સાધુ-સંતો પાસે બેસીને જ્ઞાનની ખોજ કરવામાં મોજ અનુભવે છે એવા યુવાનોને મળીએ
પ્રતીકાત્મક તસવીર
ત્રીસી નવી એજ છે રિયલાઇઝેશન અને સ્પિરિચ્યુઅલ એન્લાઇટનમેન્ટની. મિલેનિયલ્સને નાની ઉંમરે સંતુલનનું મહત્ત્વ સમજાવા લાગ્યું છે. તેમને ધર્મ, યોગ, અધ્યાત્મમાં ઊંડો રસ પડે છે. જે બાબતોને પાછલી જનરેશને કોઈ સવાલ વિના આસ્થા તરીકે સ્વીકારી લીધેલી એ વાતોને સાયન્ટિફિકલી સમજવા તેઓ બહુ જ પ્રયોગાત્મક છે. યોગ અને ધ્યાન જેમના જીવનમાં વણાઈ ગયેલાં છે અને સાધુ-સંતો પાસે બેસીને જ્ઞાનની ખોજ કરવામાં મોજ અનુભવે છે એવા યુવાનોને મળીએ
વિશ્વભરમાં ભારતને મિસ્ટિક લૅન્ડ એટલે કે અધ્યાત્મની ભૂમિ માનવામાં આવે છે. પશ્ચિમી દેશના લોકોને યોગ વધારે ને વધારે આકર્ષી રહ્યો છે. કેટલીયે જાણીતી વિદેશી હસ્તીઓએ હિન્દુ ધર્મને અપનાવ્યો છે. ૨૦૨૩માં OMTV ઍપ, જે અધ્યાત્મને લગતી સ્ટોરીઝ માટે જાણીતી છે, એના ૮૦ ટકા યુઝર્સ ૧૮થી ૩૦ વર્ષની ઉંમરના હતા. ૨૦૧૯માં લંડનની YouGov ફર્મે ભારતીય પ્રાઇવેટ પબ્લિકેશન સાથે મળીને સર્વે કર્યો હતો એમાં જાણવા મળ્યું હતું કે શહેરમાં રહેતા ૨૩થી ૨૯ વર્ષના ૫૮ ટકા યુવાનો ધર્મને મહત્ત્વનો સમજે છે, એમાંથી ૭૨ ટકા દરરોજ પ્રાર્થના કરે છે. શહેરમાં રહેતી ૫૩ ટકા જેન-ઝી પણ ધર્મને માને છે અને એમાંથી ૬૨ ટકા દરરોજ પ્રાર્થનામાં માને છે. આ વાત એટલા માટે પણ કરી રહ્યા છીએ કે મહાકુંભમાં ૨૦૨૫માં ૧૦ હજાર જેટલા નવા સાધુઓ હતા જેમાં મોટા ભાગના યુવાનો હતા. આજના યુવાનો વૈજ્ઞાનિક રીતે ધર્મને સમજે છે, પ્રયોગ કરે છે, અવલોકન કરે છે અને સાબિતી મળે પછી અપનાવે છે. ત્યારે જાણીએ કે યુવાનોનો અધ્યાત્મ તરફ ઝુકાવ કયા કારણોસર હોઈ શકે અને મળીએ એવા યુવાનોને જેમણે પોતે અનુભવ કરીને અધ્યાત્મ, ધર્મ અને યોગને જીવનમાં સ્થાન આપ્યું છે.
ADVERTISEMENT
ઘાટકોપરમાં અંત:કરણ - સેન્ટર ફૉર પ્રાણિક હીલિંગ અને મેડિટેશન સેન્ટરનાં ફાઉન્ડર, છેલ્લાં ૧૮ વર્ષથી પ્રાણિક હીલિંગ પ્રૅક્ટિસ કરતાં અને શીખવતાં શ્રદ્ધા પારેખ કહે છે, ‘કોવિડ પહેલાં મારી વર્કશોપમાં મધ્યમ ઉંમરના લોકો વધારે હતા. કોવિડ પછી મેં નાટકીય રીતે એ બદલાવ જોયો છે. અત્યારે મારા ક્લાસમાં ત્રીજા ભાગના યુવાનો પચીસથી ૩૦ વર્ષની ઉંમરના છે. આજે યુવાનોનું અધ્યાત્મ તરફ ઝુકાવનું કારણ ઘણાબધા સવાલો છે, જેના જવાબ તમને અધ્યાત્મમાંથી જ મળે છે. જેમ કે બે વિદ્યાર્થીઓ એકસરખી મહેનત કરે છે અને એકને સારું પરિણામ મળે છે અને બીજો સંઘર્ષ કરે છે. મને જ સફળતા કેમ નથી મળતી? હું આ પરિવારમાં જ કેમ જન્મી? તેમને ભૌતિક દુનિયામાં જે વસ્તુ દેખાઈ નથી રહી એની ખોજ તેઓ અધ્યાત્મમાં કરે છે. અહીં તેમને તેમના સવાલોના સંતોષકારક જવાબ મળે છે. અધ્યાત્મ તમને વૈજ્ઞાનિક ઢબે સમજ પૂરી પાડે છે. જેમ કે કર્મનો સિદ્ધાંત, જે બધાને ગળે ઊતરે છે. જેવું કરો છો એ જ પાછું મળે છે. જેવું બિયારણ વાવો છો એવો પાક મળે છે. આટલી સરળ ભાષામાં ઉદાહરણ સાથે સમજૂતી મળે એટલે યુવાનોને વિશ્વાસ બેસે છે. હવે એમાં શું થાય છે કે કામ પૂરતું સમાધાન મળી ગયું એટલે તેઓ અધ્યાત્મ છોડી દે છે. જીવનમાં સમસ્યા આવે તો ફરી પાછા મેડિટેશન કરવા લાગે છે. તો આવી રીતે વારંવાર અનુભવ કર્યા બાદ તેઓ અધ્યાત્મમાં સ્થિર થાય છે. અત્યાર સુધી મેં એટલાબધા વિદ્યાર્થીઓને મારી આંખ સામે આવતા-જતા અને પછી સ્થિર થતા જોયા છે. યુવાનોમાં પ્રાણિક હીલિંગ અને મેડિટેશન માટે વધારે જાગૃતિ આવે એ માટે હું દર મહિને એક વખત ફ્રી વર્કશૉપનું આયોજન કરવાની કોશિશ કરું છું. તેમને વાત ગળે ઊતરે તો તેઓ ફરી આવે છે. એવી રીતે આજ સુધી કેટલાય યુવાનો મારા હાથ નીચે તાલીમ પામી ચૂક્યા છે.’
મેડિકલ સાયન્સ ન કરી શકે એ અધ્યાત્મ કરી શકે છે
ઘાટકોપરમાં રહેતી ૨૮ વર્ષની ભાવિકા ભાનુશાલી પ્રોફેશનલી CA છે અને ચૉઇસથી બિઝનેસ ઓનર છે. ભાવિકા કહે છે, ‘મારી સાથે એટલાબધા કિસ્સાઓ બન્યા કે હું મેડિટેશન અને એનર્જી હીલિંગમાં વિશ્વાસ કરવા લાગી. હું પહેલાં ખૂબ કૉન્ફિડન્ટ હતી પરંતુ અમુક ઇવેન્ટ્સને કારણે મારો આત્મવિશ્વાસ પડી ભાંગ્યો હતો. બારમા ધોરણની બોર્ડની પરીક્ષામાં મારામાં સેલ્ફ-ડાઉટ અને ડર પેસી ગયો હતો. હું બહુ જ બ્રાઇટ સ્ટુડન્ટ હતી પરંતુ મારું પરિણામ નીચું જઈ રહ્યું હતું. હું સવાલ કર્યા કરતી કે શા માટે મારી જ સાથે આવું થાય છે? મારું માઇન્ડ મારા ધ્યેયથી ભટકી રહ્યું હતું. પરીક્ષાના મહિના પહેલાં મારી ઊંઘ ઊડી જતી. હું મારી મમ્મીને પૂછતી કે મમ્મી, શું કોઈ એવો ફોર્સ હશે જે મને રોકી રહ્યો છે? આપણે લોકો નજર ઉતારવામાં કે મંદિરમાં પૂજાપાઠ કરાવવામાં માનતા હોઈએ છીએ. મમ્મીએ એ બધું પણ કરી જોયું, પણ મને કોઈ ફરક નહોતો પડી રહ્યો. એવામાં કઝિન ભાઈના ઘરે જવાનું થયું. ત્યાં આ વિષય પર બધી બુક્સ જોઈને મારી ચર્ચા તેની સાથે લાંબી ચાલી. આવી રીતે હું પ્રાણિક હીલિંગમાં આવી. હું ડૉક્ટર પરિવારમાંથી આવું છું એટલે મેડિકલ સાયન્સમાં માનનારા આ પ્રકારે હીલિંગમાં ન માને, પણ મેં આ બધા અનુભવો કર્યા અને મારો વિશ્વાસ આ બાબતે મક્કમ બન્યો. જેમ કે હું કોર્સ કરવા લાગી હતી. મારી મમ્મીને વા છે એટલે કે જે ક્રૉનિક દુખાવો હોય એ છે. તેની દવા મેડિકલ સાયન્સ પાસે નથી. તો હું મારી મમ્મીને રાત્રે હીલિંગ કરતી અને મારી મમ્મી મને સવારે કહેતી કે તેને દુખાવો નથી. એટલે આ બધા પ્રયોગો કર્યા છે. ઉપરાંત મારા કિડની સ્ટોનને કારણે મારી CAની ફાઇનલ પરીક્ષા ચુકાઈ જવાની હતી પરંતુ એનર્જી સાયન્સે મને બચાવી લીધી હતી. અત્યારે મારું ધ્યેય છે કે હું એક વાર મારા બિઝનેસ અને કરીઅરમાં આર્થિક રીતે સેટ થઈ જાઉં તો મારે પ્રાણિક હીલિંગ, ટૅરો રીડિંગ, ન્યુમરોલૉજી, જ્યોતિષશાસ્ત્ર શીખીને લોકોને એમ જ મદદ કરવી છે.’
ગર્ભાવસ્થામાં કરેલા મેડિટેશનની અસર બાળકમાં જોઈ શકાય
ચાર વર્ષની દીકરીની મમ્મી અને ક્યારેક હસબન્ડને બિઝનેસમાં મદદ કરતી ૩૩ વર્ષની અંકિતા વસોયા કહે છે, ‘મારાં લગ્ન થયાં ત્યારે મારા હસબન્ડે પહેલી વાર મને વિપશ્યનાથી ઇન્ટ્રોડ્યુસ કરી હતી. મારા હસબન્ડ તો નિયમિત છેલ્લાં ૧૩ વર્ષથી વિપશ્યના કરે છે. કામમાં ગમે એટલા વ્યસ્ત હોય તો પણ વર્ષમાં એક વખત તો વિપશ્યના કરવાની જ. એટલે અમારી ઑફિસમાં પણ ‘વિપશ્યના ઑન સૅલેરી’ એવી પૉલિસી છે. જ્યારે પહેલી વખત ખબર પડે કે ૧૦ દિવસ કોઈની સાથે બોલવાનું નહીં, સંપર્ક નહીં તો એ કેવી રીતે થઈ શકે એ જ પ્રશ્ન થાય. હું પહેલી વખત વિપશ્યનામાં ગઈ તો ૩-૪ દિવસ મને લાગ્યું કે મારાથી નહીં થાય. બીજી વખત વિપશ્યનામાં ગઈ તો પણ થોડો સંઘર્ષ લાગ્યો, પરંતુ ત્રીજી વખત મને કિક લાગી. ત્યારથી હું નિયમિત વિપશ્યના કરું છું. હું પ્રેગ્નન્ટ હતી ત્યારે પણ વિપશ્યનામાં ગઈ હતી, પરંતુ ૬ દિવસ બાદ મારી તબિયત ખરાબ થઈ જતાં મારે એ અધૂરી રાખીને પાછાં આવવું પડ્યું. એ ૬ દિવસની વિપશ્યનાની અસર હું મારી દીકરીમાં જોઈ શકું છું. વર્ષમાં એક વખત તો વિપશ્યના કરવાની જ એ મારી નિયમિતતા ન તૂટે એ માટે મારી નાની દીકરીને તેની દાદી કે કાકી સાચવી લે છે અને હું વિપશ્યનામાં જાઉં છું. તમને વાસ્તવિક લાગે એવો અનુભવ કહું. મને પહેલાં ગુસ્સો આવતો તો ત્યારે હું તરત જ રીઍક્ટ કરતી, પરંતુ વિપશ્યનાના કારણે ગુસ્સો અને નેગેટિવ વિચારો ઑટોમૅટિક રસ્તો બદલી લે છે. તમે સવારે નિયમિત મેડિટેશન કરશો તો તમને ખ્યાલ આવશે તમારી દિવસમાં કામ કરવાની એનર્જી બમણી થઈ જાય છે, કામમાં વિશ્વાસ વધે છે. તમારામાં એક ધીરજ આવે છે જે તમારા વિચારોને સ્પષ્ટ કરે છે.’
ધર્મ જીવન જીવવાની રીત છે
મેકૅનિકલ એન્જિનિયરિંગનું બૅકગ્રાઉન્ડ ધરાવતા ઘાટકોપરનો ૩૫ વર્ષનો બિઝનેસમૅન કરણ પટેલ કહે છે, ‘અત્યારે અધ્યાત્મ અનુસરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે પરંતુ હું માનું છું કે ધર્મમાં જ અધ્યાત્મ છુપાયેલું છે. જેમ કે હિન્દુ ધર્મમાં કહ્યું છે કે એ જીવન જીવવાનો માર્ગ છે. ધર્મ અને અધ્યાત્મ એકબીજા સાથે વણાયેલાં છે. ધર્મમાં જે જીવવાની રીતો કહી છે એ આચરણનું લેબલ કાઢી નાખો એટલે અધ્યાત્મ થઈ ગયું. જેને જે રીતે વ્યાખ્યા કરવી હોય એ કરી શકે છે. હું નાનપણથી ધાર્મિક વાતાવરણમાં મોટો થયો છું. ત્યારે મમ્મી-પપ્પા આપણને મંદિરે લઈ જતાં કે કથા-પ્રવચનોમાં લઈ જતાં. આપણે એક વખત જૉબમાં વ્યસ્ત થઈએ એટલે આ બધું છોડી દેતા હોઈએ છીએ. હું પણ કામમાં વ્યસ્ત થઈ ગયો હતો. ત્યારે મને સમજાયું કે તમારે સમય કાઢીને સત્સંગ કરવો જોઈએ. હું બહુ જ પ્રૅક્ટિકલ છું એટલે લાંબાં પ્રવચનોમાં નથી માનતો. આજના યુવાનો કે બાળકોને તમે ૬ કે ૮ કલાક માટે ધર્મ કે અધ્યાત્મના લેક્ચર માટે પ્રેરિત ન કરી શકો. એટલે હું દર શનિવારે સાંજે બાળકો અને વડીલો માટે એક કલાકના સત્સંગનું આયોજન કરું છું જેમાં બહુ વાસ્તવિક વાતો સાથે આપણા શ્લોક અને અધ્યાયોનું પઠન થાય છે. પહેલાં જ્યારે લોકો શ્લોકનું પઠન કરતા ત્યારે કોઈને નવાઈ નહોતી લાગતી, પણ આજે જો કોઈ શિવતાંડવ કે શ્લોક બોલે તો લોકો એમ માને કે વ્યક્તિ બહુ જ ઇન્ટેલિજન્ટ છે. આજે જે લોકો શ્લોક બોલે તેમને એનો અર્થ પણ ખ્યાલ હોય છે. એટલે ઊંડાણથી સમજીને અનુસરે છે. પહેલાંની જનરેશન જે કથા સાંભળતી એ કથામાં વણેલા પ્રસંગોમાંથી તેમને પોતાની સમસ્યાનું સમાધાન મળી જતું હતું એટલે સાંભળવા જતી હતી. આજે તમને પણ વાસ્તવિક જીવનની ભાગદોડના તનાવમાંથી ધર્મ કે અધ્યાત્મ સાથેનું જોડાણ માનસિક શાંતિ આપે છે. ટૂંકમાં એ જ આપણી જીવન જીવવાની રીત બતાવે છે.’

