Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સંસ્કાર બજારમાં વેચાતા મળતા નથી પણ આપણા ઘરમાંથી જ ઉત્પન્ન થાય છે

સંસ્કાર બજારમાં વેચાતા મળતા નથી પણ આપણા ઘરમાંથી જ ઉત્પન્ન થાય છે

Published : 03 July, 2025 07:08 AM | Modified : 03 July, 2025 07:09 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘ઘર’ એટલે સંસ્કારની ખાણ. ‘ઘર’ એટલે સંસ્કારની સૌરભથી મહેકતું મંદિર. સંસ્કાર બજારમાં વેચાતા મળતા નથી પણ સંસ્કાર આપણા ઘરમાંથી જ ઉત્પન્ન થાય છે.

પ્રતીકાત્મક તસવીર

સત્સંગ

પ્રતીકાત્મક તસવીર


ધરતીનો છેડો ઘર એ ઘરની ગરિમાને દર્શાવવા આનાથી સરળ અને સચોટ વ્યાખ્યા બીજી કોઈ જડવી મુશ્કેલ છે. ઘર એ કાનો-માત્રા વિનાનો બે અક્ષરનો કેવળ શબ્દ નથી. ‘ઘર’ કોને કહેવાય? પોસ્ટમૅન પોસ્ટ લાવે, મિત્રો અને મહેમાન આવે ને તમે જેનું સરનામું આપી શકો એ? ના.


ઘર એટલે જ્યાં આપણો ભાર હળવો થાય અને આપણને હાશ થાય. ‘ઘર’ એટલે સંસ્કારની ખાણ. ‘ઘર’ એટલે સંસ્કારની સૌરભથી મહેકતું મંદિર. સંસ્કાર બજારમાં વેચાતા મળતા નથી પણ સંસ્કાર આપણા ઘરમાંથી જ ઉત્પન્ન થાય છે.



બાળકોના માનસ પર ઘરના વાતાવરણની બહુ ઊંડી અસર થતી હોય છે. ઘરમાં જેવું વાતાવરણ મળે એવો જ વિકાસ તેનો થાય છે. ઘર ચલાવનારા મુખ્ય વ્યક્તિઓનો સ્વભાવ અને તેમનો વર્તાવ બાળકોનાં માનસ પર ઊંડી છાપ ઊભી કરે છે. ક્યારેક આપણો પ્રભાવ જળવાય એ માટે ઘરના બધા સભ્યોનો આનંદ આપણે ખોઈ નાખીએ છીએ. આપણા સ્વભાવથી બધાનો આનંદ ખોવાઈ જાય છે. ઘરમાં આપણી મર્યાદા જાળવવા માટેનો આપણો ઉગ્ર સ્વભાવ વજ્ર બનીને બધાને વાગે છે. એનો આપણને ખ્યાલ નથી રહેતો. ઘરની મુખ્ય વ્યક્તિનો સ્વભાવ તંગ થાય છે ત્યારે ઘરનો રંગ બદલાય છે.


દૂધનાં પાત્રમાં છાશનું એક ટીપું પડવાથી બધું જ દૂધ બગડી જાય એમ મુખ્ય વ્યક્તિનો તીખો સ્વભાવ આખા ઘરના વાતાવરણને ડહોળી નાખે છે. સ્થિર પાણીમાં કાંકરી પડે ને એમાં તરંગો ઊઠે એમ ઘરનું વાતાવરણ તરંગી બને છે.

એક શિક્ષકે બાળકને પ્રશ્ન કર્યો, ગરમીમાં વિસ્તાર પામે ને ઠંડીમાં સંકોચાય એવી વસ્તુ કઈ?


બાળકે કહ્યું મારા પપ્પા. તે જ્યારે ગુસ્સે થાય ત્યારે બહુ લાંબું બોલે છે અને ઠંડા પડતા જાય એમ બોલવાનું ઓછું થાય છે. મોભીના આવા તુમાખીભર્યા સ્વભાવથી ઘરની તાસીર બદલાઈ જાય છે અને ઘર મિલિટરીનો કૅમ્પ બની જાય છે. બધા સભ્યો હંમેશાં પારેવડાંની જેમ ફફડ્યા કરે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ ઘરનું વાતાવરણ ગરમ જ હોય.

અંગ્રેજી કવિતામાં કવયિત્રી રોઝ મૅકમિલન ખૂબ જ સરસ વાત કરે છે. તમે ઘરમાં સર્વથી મોટા હો એટલે જાણે તમને તીખો મિજાજ રાખવાનો અધિકાર મળી ગયો હોય એમ તમે માની લો છો. તમારો ખરાબ મૂડ ઘરના આખા વાતાવરણને ખરાબ બનાવી દે છે. થોડો સમય માટે જો પોતાના જીવનમાં કસ ન રહ્યો તો બીજાના જીવનનો રસ શા માટે ઉડાડવો જોઈએ? આવા ઘરમાં હાશનો અનુભવ કેમ થાય?

-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી

Whatsapp-channel Whatsapp-channel

03 July, 2025 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK