Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > Valentine’s Day 2024: ‘પ્રેમ’ વિષય પર સર્જન કરતા આ શબ્દપ્રેમીઓ કઈ પ્રેમકવિતાઓને કરે છે પ્રેમ?

Valentine’s Day 2024: ‘પ્રેમ’ વિષય પર સર્જન કરતા આ શબ્દપ્રેમીઓ કઈ પ્રેમકવિતાઓને કરે છે પ્રેમ?

14 February, 2024 03:10 PM IST | Mumbai
Dharmik Parmar | dharmik.parmar@mid-day.com

Valentine’s Day 2024: આપણી ગુજરાતી ભાષાના જાણીતા સર્જકોને કયું પ્રેમ કાવ્ય કે નવલકથા વધુ પસંદ પડી છે? આ સર્જકોને એવી કઈ પ્રેમકથાઓએ જકડી રાખ્યા છે?

રામ મોરી, હર્ષદ ત્રિવેદી, જગદીશ ત્રિવેદી અને મુકેશ જોશી

રામ મોરી, હર્ષદ ત્રિવેદી, જગદીશ ત્રિવેદી અને મુકેશ જોશી


કી હાઇલાઇટ્સ

  1. રામ મોરીને ટૂંકીવાર્તામાં ચુનીલાલ મડિયાની ટૂંકીવાર્તા ‘તમે રે ચંપો ને અમે કેળ` ગમે છે
  2. હર્ષદ ત્રિવેદી કહે છે કે, “વીનેશ અંતાણીની પ્રિયજન નવલકથા કેટલી સરસ છે"
  3. કવિ મુકેશ જોશીનું ગીત `તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?` વાંચવા જેવું

પ્રેમ એટલે તો સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.. એવા તો કેટલાય મધુર કાવ્યો, ગીતો આપણી ગુજરાતી ભાષા પાસે છે. એમ કહી શકાય કે વિશ્વના દરેક સર્જકે ‘પ્રેમ’ને ખૂબ પ્રેમ કર્યો છે. તો આપણી ગુજરાતી ભાષા પણ કઈ રીતે બાકાત રહી શકે? આજે જ્યારે વિશ્વ વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day 2024) ઊજવી રહ્યું છે ત્યારે આવો જાણીએ કે આપણી ગુજરાતી ભાષાના જાણીતા સર્જકોને કયું પ્રેમ કાવ્ય કે નવલકથા વધુ પસંદ પડી છે? આ સર્જકોને એવી કઈ પ્રેમકથાઓએ જકડી રાખ્યા છે?

આવો, આજે પોતાની કલમથી અનેકોના હૈયામાં રાજ કરનાર યુવા સર્જક રામ મોરીને કઈ વેલેન્ટાઇન્સ વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day 2024) સ્પેશિયલ કઈ ટૂંકીવાર્તા, નવલકથા ખૂબ ગમે છે તે જાણીએ. આ વિશે વાત કરતાં રામ મોરી જણાવે છે કે, “ચુનીલાલ મડિયાની જાણીતી ટૂંકીવાર્તા ‘તમે રે ચંપો ને અમે કેળ’ એ મારી પ્રિય ટૂંકીવાર્તા છે. ઝવેરચંદ મેઘાણીની વિવિશાળ નવલકથા પણ મારી ખૂબ પ્રિય."




રામ મોરી

વાર્તાઓને પ્રેમ કરતા આ સર્જકને કાવ્યો વાંચવાનો પણ શોખ છે. તે કહે છે કે, “કવિ મુકેશ જોશીનું ખૂબ જાણીતું ગીતકાવ્ય જે ભગવાન કૃષ્ણે પ્રેમપત્રના સ્વરૂપમાં લખાયું છે કે ‘હરિ તમે તો સાવ જ અંગત, સાંભળજો આ મરજી.. ઘણા મુરતીયા લખી મોકલે વિગતવાર માહિતી, તેમાં તમેય કરજો ફોટા સાથે અરજી’ એ મને ખૂબ જ પ્રિય છે.”


તમને ખબર છે સર્જક રામ મોરીને પોતાની અનેક વાર્તાઓમાંથી પ્રેમ લક્ષી કઈ વાર્તા વધુ ગમે છે? તો રામ મોરી જણાવે છે કે, “હાજી કાસમ તારી વીજળી આ મારું સંગીત નાટક છે. આ આખી પ્રેમ-કથા જ છે. જેમાં લવ ટ્રેન્ગલ છે. એ લવ સ્ટોરી લખવાની મને પણ બહુ જ મજા પડેલી”

ગુજરાતી ભાષાના જાણીતા સર્જક હર્ષદ ત્રિવેદી ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવે છે કે, “બાલમુકુન્દ દવેની પંક્તિઓ છે ને કે, 
‘ગીત ગાવું તો પ્રેમનું ગાવું,  
છીછરા નીરમાં હોય શું ના`વું? 
તરવા તો મઝધારે જાવું, 
ઑર ગાણામાં હોય શું ગાવું? 
ગીત ગાવું તો પ્રીતનું ગાવું!”

હર્ષદ ત્રિવેદી

નવલકથાની વાત કરવામાં આવે તો હર્ષદ ત્રિવેદી કહે છે કે, “વીનેશ અંતાણીની પ્રિયજન નવલકથા છે તો એમાં પ્રેમ છે પણ ખરો અને નથી પણ ખરો. પણ એટલી સરસ રીતે એમણે પ્રેમને ગૂંથ્યો છે કે મજા પડે. દર્શકની ‘ઝેર તો પીધા છે જાણી જાણી” એમાં પ્રેમ નથી તો શું છે?”

પ્રેમની વાત આવે ત્યારે હર્ષદ ત્રિવેદી પોતાની ગમતી પંક્તિઓ અચૂક ઉચ્ચારે છે કે,
“લાલચટક રંગ મહેંદીનો છે મારા હાથમાં
કે પછી કોઈએ મૂક્યો છે હાથ મારા હાથમાં?
ભાગ્ય મારુ કોઈ જોવાનું ન સાહસ ખેડશો,
ખીણ જેવી હસ્તરેખાઓ છે મારા હાથમાં”

મુંબઈના કવિ મુકેશ જોશીના અનેક પ્રેમ-ગીતો જાણીતા છે. આજે વેલેન્ટાઇન્સ ડે વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day 2024) નિમિત્તે જાણીએ કે તેઓને ગુજરાતી ભાષાના પ્રેમ-સાહિત્યમાંથી શું વધુ ગમે છે? આ વિષે વાત કરતાં મુકેશ જોશી જણાવે છે કે, “મરીઝની પ્રેમની ગઝલો મારી પ્રિય છે. સૈફ ભાઇનો આ શૅર કે ‘વરસોથી સંઘરી રાખેલી દિલની વાત જણાવું છું, મમતા રાખીને સાંભળજો, હું તમને બહુ ચાહું છું…’ કેટલો અદભૂત છે! વળી, રિષભ મહેતાનો આ શેર ‘ઘુંઘટ પી જઈશ, મને પ્રેમ કર.. હું બચી જઈશ, મને પ્રેમ કર’ આ તો એમની લાજવાબ ગઝલ છે. વળી, રમેશ પારેખના પ્રેમ ગીતો તો આહાહા.. વિનોદ ભાઈની કાવ્ય નાયિકા પણ અદભૂત”

મુકેશ જોશી

કવિ મુકેશ જોશીને જ્યારે અમે પૂછ્યું કે તમને વેલેન્ટાઇન્સ સ્પેશિયલ કઇ નવલકથા ગમે છે તો તેઓએ કુન્દનિકા કાપડિયાની ‘અગન પિપાસા’ અને રઘુવીર ઔધરીની ‘અમૃતા’નો ઉલ્લેખ કર્યો હતો.

આવો, કવિ મુકેશ જોશીના આ પ્રેમસભર ગીત સાથે વિરમીએ. હા, આ ગીત એમણે પણ બહુ જ વ્હાલું છે.

તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?
એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો?

તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા?
તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા?

તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
તમે કોઇ દિવસ…

તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો?
તમે કોઇના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો?

તમે મંદિરની ભીંત ઉપર કોઇની જુદાઇમાં માથુ મૂકીને રડ્યા છો?
તમે કોઇ દિવસ…

તાજેતરમાં જ જેઓના કાર્યના પદ્મશ્રી પુરસ્કારથી પોંખણા કરવામાં આવ્યા છે તેવા જાણીતા સર્જક અને હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી આ પ્રેમની મોસમ વેલેન્ટાઇન્સ ડે (Valentine’s Day 2024)માં કહે છે કે, “મને જયંત પાઠકની ‘કીકીમાં કેદ કરી લીધા.. ‘ આ એક કવિતા બહુ જ ગમી છે. જેમાં ગોપીઓએ કૃષ્ણ સાથેના પોતાના પ્રેમની અદભૂત વાત કરી છે. અને ભક્તિ, જ્ઞાન કરતાં પણ પ્રેમને સિદ્ધ કર્યો છે.” કવિ કહે છે કે,

કીકીમાં કેદ કરી લીધા, મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા !
ભોળી નથી કે હવે લોચન ઉઘાડું, છોને વગડામાં વાંસળીઓ વાગે;
મધરાતે કોઈ ભલે બારણાં ધકેલ,  બાઈ, મારે બલારાત જાગે!
જનમના જાણકાર કેદના તે એણે છૂટવાનાં છળ ભલાં કીધાં ! 
જુગજુગ જોગીડા ભલે ગાળે સમાધમાં, વાળે પલાંઠી, સાસ રોકે;
મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા,પધરાવ્યા સમણાંના લોકે !
વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના, એમ વના થાય ના સીધા !

જગદીશ ત્રિવેદી

જગદીશ ત્રિવેદી પોતાને ગમતી આ કવિતા સાંભળાવતાં કહે છે કે, “યોગીઓ અનેક વર્ષો સુધી યોગ કરે, તપસ્વીઓ ભલે આકરા તપ કરે, જ્ઞાનીઓ ગમે તેટલું જ્ઞાન એકત્રિત કરે પણ, જો તમે પ્રેમથી ઈશ્વરને ભજો તો ક્ષણવારમાં, પલકવારમાં પ્રભુ મળી જાય છે.”

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2024 03:10 PM IST | Mumbai | Dharmik Parmar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK