પ્રેમયજ્ઞમાં મૃત્યુ તો એક સમાધિ છે. વિશુદ્ધ પ્રેમમાં વર્ણ નિર્ણય અસંભવ હોય છે. વિશુદ્ધ પ્રેમથી વિશુદ્ધ ત્યાગ થાય છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
તપને ગુપ્ત રાખો, પ્રીતિને ગુપ્ત રાખો. બહુ અનિવાર્ય છે આ. જો પ્રેમનું એક્ઝિબિશન કર્યું તો એની સુરક્ષાને અસર થશે. એના કરતાં તો બહેતર છે કે પ્રીતિને ગુપ્ત રાખો અને દુનિયાને પ્રેમની આંખે જુઓ. કૃષ્ણમૂર્તિએ બહુ સરસ વાત કહી છે...
પ્રેમ કોઈ એવો આદર્શ નથી જે શીખવી શકાય.
ADVERTISEMENT
કૃષ્ણમૂર્તિની આ વાતમાં ભારોભાર તથ્ય છે. ક્યારેય કોઈ માને કે બાળકને પ્રેમના ક્લાસિસ ભરવા પડે છે? નહીં, ક્યારેય નહીં અને આજ સુધી તો એવા કોઈ ક્લાસ તેણે ભરવા નથી જ પડ્યા. કૃષ્ણમૂર્તિની વાત અહીં ૧૦૦ ટકા સત્ય પુરવાર થાય છે. જો આ જમાનામાં પ્રેમ કરવાના ક્લાસિસ ભરવા પડે તો એ જ દિવસે પૃથ્વી છોડી દેવી જોઈએ. તો પછી આ ધરતીનો કે આ ધરતી પર રહેવાનો શો અર્થ છે? કોઈ અર્થ જ નથી સરતો કે આપણે જીવીએ. બાળક અને મા પ્રેમની શરૂઆત ક્યારે કરે છે એનો જવાબ ક્યારેય કોઈ આપી શકે? ન આપી શકે, કારણ કે એ પ્રેમનો ન તો કોઈ પ્રારંભ છે કે ન તો કોઈ એનો અંત છે.
કૃષ્ણમૂર્તિ કહે છે કે પ્રેમમાં પ્રવેશ કરવા માટે ત્રણ વાતનું ધ્યાન રાખવું.
એક, સમયનો ગુણધર્મ જાણી લેવો જોઈએ. બીજી વાત, દુઃખના પ્રમાણને સમજી લેવું જોઈએ અને ત્રીજી વાત, મૃત્યુને પારખી લેવું જોઈએ. જે આ પ્રમાણે કરે છે તે જ પ્રેમનો અધિકારી બની શકે છે. જે લોકો સમયને નથી જાણતા તેઓ શું પ્રેમ કરવાના? જે લોકો દુઃખોથી ભાગવાની કોશિશ કરે છે તેઓ શું ધૂળ પ્રેમ કરવાના?
પ્રેમયજ્ઞમાં મૃત્યુ તો એક સમાધિ છે. વિશુદ્ધ પ્રેમમાં વર્ણ નિર્ણય અસંભવ હોય છે. વિશુદ્ધ પ્રેમથી વિશુદ્ધ ત્યાગ થાય છે.
હું કહીશ કે પ્રેમમાં બે વાત યાદ રાખવાની. એક, આંખોમાં પાણી અને હૃદયમાં પીડા હોય અને બીજી વાત, પ્રેમમાં વિશ્વાસ હોય અને પ્રેમમાં નિ:શ્વાસ હોય.
પ્રેમની ખાસિયત એ છે કે એ સ્વમાની છે. હૃદયમાં થોડોઘણો પણ કચરો હશે તો પ્રેમ પ્રવેશ નહીં કરે. પ્રેમદેવતા તમારું હૃદય ખાલી હોય એમ ઇચ્છે છે. માનો કે તમે હૃદયનો ઓરડો ખાલી કરી નાખ્યો તો પ્રેમદેવતા આવી જ જાય છે. જોકે આ પ્રેમદેવતા દૂરથી આવ્યા છે, કરુણા કરીને આવ્યા છે. તેમણે હૃદયમાં પગ મૂકી દીધો છે, ચરણ ધોવાનાં છે. સાધકે પૂછ્યું તો કહેવામાં આવ્યું કે તારી પાસે આંખોનું જળ છે? એ જળથી ચરણ ધોવામાં આવે છે.

