Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૫૪ : સંગમમાં સ્નાન કરવા મળે ન મળે, શિવરૂપી જ્ઞાનધ્યાનમાં ડૂબકીનો લાભ ઉઠાવી લેજો

શુભ મેળો-કુંભ મેળો પ્રકરણ ૫૪ : સંગમમાં સ્નાન કરવા મળે ન મળે, શિવરૂપી જ્ઞાનધ્યાનમાં ડૂબકીનો લાભ ઉઠાવી લેજો

Published : 25 February, 2025 09:15 AM | IST | Mumbai
Mukesh Pandya | feedbackgmd@mid-day.com

ગઈ કાલે આપણે જોયું કે રાત્રિ જેમને પ્રિય છે એ મહાદેવનું રાત્રિ દરમ્યાન જાગરણ, પૂજન અને ધ્યાન ધરવાથી વિશેષ આધ્યાત્મિક લાભ થાય છે. એ સમયે નીરવ શાંતિ હોય છે.

કુંભ મેળો

શુભ મેળો-કુંભ મેળો

કુંભ મેળો


ગઈ કાલે આપણે જોયું કે રાત્રિ જેમને પ્રિય છે એ મહાદેવનું રાત્રિ દરમ્યાન જાગરણ, પૂજન અને ધ્યાન ધરવાથી વિશેષ આધ્યાત્મિક લાભ થાય છે. એ સમયે નીરવ શાંતિ હોય છે. પશુ-પંખી સૂઈ ગયાં હોય છે. ટ્રાફિકનો કોલાહલ કે ઉદ્યોગોનો ધમધમાટ શમી ગયો હોય છે. જે રીતે રસ્તામાં ગીચ ટ્રાફિક ન નડે તો આપણું વાહન ગંતવ્ય સ્થાન પર વગર મુશ્કેલીએ સમયસર પહોંચી જાય છે એ જ રીતે રાત્રિજાગરણ દરમ્યાન ધરેલું ધ્યાન કે કરેલો મંત્રોચ્ચાર જે-તે શક્તિ સુધી વિનાઅવરોધ પહોંચે છે અને એ જ માર્ગે આપણને પરમ શક્તિના આશીર્વાદ પણ ઝડપથી પ્રાપ્ત થાય છે.


માત્ર આધ્યાત્મિક જ નહીં, જાગરણ કરવાથી શારીરિક મને માનસિક ફાયદા પણ થાય છે. તન-મનની બીમારીઓ પણ દૂર ભાગે છે.



મહાદેવના હાથમાં જે ત્રિશૂળ છે એ ત્રણ પ્રકારનાં શૂળ દૂર કરતા હથિયારનું પ્રતીક છે. શરીરમાં બીમારી ફેલાવતા મુખ્ય ત્રણ દોષો કફ, પિત્ત અને વાયુનો પ્રકોપ ટાળવો હોય તો ક્યારેક-ક્યારેક રાત્રિજાગરણ કરી લેવું હિતાવહ છે. એ સમયે ધ્યાન ધરવાથી અવકાશમાં વિહરી રહેલી શક્તિઓને વિનાવિઘ્ને આકર્ષિત તો કરી જ શકાય છે. એ ઉપરાંત સમય-સમયે શરીરમાં ત્રણ પ્રકારના દોષનો પ્રભાવ વધે છે એને ટાળીને શરીરને હેમખેમ રાખી શકાય છે. દા.ત. ચોમાસામાં શરીરમાં કફનું પ્રમાણ વધી જાય છે. એ સમયે ક્યારેક ૨૪ કલાકનું જાગરણ કર્યું હોય તો શરીર બેસવાની કે ઊભા રહેવાની મુદ્રામાં રહે છે. જો આપણે આડા પડીએ તો ચોમાસામાં વધેલો કફ છાતીમાં જમા થાય છે અને શરદી-ઉધરસમાં વધારો થાય છે, પણ જો શરીર બેઠક કે ઊભી મુદ્રામાં હોય અર્થાત્ જાગરણ વખતે આપણે બેઠા હોઈએ કે ઊભા હોઈએ ત્યારે કફ છાતીમાં ભરાઈ ન રહેતાં મળ-મૂત્ર વાટે બહાર નીકળી જાય છે અને શરીર નીરોગી રહે છે. ગુજરાતના પ્રસિદ્ધ વૈદ પ્રાગજી રાઠોડ ‘ચિકિત્સક’એ આ વાતનો ઉલ્લેખ પોતાના પુસ્તક ‘આરોગ્યની બારમાસી’માં કર્યો જ છે. ટૂંકમાં કહીએ તો, જેમ ફ્રિજમાં રહેલા બરફને તોડવા માટે ડિફ્રૉસ્ટ બટન હોય છે એમ શરીરમાં રહેલા કફને તોડવા માટેનું બટન એટલે જાગરણ. આ જ રીતે જાગરણ પિત્ત અને વાયુના પ્રકોપને પણ નિયંત્રિત રાખે છે એથી જ કહ્યું છે કે ‘જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વો પાવત હૈ.’


દરેક તપસ્વીઓ બેસીને કે ઊભાં-ઊભાં જ તપશ્ચર્યા કરતા હોય છે કે ધ્યાન ધરતા હોય છે. આ સ્થિતિમાં શરીરને સાજું-નરવું, સ્થિર અને કાબૂમાં રાખી શકાય છે. જો શરીર વશમાં રહે તો મનની એકાગ્રતા પણ વધે છે અને આત્માનો પરમાત્માનાં દર્શનનો માર્ગ સરળ બની રહે છે. આપણને શરીરમાં બીમારી હોય કે એક દાંત પણ દુખતો હોય તો મનને ધ્યાનમાં લીન કરી શકાતું નથી. માટે શરીર અને મનને સ્થિર તેમ જ નીરોગી રાખવા માટે જાગરણ ઘણું મદદરૂપ થાય છે. સામાન્ય માણસ પણ શરીર અને મનથી સ્વસ્થ રહે છે અને અભ્યાસ કે નોકરી-વ્યવસાયમાં ધ્યાન દઈને મહેનત કરી શકે છે, સફળતા પામી શકે છે.

જાગરણથી ત્રિશૂળધારી મહાદેવની રહેમ હેઠળ માત્ર શરીરના ત્રિદોષ જ નિવારી નથી શકાતા, પરંતુ ત્રિગુણ (સાત્ત્વિક, રાજસી અને તામસી ગુણ)થી પણ ધીરે-ધીરે પર થઈ શકાય છે. પ્રભુના દરબારમાં એટલે કે અલૌકિક જગતમાં પ્રવેશવા માટે એનું ખૂબ મહત્ત્વ છે.


જો શરીરને ત્રિદોષથી મુક્ત રાખવું અને મનને ત્રિગુણથી પર રાખવું હોય તો ત્રિગુણાતીત મહાદેવને યાદ કરીને તેમના ચીંધેલા માર્ગ પર જરૂર આગળ વધજો.

મતલબ કે ઉપવાસ એકટાણાં દ્વારા ખાવા પર સંયમ, જળસ્નાન, દુગ્ધ સ્નાન અને બીલીપત્રના વિવેકપૂર્ણ ઉપયોગ દ્વારા તનમનની શુદ્ધિ અને જાગરણ દ્વારા આત્માની જાગૃતિ અર્થાત્ આતમને જગાડવાની કોશિશ જરૂર કરજો.

તમને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક લાભ તો મળશે જ, સાથે સફળતા અને સિદ્ધિ તમારાં ચરણ ચૂમે એવું પણ બની શકે. આ દિવસે જો શરીરને કુંભસ્નાનનો લાભ મળે તો ઠીક, નહીં તો જ્યાં હો ત્યાં, ઉપર કહ્યું એમ, શંકરને ગમતી પ્રવૃત્તિ સાચા મનથી કરીને પણ કુંભસ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત કરી શકો છો.

(ક્રમશ:)

Whatsapp-channel Whatsapp-channel

25 February, 2025 09:15 AM IST | Mumbai | Mukesh Pandya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK