Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > આજનો નવો વેદમંત્ર છે પ્રકૃતિ દેવો ભવ

આજનો નવો વેદમંત્ર છે પ્રકૃતિ દેવો ભવ

Published : 09 June, 2026 01:14 PM | IST | Mumbai
Jainacharya shree Udayvallabhasuri | feedbackgmd@mid-day.com

માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને અતિથિ દેવો ભવ જેવાં વચનો માતા-પિતા અને અતિથિને દેવનો દરજ્જો આપીને ઉપાસના કરવા પ્રેરે છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


ભીની માટીમાં વાવેલા બીજમાંથી એક વૃક્ષને પ્રગટતાં દિવસો લાગે અને ઊગતાં વર્ષો લાગે છે, પરંતુ સૈકાઓથી ઊભેલાં આવાં હજારો વૃક્ષોને કાયમ માટે ગાયબ થતાં માત્ર એક મિનિટ લાગે છે. આ એક ચોંકાવનારું સત્ય છે કે છેલ્લાં ત્રીસેક વર્ષથી પૃથ્વી પરથી દર મિનિટે ત્રણ ડઝન ફુટબૉલ ગ્રાઉન્ડ જેટલાં જંગલો નષ્ટ થઈ રહ્યાં છે. જંગલ એટલે પૃથ્વીનાં ફેફસાં. જંગલનો આડેધડ થતો વિનાશ એટલે પૃથ્વીનાં ફેફસાંને થયેલું ફાઇબ્રોસિસ. જળ, જમીન, જાનવર અને જંગલનું એક ચતુષ્કોણ છે. એનો કોઈ પણ એક ખૂણો ડૅમેજ થતાં શેષ ત્રણે ખૂણા નબળા પડે છે.

કપાતા પશુની જેમ કપાતું વૃક્ષ હવે જીવદયાનો મુદ્દો બનવો જરૂરી લાગે છે. એક વૃક્ષ એટલે વર્ષે સેંકડો ટન ઑક્સિજન આપતું પ્રકૃતિનું ઍર યુનિટ. બળતામાં ઘી ઉમેરાય એ રીતે વધી રહેલા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)ના વપરાશે આ વિનાશને પ્રચંડ વેગ આપ્યો છે. AIને પુછાતો દરેક સવાલ અડધો લીટર પાણી વાપરી નાખે છે અને AIને પુછાતા દર પચીસેક સવાલથી એક આખા વૃક્ષનું નિકંદન નીકળી જાય છે.



કોઈ પણ કાર કે મશીન સતત કામ કરે ત્યારે એનું એન્જિન સખત ગરમ થઈ જાય છે. એ માટે એની કૂલિંગ સિસ્ટમ કાર્યરત રાખવી પડે છે. એ જ રીતે AIને સતત પુછાતા સવાલના જવાબ શોધવા માટે ડેટા સેન્ટર્સ સતત કાર્યરત રહે છે. આ સખત સક્રિયતાથી એમાં સખત ગરમી પેદા થાય છે, જેને પુષ્કળ પાણીથી ઠારવા પડે છે. મુંબઈ, બૅન્ગલોર જેવા મહાનગર પાસે ઊભા કરેલા આવા એકાદ ડેટા સેન્ટરને વર્ષે જેટલું પાણી આપવું પડે છે એ અંદાજે ૪૦,૦૦૦ જેટલા લોકોને વર્ષભર પીવા માટે ચાલે એટલું હોય છે. વૈશ્વિક સ્તરે આ વ્યયના આંકડા ઘણા ભયજનક છે. માત્ર ઍમૅઝોન જેવી એકાદ કંપની પાસે પૂરાં પચાસ લાખ સર્વર છે.


પ્રાચીન ધર્મગ્રંથો અને નીતિવાક્યો આપણને સતત જીવનદિશા આપતાં રહ્યાં છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ અને અતિથિ દેવો ભવ જેવાં વચનો માતા-પિતા અને અતિથિને દેવનો દરજ્જો આપીને ઉપાસના કરવા પ્રેરે છે. આમાં ‘પ્રકૃતિ દેવો ભવ’નું એક વાક્ય સમયોચિત સંદર્ભ સાથે વણલખ્યું છતાં વાંચતાં શીખવું પડશે. પ્રકૃતિને નુકસાન એટલે જાણે દેવની આશાતના, પ્રકૃતિની જાળવણી એટલે જાણે ધર્મસ્થાનની રક્ષા. જૈનોનાં આગમસૂત્રો પૃથ્વી-જલ-અગ્નિ-વાયુ અને વનસ્પતિ સહિતના સમસ્ત પ્રાણીજગતમાં ચૈતન્ય સ્વીકારે છે. એક રીતે એમનું જીવદયાપાલન એ પ્રકૃતિરક્ષાનો મહામંત્ર છે.

આ પ્રકૃતિ આપણને વારસામાં મળેલી બાપીકી મિલકતરૂપ નથી પરંતુ આપણે એને આવનારી પેઢી પાસેથી વાપરવા માટે ઉછીની લીધી હોય અને એ પણ એને ડૅમેજ પહોંચાડ્યા વગર પરત કરવાની શરતે. આવો ભાર માથે રાખીને જીવવા જેવું છે. પ્રકૃતિનો વિનાશ એક મોટો ક્રાઇમ ગણાવો જોઈએ. રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિની જેમ કુદરતવિરોધી જીવનશૈલી અક્ષમ્ય ગણાવી જોઈએ. ઍન્ટિનૅશનલ ઍક્ટિવિટી જેવો જ દરજ્જો ઍન્ટિનેચર ઍક્ટિવિટીને કોઈ અપાવી શકે તો સરસ.


Whatsapp-channel Whatsapp-channel

09 June, 2026 01:14 PM IST | Mumbai | Jainacharya shree Udayvallabhasuri

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK