એકસાથે એક જ જગ્યાએ ત્રિવેણી સ્નાન કરીને શ્રદ્ધાળુઓ બીમારીને જ આમંત્રણ આપે છે એવું કહેનારા પણ હોય છે.
કુંભ મેળો
જ્યા બચ્ચન જ નહીં, બીજા ઘણા લોકો આપણી સનાતન સંસ્કૃતિની મજાક-મસ્તી ઉડાવતા રહેતા હોય છે. એકસાથે એક જ જગ્યાએ ત્રિવેણી સ્નાન કરીને શ્રદ્ધાળુઓ બીમારીને જ આમંત્રણ આપે છે એવું કહેનારા પણ હોય છે.
જોકે હકીક્ત એ છે કે અહીં સ્નાન કરનારાઓમાં કેટલાક લોકોએ ધક્કામુક્કીમાં જીવ ગુમાવ્યા, પરંતુ સ્નાન કરવાથી કોઈ જાનહાનિ થઈ હોય કે મોટી બીમારી લાગુ પડી હોય કે ચેપ લાગ્યો હોય એવું બન્યું નથી.
ADVERTISEMENT
કુંભમેળામાં એક મહિનો કલ્પવાસ કરવા ઘણા લોકો આવ્યા હતા. વૈજ્ઞાનિકોની ટીમ પણ આવી હતી. વારાણસીમાં હૉસ્પિટલ ચલાવતા ડૉક્ટર વાચસ્પતિ ત્રિપાઠી અને તેમની ટીમ દરેક કુંભમેળા વખતે અહીં સંશોધન માટે આવે છે. તેઓ કલ્પવાસ કરી રહેલા લોકોના અને જેમાં આ લોકો સ્નાન કરે છે એ સંગમના જળનાં પરીક્ષણ કરતા રહે છે. સંગમસ્થળ પર અલગ-અલગ જગ્યાએથી કલ્પવાસીઓમાંથી રેન્ડમ સિલેક્શન કરી તેમના કુંભસ્નાન પહેલાં અને કુંભસ્નાન પછી મેડિકલ ચેક-અપ કરે છે. આ કાર્ય કરવા માટે તેમને વારાણસી, પ્રયાગરાજ અને લખનઉની મેડિકલ સંસ્થાઓનો પણ સહયોગ મળી રહે છે. ડૉ. ત્રિપાઠી કહે છે કે કુંભમાં સમૂહસ્નાન કરવાથી કોઈ બીમારી આવતી નથી કે કોઈ ચેપી રોગ લાગુ પડતો નથી. ઊલટાનું આવા સમૂહસ્નાનથી લોકોની અંદર રોગપ્રતિકારક શક્તિ વિકસે છે. કોઈ રોગાણુ શરીરમાં પ્રવેશે તો આપણા શરીરમાં સુષુપ્ત રહેલા એ રોગાણુઓના ઍન્ટિબૉડીઝ ઉત્પન્ન થવા લાગે છે જે બહારથી આવેલા રોગાણુઓને મારી હટાવે છે. ગંગાસ્નાનથી પાપમાંથી મુક્તિ મળે છે એ એક અર્થમાં સાચું છે. એની શક્તિથી રોગોનો નાશ તો થાય જ છે એ આપણે ગઈ કાલે જોયું અને આ વાત પણ વિદેશી વૈજ્ઞાનિકોએ સાબિત કરી છે તો જયા ભાદુરી (બચ્ચન)ને માલૂમ થાય કે તેમના રેફરન્સ જરૂર વાંચે. જે ગંગામૈયાને અંગ્રેજોએ માન આપ્યું, જ્યાં આ વખતે વિદેશથી પણ લાખો લોકો શ્રદ્ધાથી આવ્યા એ સમયે દેશની આ પવિત્ર સંસ્કૃતિ અને સૌથી જૂના વારસાનું સન્માન કરી ન શકાય તો કંઈ વાંધો નહીં, પણ એનું અપમાન તો ન જ થવું જોઈએ.
ગંગા જેવી પવિત્ર નદી જેમની જટામાંથી નીકળીને ધરતીને પાવન કરવા આવી પહોંચે છે એ દેવાધિદેવ મહાદેવ તો સ્નાનના હિમાયતી છે.
ભગવાન શિવ શંકરે તો પોતાના વાહન નંદી સાથે ઘરતી પર એવો સંદેશ મોકલ્યો હતો કે લોકોએ ત્રણ વાર સ્નાન કરવું અને એક વાર ખાવું જોઈએ. આપણે સ્નાનથી થતા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદા વિશે ખૂબ જ વિગતવાર ચર્ચા આ લેખમાળામાં અગાઉ કરી જ છે.
વાચકમિત્રો, પવિત્ર સ્નાન કરાવતી ગંગામૈયા જેમની જટામાંથી નીકળી છે એ શિવજીનો અતિ પવિત્ર ઉત્સવ મહાશિવરાત્રિ પણ નજીક આવી રહ્યો છે. ૨૬ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિના દિવસે થનારું સ્નાન એ કુંભમેળાનું આખરી સ્નાન હશે.
ભગવાન શિવે લોકોને દિવસ દરમ્યાન ત્રણ વાર સ્નાન કરવાનો આદેશ આપ્યો છે.
વિચાર કરો કે નદીઓમાં નહીં પણ તમારા ઘરેય ત્રણ વાર નહીં તો આજની ફાસ્ટ લાઇફ અને વ્યસ્તતાને લઈને માત્ર સવાર-સાંજ બે વાર પણ સ્નાન કરો તો તનમનની કેટલી શુદ્ધિ થાય? કેટલીય મનોવેદનાઓ, વાદ-વિવાદોનું શમન માત્ર સ્નાન કરવાથી પણ થઈ જાય. ભગવાન શંકરને પણ સ્નાન પ્રિય છે એટલે તેમને રોજ જળાભિષેક કરીએ છીએ. આ શિવરાત્રિએ પણ શિવલિંગ પર પાણી અને દૂધનો અભિષેક કરવા ભક્તોની લાઇન લાગશે. તેમના ઉપર સતત જળધારા કરતું પાત્ર શા માટે?
પાણીની સાથે દૂધનો અભિષિક શા માટે? જીવનું શિવ થવું એટલે શું? શિવજીનું અનોખું અને વિલક્ષણ વ્યક્તિત્વ આપણને આજના વૈજ્ઞાનિક યુગમાં પણ શું સૂચવી જાય છે અને શું શીખવી જાય છે એ તમામ વાતો આપણે શિવરાત્રિ સુધી આ લેખમાળા અંતર્ગત કરીશું અને તેમના અગાધ જ્ઞાનના સાગરમાં ડૂબકી લગાવીશું.
(ક્રમશ:)

