૨૦ જૂનથી ૧ જુલાઈ સુધીમાં ૫૧ મોત : ૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન : હજી પાંચથી સાત જુલાઈ દરમ્યાન અનેક જિલ્લાઓમાં ઑરેન્જ અલર્ટ
હિમાચલ પ્રદેશમાં વરસાદે મચાવેલી ખરી તબાહીનાં દૃશ્યો
હિમાચલ પ્રદેશના મંડી, સોલન, બાગી, ધર્મપુર, કસૌલી અને સરાહન ગામોમાં સોમવારે અને મંગળવારે સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો એને કારણે ઠેર-ઠેર ભૂસ્ખલન થયું હતું. ડઝનબંધ ગાડીઓ ભૂસ્ખલનના મલબામાં દબાઈ ગઈ હતી. પહાડી પર આવેલાં ઘરો પત્તાંના મહેલની જેમ તૂટીને પાણીના પ્રવાહમાં તણાઈ ગયાં હતાં. શિમલા પાસે પાંચ માળનું એક બિલ્ડિંગ પાંચ જ સેકન્ડમાં કડડડભૂસ થઈને પાણીમાં વહી ગયું હતું. વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં ૨૮૫ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ક્યાંક ભૂસ્ખલનને કારણે આગળ જવાનો રાસ્તો નથી તો ક્યાંક રસ્તો તૂટી ગયો છે. સ્થાનિક સ્કૂલો અને બોર્ડિંગ સ્કૂલો પણ બંધ થઈ ગઈ છે.
ગઈ કાલે વરસાદ થોડો ધીમો પડ્યો હતો, પરંતુ સતત વાદળ છવાયેલાં રહ્યાં હતાં. જોકે સોમવાર અને મંગળવારે પડેલા વરસાદને કારણે સર્જાયેલી તબાહીનાં દૃશ્યો ધીમે-ધીમે હવે જોવા મળી રહ્યાં છે ત્યારે હવામાન ખાતાએ અહીં આગામી ત્રણ દિવસ એટલે કે પાંચથી સાત જુલાઈ સુધી ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે.
ADVERTISEMENT
હિમાચલ પ્રદેશમાં ૨૦ જૂનથી ચોમાસું બેઠું હતું. ત્યારથી પહેલી જુલાઈ સુધીમાં અલગ-અલગ ઘટનાઓમાં કુલ ૫૧ લોકોનાં મૃત્યુ થયાં છે અને ૧૦૩ લોકો ઘાયલ થયા છે. હજી બાવીસ લોકો ગુમ છે. આ સમયગાળા દરમ્યાન પંચાવન કાચાં-પાકાં મકાનો, ૯ દુકાનો અને ૪૫ ગૌશાળાઓ ક્ષતિગ્રસ્ત થયાં છે.
મંડી જિલ્લામાં તો જનજીવન સાવ જ થંભી ગયું છે. માત્ર મંડીમાં જ ૧૦ લોકોનાં મૃત્યુ અને ૩૪ લોકો ગુમ થયા છે. ભારે વરસાદમાં ફસાયેલા ૩૭૦ લોકોને સુરક્ષિત રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. મંડીમાં ૨૪ મકાનો વહી ગયાં છે અને ૩૦ પશુઓ મૃત્યુ પામ્યાં છે. નૅશનલ ડિઝૅસ્ટર રેસ્ક્યુ ફોર્સ NDRF અને સ્ટેટ ડિઝૅસ્ટર રેસ્ક્યુ ફોર્સ (SDRF)ની ટીમો રાહતકાર્યમાં લાગી ગઈ છે. જોકે રસ્તાઓ તૂટી ગયા હોવાથી બચાવકાર્યમાં મુશ્કેલી આવી રહી છે. ભારતીય વાયુસેના અસરગ્રસ્ત વિસ્તારોમાં રૅશન, પાણી, દવા અને જરૂરી સામાન પહોંચાડવામાં લાગી છે.
મુખ્ય પ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ કહ્યું છે કે પ્રારંભિક આકલન મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૫૦૦ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થઈ ચૂક્યું છે.

