કુંભ મેળામાં આવતા સાધુબાવાઓને શસ્ત્રો ઉપરાંત શાસ્ત્રોનો અભ્યાસ પણ હોય છે. વેદ -ઉપનિષદોનું જ્ઞાન લીધું હોય છે
શુભ મેળો-કુંભ મેળો
ફાઇલ તસવીર
કુંભ મેળામાં આવતા સાધુબાવાઓને શસ્ત્રો ઉપરાંત શાસ્ત્રોનો અભ્યાસ પણ હોય છે. વેદ -ઉપનિષદોનું જ્ઞાન લીધું હોય છે. વેદ શબ્દ વિદ પરથી આવ્યો છે. વિદ–વિદ્યા એટલે જાણવું એ. વેદ એટલે જ્ઞાન અને જ્ઞાન કોઈ એક ધર્મ કે સંપ્રદાય માટે નહીં, દરેક માટે હોય છે. પૃથ્વી પરના જૂનામાં જૂના ગ્રંથો એટલે વેદ. આજકાલના કહેવાતા સેક્યુલર લોકોને માલૂમ થાય કે વેદ માત્ર હિન્દુઓ માટે નથી. વેદમાં ફક્ત અને ફક્ત કુદરતી પરિબળોનાં વખાણની જ વાત આવે છે. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, વાયુને શક્તિ સ્વરૂપ માનીને એમનો આદર કરવાની વાત આવે છે. આજનું વિજ્ઞાન પણ આ જ બધાં પરિબળોને શક્તિ (એનર્જી) કહીને બોલાવે છે. સોલર એનર્જી (સૂર્યશક્તિ), થર્મલ એનર્જી (અગ્નિ), વિન્ડ એનર્જી (પવનશક્તિ) વગેરે-વગેરે. વેદોમાં સૂર્ય, ચંદ્ર, તારા કે ગ્રહો વિશે અનેક બાબતો એવી લખાઈ છે જે હવે આજે વિજ્ઞાન દ્વારા પુરવાર થઈ રહી છે. સૂર્ય કેન્દ્રમાં છે, ચંદ્ર સૂર્યનું પ્રતિબિંબ છે એવી અનેક વાતોનું વર્ણન પણ વેદમાં છે.
અફસોસ કે આપણી શાળા-કૉલેજોમાં આપણે આપણા જ પૂર્વજોનું આ અગાધ જ્ઞાન શીખી નથી શકતા.
ADVERTISEMENT
વેદોમાં બધાં જ પ્રકારના જ્ઞાન અને વિજ્ઞાન એના મૂળ રૂપમાં હાજર છે. ચિકિત્સાશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, ગણિત, ગીતસંગીત, ઇજનેરી વિદ્યા વગેરે વગેરે. વેદો ચાર પ્રકારના છે; ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ વેદો જાતિ, લિંગ કે જન્મ પર આધારિત કોઈ પણ પ્રકારના પક્ષપાત કે ભેદભાવની વિરુદ્ધ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી માત્ર પુરુષ કે મહિલા જ નહીં, કિન્નર સાધુસમાજ પણ કુંભમેળામાં ભાગ લે છે. વેદ કોઈ પણ જાતના ભેદભાવ વગર માત્ર વ્યક્તિની લાયકાત અને યોગ્યતાને જ મહત્ત્વ આપે છે. વેદ દરેક મનુષ્યમાત્રને ભણવાનો અધિકાર છે, પછી એ કોઈ પણ વર્ણનો કે લિંગનો કેમ ન હોય. વેદની રચનામાં માત્ર પુરુષ નહીં, અનેક મહિલા ઋષિઓનો પણ ફાળો છે. વેદ કોઈ પણ પ્રકારના અંધવિશ્વાસો કે નિયતિવાદની વિરુદ્ધ છે. વેદમાં પૂર્ણ લોકશાહી છે. જીવાત્મા પોતાની ઇચ્છા મુજબ કર્મ કરી શકે છે. જીવાત્મા કર્મ પ્રમાણેના ફળની પ્રાપ્તિ કરતી હોવાનું વિધાન પણ વેદોમાં છે જે ગીતામાં શ્રીકૃષ્ણે વિસ્તારપૂર્વક જણાવ્યું છે.
વેદોમાં અહિંસાવાદ પણ છે. બધા જ જીવો પ્રત્યે આદર, દયા અને કરૂણાભાવ રાખવાનું તથા તેમના પાલનપોષણ અને રક્ષણનું વિધાન છે. અંગત સ્વાર્થ ખાતર કોઈ પણ પ્રાણીમાત્રની હત્યા કરવી વેદ વિરુદ્ધ છે. વેદોમાં ગૌહત્યા અને યજ્ઞોમાં પ્રાણીઓનાં બલિદાન આપવાનું કહ્યું જ નથી.
વેદ સાર્વભૌમિક છે. વેદ અન્ય સાંપ્રદાયિક ગ્રંથોની જેમ કોઈ ચોક્કસ દેશ, જાતિ, મત, પંથ કે સંપ્રદાય માટે જ સીમિત નથી.
વૈદિક ધર્મના બધા જ સિદ્ધાંતો કુદરતના નિયમોને અનુકુળ છે અને આજના વિજ્ઞાનની કસોટી પર ખરા ઊતરે છે.
દુનિયાના બીજા વિચારો, પંથ કે સંપ્રદાય કોઈને કોઈ પયગંબર, મસીહા, યુગ પુરુષ વગેરે દ્વારા પ્રવર્તિત કરાયા છે, પરંતુ વૈદિક ધર્મ કોઈ એક વ્યક્તિ કે યુગપુરુષ દ્વારા રચાયો નથી. એ ઈશ્વરીય છે. અનેક અવતારો અને વિભૂતિઓએ એને સીંચ્યો છે.
વૈદિક ધર્મમાં એક અને માત્ર એક, નિરાકાર, સર્વજ્ઞ, સર્વવ્યાપી, ન્યાયકારી ઈશ્વરને જ ઉપાસ્ય દેવ માનવામાં આવ્યો છે, એની જ ઉપાસના કરાય છે.
વેદમાં પરમેશ્વરનાં અનેક નામોનો નિર્દેશ કરવામાં આવ્યો છે, પરંતુ પરમેશ્વરનું મૂળ નામ ‘ઓમ’ છે. આજે વિશ્વભરમાં આ ‘ઓમ’ વિશે સંશોધન થઈ રહ્યાં છે.
વૈદિકમંત્રોના આધ્યાત્મિક, સામાજિક, ભૌતિક એમ એક કરતાં વધારે અર્થ નીકળી શકે છે. આથી વેદમંત્રોનું યોગ્ય વિશ્લેષણ કરી એની સાચી સમજ કેળવવા તથા વેદ મંત્રોની અનુભૂતિ કરવા માટે ઊંડું ચિંતન, નિ:સ્વાર્થ ભાવ, મનની શુદ્ધિ અને યોગી જેવું પવિત્ર જીવન અતિ આવશ્યક છે. કુંભમેળામાં પધારતા સાચા મનના યોગી-સાધુઓ આવું જીવન જીવે છે. તેઓ પ્રસિદ્ધિ નહીં, સિદ્ધિ માટે જીવે છે. સર્વશક્તિમાન ઈશ્વરની અને મોક્ષની પ્રાપ્તિ જ તેમનું લક્ષ્ય હોય છે. આ હેતુ પાર પાડવા માટે જે જ્ઞાન જોઈએ એ તેમને વેદ-ઉપનિષદમાંથી મળે છે. એમાં રહેલી વિદ્યાઓને અમલમાં મૂકવા યજ્ઞ-કાર્ય પણ કરવાં પડે છે. કડક નિયમો પણ પાળવા પડે છે.
(ક્રમશ:)