છત્ર અને આકર્ષક કાપડની સજાવટ આખી રથયાત્રાને અનોખી ભવ્યતા બક્ષે છે. જેમ રથ બનાવવાની યાત્રા અનોખી છે એવું અનોખું છે એનું સજાવટ કામ. એ માટે આજકાલ ઓડિશાનું એક ગામ ધમધમી રહ્યું છે. એ કયું ગામ? ચાલો આજે જાણીએ.



રથયાત્રાનો અદભુત શણગાર ક્યાં તૈયાર થાય છે? આનો જવાબ છે પુરીથી લગભગ ૨૦ કિલોમીટર દૂર આવેલા પિપલી નામનું ટચૂકડું ગામ. આમ તો સાવ સામાન્ય ગામ છે પણ વાસ્તવમાં ઓડિશાની સાંસ્કૃતિક ઓળખનું જીવંત કેન્દ્ર છે. અહીં જન્મેલી અને સદીઓથી વિકસતી આવેલી પિપલી એપ્લિક કળા, જે સ્થાનિક ભાષામાં ચાંદુઆ કહેવાય છે, એ ખરેખર તો માત્ર ભગવાન જગન્નાથની સેવાનો જ અભિન્ન ભાગ નથી પરંતુ ભારતની શ્રેષ્ઠ પરંપરાગત હસ્તકળાઓમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે.



લાકડા પર થતી પિપલી આર્ટ પણ અહીં ફેમસ છે. 

જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટૅગ 


પિપલી એપ્લિક કળાને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI)નો દરજ્જો પ્રાપ્ત થયો છે. આ ટૅગ કોઈ કાનૂની ઓળખ માત્ર નથી, કારીગરોની પરંપરા અને તેમની બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ પણ છે.
કોઈ પણ કળા કે પ્રોડક્ટને GI ટૅગ મળવાને કારણે જે-તે કળાની ઓળખ તો સુરક્ષિત થઈ જ જાય છે, સાથે જ નકલી ઉત્પાદનો સામે પણ કારીગરોને રક્ષણ મળે છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય બજારમાં જે-તે કળા અને પ્રોડક્ટ્સની વિશ્વસનીયતા પણ વધે છે, જેનો સીધો ફાયદો એ કળા-સંસ્કૃતિને જાળવનારા કારીગરોને મળે છે. એમાં યોગ્ય આર્થિક લાભ મળવાથી લઈને પરંપરાગત કળાનું સંરક્ષણ અને નવી પેઢીમાં એનું જતન થવા સુધીના અનેક ફાયદા છે.

પિપલી - રંગોથી ધબકતું હસ્તકળાનું ગામ

ભુવનેશ્વરથી પુરી જતાં તમારી નજર સામે જો અચાનક રસ્તાની બન્ને બાજુ રંગોની અનોખી દુનિયા ઊઘડવી શરૂ થાય તો સમજી જજો કે તમે પિપલીમાં પ્રવેશી ચૂક્યા છો. ક્યાંક રંગીન છત્રીઓ પવનમાં લહેરાતી હોય તો ક્યાંક હાથી, મોર, કમળ અથવા સૂર્યની આકૃતિઓ દીવાલ પર લટકણિયાં તરીકે ટંગાયેલી હોય; ક્યાંક તોરણો હોય તો ક્યાંક કાપડના લૅમ્પશેડ એમના માથે પ્રવાસીઓને આકર્ષવાની જવાબદારી લઈને બેઠા હોય. અહીંની લગભગ દરેક દુકાન એક નાનકડું હસ્તકળા કેન્દ્ર અથવા સંગ્રહાલય છે એમ કહો તો ચાલે. પિપલીનું લગભગ દરેક ઘર એક કાર્યશાળા છે. મોટા ભાગના પરિવારોમાં સવારથી સાંજ સુધી સોય, દોરો અને રંગીન કાપડ સાથે કંઈક ને કંઈક સર્જન ચાલતું જ હોય. આ કળા અહીં માત્ર વ્યવસાય નથી, પેઢી દર પેઢી ચાલતી આવતી પરંપરા છે.

ભગવાન જગન્નાથ સાથે સંબંધ

પિપલી ગામ માટે સૌથી મોટી ગૌરવની વાત એ છે કે એનો ઇતિહાસ સીધો શ્રી જગન્નાથ ભગવાન અને તેમના મંદિર સાથે જોડાયેલો છે. લોકમાન્યતાઓ અને ઐતિહાસિક સંદર્ભ અનુસાર જ્યારે પુરીમાં ભગવાન જગન્નાથના ભવ્ય મંદિર માટે વિવિધ સેવાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હતું ત્યારે મંદિર માટે જરૂરી કપડું, છત્ર અને શણગાર તૈયાર કરવાનાં હતાં. એ માટે કુશળ કારીગરો અને દરજી પરિવારોને પિપલી ગામના વિસ્તારમાં વસાવવામાં આવ્યા. બસ એ દિવસથી લઈને આજ સુધી આ ગામ પેઢી દર પેઢી ભગવાનની સેવામાં કાર્યરત રહ્યું છે.

આજે પણ રથયાત્રા પહેલાં પિપલી ગામના કારીગરો વિશેષ જવાબદારી સાથે કામ કરે છે. રથનાં કાપડનાં આવરણોથી લઈને ધ્વજ, છત્ર અને વિવિધ સુશોભન-સામગ્રી તૈયાર કરવાનું કાર્ય આજે પણ પરંપરાગત નિયમો અનુસાર જ થાય છે. એનું એક મુખ્ય કારણ એ છે કે પિપલીના દરેક કારીગર માટે રથયાત્રાનું એ કામ માત્ર કામ નથી, ભગવાનની એક અનોખી સેવા છે.


જગન્નાથજી, બલભદ્ર અને સુભદ્રાનું વૉલપીસ આર્ટ.

આ કળા સામેના પડકારો અને સંભાવનાઓ

દરેક પરંપરાગત કળાની જેમ પિપલી કળા પણ અનેક પડકારોનો સામનો કરી જ રહી છે.

આવી બેનમૂન કળા માટે હવે મશીનથી બનતી સસ્તી નકલ એક મોટો પડકાર બનતી જાય છે. આ સિવાય કાચા માલના વધતા ભાવ, યુવા પેઢીનો અન્ય વ્યવસાયો તરફ વધતો ઝોક અને વૈશ્વિક સ્પર્ધા પણ ચાંદુઆ કારીગરો માટે ચિંતાનો વિષય બનતો જાય છે.

જોકે એટલો સધિયારો જરૂર છે કે આ બધા પડકારો છતાં ઑનલાઇન બજાર, હસ્તકળા મેળાઓ, ડિઝાઇન્સમાં નવીનતા અને સરકાર તથા વિવિધ સંસ્થાઓના સહયોગથી આ કળા ઉત્તરોત્તર નવી ઊંચાઈઓ સર કરી રહી છે.


ધાર્મિક પ્રતીકો ધરાવતી ઍપ્લિક કળા.

ચાંદુઆ કળા

પિપલીની ઓળખ એટલે ચાંદુઆ. રંગીન કાપડમાં શ્વાસ પૂરીને એમને જીવંત કરતી કળા એટલે ચાંદુઆ. એક કાપડ પર બીજા રંગીન કાપડના ટુકડાઓને સુંદર રીતે સીવીને એને નવું રૂપ આપવું, નવી રચના તૈયાર કરવી એને ‘એપ્લિક’ કહેવામાં આવે છે. પિપલીના કારીગરો આ માટે માત્ર તેમની ટેક્નિકને જ કામે નથી લગાડતા, ટેક્નિક સાથે ઉમેરાય છે તેમની કલ્પનાશક્તિ, પરંપરા અને ભગવાન જગન્નાથ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા.

સૌપ્રથમ વિવિધ રંગોનાં કાપડ પસંદ કરવામાં આવે. ત્યાર બાદ ફૂલ, પાન, કમળ, મોર, હાથી, ઘોડો, શંખ, ચક્ર, સૂર્ય, ચંદ્ર, વેલીઓ અને અન્ય આકૃતિઓ કાપવામાં આવે. આ આકૃતિઓને પેલા મૂળ કપડા પર એટલી સુંદર રીતે સીવવામાં આવે કે એ આખી કૃતિ જીવંત લાગવા માંડે. દરેક ટાંકામાં કારીગરની વર્ષોની મહેનત અને અનુભવ સ્પષ્ટ દેખાય.

પિપલી કળાનો ઇતિહાસ લગભગ આઠસોથી ૯૦૦ વર્ષ જૂનો છે. પૂર્વી ગંગ વંશના રાજાઓના સમયમાં ભગવાન જગન્નાથના મંદિરમાં વિવિધ ધાર્મિક વિધિઓ માટે વિશેષ કાપડની જરૂરિયાત ઊભી થઈ. એ સમયે ઓડિશાના દરજી સમાજના કુશળ કારીગરોએ એપ્લિક કળાનો વિકાસ કરવો શરૂ કર્યો. શરૂઆતમાં આ કળા માત્ર મંદિર પૂરતી મર્યાદિત હતી. એનો વ્યાપ સમય વીતતાં રાજદરબાર, લોકઉત્સવ અને સામાન્ય જનજીવન સુધી થયો. આજે પિપલીની ચાંદુઆ કળા ભારતીય હસ્તકળાની આંતરરાષ્ટ્રીય ઓળખ બની ચૂકી છે.

રથયાત્રા માટે મહિનાઓ પહેલાંથી તૈયારી શરૂ થઈ જાય છે. દેશભરમાં જ્યારે રથયાત્રાની તારીખની રાહ જોવાતી હોય ત્યારે પિપલીમાં એની તૈયારીઓ ઘણા મહિના પહેલાં જ શરૂ થઈ જતી હોય છે. ભગવાન જગન્નાથનો નંદીઘોષ, બલભદ્રજીનો તાલધ્વજ અને દેવી સુભદ્રાના દર્પદલન આ ત્રણેય રથ માટે અલગ-અલગ રંગ, માપ અને પરંપરાગત ડિઝાઇન અનુસાર કાપડ તૈયાર કરવામાં આવે. આ જ કારણથી દરેક રથને પોતાની એક અનોખી અને આગવી ઓળખ મળે છે. આ માટે એક-એક રથના આવરણ, ધ્વજ અને છત્રમાં પરંપરા અનુસાર વિશિષ્ટ રંગો અને આકૃતિઓનો ઉપયોગ થાય છે. આ આખા કાર્ય દરમ્યાન દરેક કારીગર કેટલીક બાબતો પ્રત્યે ખૂબ જ સાવધાની રાખે છે, કારણ કે તેમની દરેક રચનાનાં માપ, રંગ અને ડિઝાઇનનું અદકેરું ધાર્મિક મહત્ત્વ હોય છે.


પિપલી ગામના દરેક ઘરમાં એકાદ વ્યક્તિ તો ચાંદુઆ કળામાં માહેર હોય જ છે. 

ચાંદુઆ નામ કેવી રીતે પડ્યું?

ઉડિયા ભાષામાં ચાંદુઆ શબ્દનો અર્થ થાય મંદિર અથવા ધાર્મિક પ્રસંગોમાં ઉપયોગમાં લેવાતું રંગીન કપડાનું આવરણ અથવા છત્ર.

શરૂઆતમાં આ કળાનો ઉપયોગ મુખ્યત્વે ભગવાન જગન્નાથ માટેનાં છત્ર, પડદા અને આવરણ બનાવવા માટે થતો હતો. ત્યાર બાદ ધીરે-ધીરે એનો વિસ્તાર ઘરશણગાર, લોકકળાઓ અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ સુધી થયો. પિપલી ગામથી વિસ્તરેલી આ કળા પુરી અને ભુવનેશ્વર થઈને આખા ભારતમાં એવી વિસ્તરી કે આજે ભારતના પારંપરિક કળાવારસા તરીકે આખા વિશ્વમાં મશહૂર થઈ ગઈ. આજે તો હવે ચાંદુઆ શબ્દ સમગ્ર વિશ્વમાં પિપલી એપ્લિક કળાની ઓળખ બની ગયો છે.

કેવી રીતે તૈયાર થાય?

એક સુંદર ચાંદુઆ બનાવવાની પ્રક્રિયા આપણને દેખાય એટલી સરળ નથી હોતી. સૌપ્રથમ આખી રચના તૈયાર થવાની હોય એની ડિઝાઇન તૈયાર થાય છે. ત્યાર બાદ જરૂરી રંગીન કાપડ પસંદ કરીને એને અનુરૂપ આકાર હાથથી જ કાપવામાં આવે છે. ત્યાર બાદ એક પછી એક એને મુખ્ય કાપડ પર ગોઠવી સિલાઈ કરવામાં આવે છે. ઘણી વખત એની કિનારીઓ પર એક ખાસ પ્રકારના ટાંકા લેવામાં આવે છે, જેથી ડિઝાઇન લાંબા સમય સુધી ટકી રહે. કેટલીક કૃતિઓમાં તો કાચ, ઝાલર, ગોટા અથવા શણગારનાં અન્ય તત્ત્વો પણ ઉમેરવામાં આવે છે. આવું ઝીણું કામ કરવા માટે નાની કૃતિમાં કદાચ થોડા કલાકો લાગતા હશે, પણ જ્યારે રથ માટેનાં વિશાળ આવરણો બનાવવાનાં હોય ત્યારે એક જ કળાકૃતિ પર અનેક કારીગરો દિવસ-રાત મહેનત કરતા હોય છે.

ચાંદુઆ કળામાં રંગોનું પણ એક અલગ મહત્ત્વ અને રહસ્ય હોય છે. આ કૃતિઓમાં મુખ્યત્વે લાલ, પીળો, લીલો, સફેદ, કાળો અને વાદળી જેવા ચમકદાર રંગો જ જોવા મળતા હોય છે. આ તમામ રંગો માત્ર સૌંદર્ય માટે પસંદ કરવામાં આવે છે એવું નથી. વાસ્તવમાં એ ભારતીય પરંપરામાં પોતાનું પ્રતીકાત્મક મહત્ત્વ ધરાવે છે. લાલ રંગ શક્તિ અને શુભતાનું પ્રતીક છે તો પીળો રંગ જ્ઞાન અને પવિત્રતાનું, લીલો રંગ સમૃદ્ધિનું પ્રતીક છે તો સફેદ શાંતિ અને કાળો રંગ રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. આ રંગોના સુમેળથી બનેલી કૃતિઓ દૂરથી જ દર્શકોનું ધ્યાન ખેંચે છે.

એક તરફ ચાંદુઆ કળામાં જોવા મળતી આકૃતિઓ ઓડિશાની સંસ્કૃતિ અને લોકજીવનના પ્રતિબિંબ સમાન છે તો બીજી તરફ કમળ, મોર, હાથી, ઘોડા, પોપટ, હંસ, શંખ, ચક્ર, સૂર્ય, ચંદ્ર, વેલીઓ અને વિવિધ ફૂલો ભગવાન જગન્નાથ સાથે જોડાયેલાં ધાર્મિક પ્રતીકો છે. આથી જ એ બધી જ ડિઝાઇનો માત્ર શણગાર જ નથી, ઓડિશાની સાંસ્કૃતિક વાર્તાઓ પણ કહેતી હોય છે.

સમય સાથે બદલાતી કળા

એક સમય હતો જ્યારે પિપલી કળા માત્ર મંદિર માટે જરૂરી ચાંદુઆ બનાવવામાં વપરાતી હતી, પરંતુ સમય સાથે કારીગરોએ આધુનિક ગ્રાહકોની પસંદગી સમજવાનું પણ શરૂ કર્યું. આજે તો હવે છત્રીઓ, હૅન્ડબૅગ્સ, લૅપટૉપ બૅગ્સ, પર્સ, કુશન કવર્સ, બેડ કવર્સ, ટેબલ રનર, દીવાલનાં હૅન્ગિંગ્સ, લૅમ્પશેડ, ફાઇલ ફોલ્ડર્સ, મોબાઇલ કવર, ડાયરીનાં કવર, ગિફ્ટ આર્ટિકલ્સ અને ઇન્ટીરિયર ડેકોરની અસંખ્ય વસ્તુઓ પણ તૈયાર થાય છે. કદાચ પરંપરા અને આધુનિકતાનું આ સુંદર સંયોજન જ કારણ છે જે પિપલી કળાને સતત જીવંત રાખે છે.

પિપલીની હસ્તકળામાં મહિલાઓનું યોગદાન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ઘણા પરિવારોમાં પુરુષો ડિઝાઇન અને કાપડ કાપવાનું કામ કરે છે, જ્યારે મહિલાઓ સિલાઈ, કિનારીઓ અને અંતિમ શણગારની જવાબદારી સંભાળે છે. ઘરઆંગણે થતી કળા અને ઈશ્વરની આ સેવા વર્ષોથી હજારો મહિલાઓ માટે સ્વરોજગારનું અસરકારક સાધન બની છે.

વિશ્વબજારમાં પિપલી

આજે પિપલીની ચાંદુઆ કળા ભારતમાં જ નહીં, સરહદો પાર પણ પોતાનો ડંકો વગાડી રહી છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જપાન, ઑસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં એની જબરદસ્ત ડિમાન્ડ છે એટલું જ નહીં, આંતરરાષ્ટ્રીય હસ્તકળા પ્રદર્શનોમાં પણ પિપલીની કૃતિઓ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. એથી જ તો ભારતીય પ્રવાસીઓ ઉપરાંત વિદેશી પર્યટકો પણ પિપલીની મુલાકાત લઈને કારીગરો પાસેથી સીધી ખરીદી કરવાનું પસંદ કરે છે.


ચાંદુઆ કળાના વૉલ-હૅન્ગિગ્સ. 

પિપલી – ગામ નહીં, જીવંત વારસો

પિપલી ગામ આપણને એ સમજાવે છે કે પરંપરા માત્ર પુસ્તકોમાં જ નથી જીવતી. પરંપરા અને સંસ્કૃતિ લોકોના હાથોમાં, તેમની મહેનતમાં અને તેમની આસ્થામાં પણ જીવંત રહે છે.

જગન્નાથ રથયાત્રાના લાખો દર્શકો કદાચ રથની ભવ્યતા નિહાળીને આગળ વધી જતા હશે, પરંતુ આંખને આંજી દેતી એ ભવ્યતાના રંગો પાછળ પિપલીના હજારો કારીગરોની કલાકોની મહેનત છુપાયેલી હોય છે.

દર વર્ષે જ્યારે-જ્યારે પણ ભગવાન જગન્નાથના રથ પુરીની બડદંડ (ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ મંદિર અને ગુંડીચા મંદિર વચ્ચેના પવિત્ર માર્ગને બડદંડ (અથવા બડા દંડ) કહેવામાં આવે છે. આશરે ૩ કિલોમીટર લાંબો આ માર્ગ વિશ્વપ્રસિદ્ધ રથયાત્રા દરમ્યાન ભક્તિભાવનું મુખ્ય કેન્દ્ર બને છે) પર આગળ વધે છે ત્યારે-ત્યારે એની સાથે પિપલી ગામના કારીગરોની કલ્પના, કૌશલ્ય અને ભક્તિ પણ આગળ વધે છે અને સમગ્ર વિશ્વ સામે પ્રગટ થાય છે. અહીં ચાંદુઆ માત્ર કાપડની કળા નથી; શ્રદ્ધા, સંસ્કૃતિ, ઇતિહાસ અને સર્જનાત્મકતાનું રંગીન સ્વરૂપ છે. જગન્નાથ રથયાત્રાની ભવ્યતા, શ્રીમંદિરની પરંપરા અને ઓડિશાની લોકસંસ્કૃતિને જો એક જ કળામાં અનુભવી શકાય તો એ પિપલીની ચાંદુઆ કળા છે. કદાચ એટલા માટે જ પિપલીને જગન્નાથ રથયાત્રાનું રંગોનું ગામ અને ભારતીય હસ્તકળાનું જીવંત હૃદય કહેવામાં આવે છે.

Whatsapp-channel Whatsapp-channel

05 July, 2026 03:35 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK