જટાયુને પણ શ્રીરામ મળે. સ્વયં શ્રીરામે જટાયુના અગ્નિસંસ્કાર કર્યા પોતાના હાથે, જે સૌભાગ્ય શ્રીરામના પિતાને પ્રાપ્ત ન થયું
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આંતરશુદ્ધિ અને પવિત્રતા અત્યંત જરૂરી છે. જે કંઈ કરો એ પૂર્ણતાથી કરો. કરેલાનો અલ્પ અહંકાર પણ ભગવત્પ્રાપ્તિમાં બાધક બનતો હોય છે. ઘણી વાર કોઈ સત્કર્મ કરે ત્યારે લોકોને થાય કે ‘વાહ! કેવું સારું કામ કર્યું!’ કર્મને પૂજાભાવથી કરીએ અને ગીતા તો ત્યાં સુધી કહે છે કે તમારા માટેનું જે સહજ કર્મ છે એ ભલે સદોષ હોય તો પણ તમે એને ત્યાગો નહીં.
કારાગૃહ મેં જો જલ્લાદ હોતા હૈ ઔર જિસકો ફાંસી કી સઝા હોતી હૈ તો જલ્લાદ ઉસકો ફાંસી દે દેતા હૈ. તો તેણે ખૂન કર્યું કહેવાય? આપણી દૃષ્ટિએ લાગે કે આ કામ સારું નથી. કોઈને ફાંસીએ લટકાવી દેવા એ દોષ છે. પેલાને તો પગાર મળે. તેને સરકારે નિયુક્ત કર્યો છે. તેનું એ કર્તવ્ય છે. જેને માટેનું જે સહજ કર્મ છે એ કદાચ સદોષ હોય તો પણ તે ન ત્યજે. એને પૂજાભાવથી કરે. તો કસાઈને પણ કૃષ્ણ મળે. કેવટ જેવા નાવિકને પણ રામ મળે.
ADVERTISEMENT
ગીધ અધમ ખગ આમિષ ભોગી ગતિ દીન્હી જો જાચત જોગી
જટાયુને પણ શ્રીરામ મળે. સ્વયં શ્રીરામે જટાયુના અગ્નિસંસ્કાર કર્યા પોતાના હાથે, જે સૌભાગ્ય શ્રીરામના પિતાને પ્રાપ્ત ન થયું. દશરથની ચિતાને રામે આગ નથી મૂકી. નહીં તો જયેષ્ઠ પુત્ર તરીકે રામનું જ કર્તવ્ય છે અને દશરથનો અધિકાર છે, પણ દશરથની ચિતામાં આગ શ્રીરામે ન મૂકી. આ સત્કર્મનું સૌભાગ્ય જટાયુને મળ્યું.
જેનું જે કર્મ છે, જે સહજ કર્મ છે એ પૂજાભાવથી કર્તવ્ય સમજીને સૌનાં હિતને નજરમાં રાખીને કરે, પ્રભુની પ્રસન્નતા માટે કરે, લોભથી બચે અને કરે. લોભથી બચવા માટે સંતોષ અને સંતોષ એટલે જેટલું મળે એમાં સંતોષ એ જ નહીં, કર્મ માર્ગવાળાએ સંતોષ રાખવાનો છે. સંતોષનો અનુભવ કરવાનો. અહીં જૉબ-સૅટિસ્ફૅક્શનની પણ વાત આવે છે. આપણને આપણા કાર્યથી સંતોષ હોય ત્યારે એ મોટી ઉપલબ્ધિ. એ એનું મુખ્ય ફળ. પછી જે મળે છે એ તો બાયપ્રોડક્ટ. પણ આપણને કામનો સંતોષ હોય. કામનો સંતોષ હોય ત્યારે માણસ થાકતો નથી પણ કામનો સંતોષ ન હોય ત્યારે થોડી વારમાં માણસ થાકી જાય. કામનો સંતોષ હોય ત્યાં માણસનો ઉત્સાહ, એ ઉત્સાહને કારણે એક નવી ઊર્જા અને એ નવી ઊર્જા તેને પ્રગતિ, વિકાસ તરફ લઈ જાય અને એ રીતે માણસ કર્મ દ્વારા પ્રભુથી યુક્ત બને. ક્યારેક સૂક્ષ્મ અહંકાર પણ સન્માર્ગમાં અડચણ બને છે. વૈરાગ્ય વગર જ્ઞાનમાર્ગમાં સિદ્ધિ મળે નહીં. બાણું લાખ માળવાના ધણી રાજા ભર્તૃહરિ બધી ભૌતિકતા ત્યાગીને સ્મશાનમાં રહીને સાધના કરતા. ક્યારેક કોઈકનું મૃત્યુ થાય અને શબના દાહસંસ્કાર માટે સ્મશાનમાં લાવે તો સાથે જે ખીચડી લાવ્યા હોય એ ખાય, પાણી પી લે અને ભજન ગાય. એક વખતનો સમ્રાટ અને આ રીતે ભજન કરે. વૈરાગ્ય શતકના રચયિતા. જેણે શૃંગાર શતક લખ્યું તેણે જ વૈરાગ્ય શતક આપ્યું અને તેણે નીતિ શતક પણ આપ્યું.
- ભાઈશ્રી રમેશભાઈ ઓઝા


