Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > વણમાગ્યા મુહૂર્તનો દિવસ એટલે અક્ષયતૃતીયા

વણમાગ્યા મુહૂર્તનો દિવસ એટલે અક્ષયતૃતીયા

Published : 19 April, 2026 12:24 PM | IST | Mumbai
Aashutosh Desai | feedbackgmd@mid-day.com

ભારતમાં સનાતન હિન્દુ ધર્મમાં આ જ દિવસથી લગ્ન અને લગ્નને લગતાં માંગલિક કામોના મુહૂર્તનો પણ આરંભ થાય છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બન્ને રાજ્યોનો સીમાંત વિસ્તાર બુંદેલખંડ તો સાવ અનોખી રીતે અક્ષયતૃતીયાના શુભ દિવસની ઉજવણી કરે છે.

અક્ષયતૃતીયા

અક્ષયતૃતીયા


સ્વયંસિદ્ધ મુહૂર્ત ગણાતી વૈશાખ મહિનાની ત્રીજના દિવસે કોઈ નવું કામ શરૂ કરવા માટે ચોઘડિયાં જોવાની જરૂર નથી. પૌરાણિક કથાઓમાં લક્ષ્મી-નારાયણના મિલન ઉપરાંત અન્ય અનેક મહત્ત્વની ઘટનાઓ આજના દિવસે બની હતી. એ ઘટનાઓ કઈ? અખાત્રીજમાં દાનધર્મ અને પૂજાપાઠ કરવાના નિયમો શું એ બધું જ આજે જાણીએ

આજે વૈશાખ માસના શુક્લપક્ષની ત્રીજ. આપણાં પુરાણોમાં વર્ણવ્યા અનુસાર આ દિવસે જો કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવે તો એનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે. આથી જ આ ત્રીજને આપણે અક્ષયતૃતીયા કહીએ છીએ. આમ તો દરેક મહિનાની શુક્લપક્ષની ત્રીજને શુભ ગણવામાં આવે છે, પરંતુ વૈશાખ મહિનાની ત્રીજ તો એક સ્વયંસિદ્ધ મુહૂર્ત છે એવું માનવામાં આવે છે.       



સામાન્ય રીતે આ દિવસે બ્રહ્મમુહૂર્તમાં જાગી સ્નાનાદિ કાર્ય પૂર્ણ કરી શ્રીહરિ નારાયણની, એમાંય વિશેષકર શ્વેત પુષ્પોથી, પૂજા કરવાનું વિધાન આપણા ધાર્મિક સાહિત્યમાં કહેવાયું છે. આ જ સંદર્ભે સનાતન હિન્દુ ધર્મમાં એવી માન્યતા પ્રવર્તે છે કે આ દિવસે આરંભ કરવામાં આવેલું કોઈ પણ શુભ કાર્ય અથવા દાનધર્મનો ક્યારેય ક્ષય થતો નથી. આ માટે વર્ણવાયેલી એક કથા પ્રચલિત છે. ધર્મદાસ નામનો એક વૈશ્યપુત્ર હતો જેણે પૂર્ણ શ્રદ્ધાથી અક્ષયતૃતીયા વ્રત કર્યું જેને કારણે તે ન માત્ર અમાપ ધનનો માલિક બન્યો બલ્કે ત્યાર પછીના જન્મમાં તે જ સમ્રાટ ચંદ્રગુપ્ત તરીકે ધરતી પર અવતરિત થયો.      


ભારતમાં સનાતન હિન્દુ ધર્મમાં આ જ દિવસથી લગ્ન અને લગ્નને લગતાં માંગલિક કામોના મુહૂર્તનો પણ આરંભ થાય છે. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બન્ને રાજ્યોનો સીમાંત વિસ્તાર બુંદેલખંડ તો સાવ અનોખી રીતે અક્ષયતૃતીયાના શુભ દિવસની ઉજવણી કરે છે. અહીંનાં ગામોમાં કુંવારી છોકરીઓ તેમના ભાઈ, પિતા અને ઘરમાં જ નહીં, ગામનાં અનેક કુટુંબોમાં પણ શુભ ફળની પ્રાપ્તિની આશાએ મંગળ ગીતો ગાતાં-ગાતાં શુકન વહેંચતી હોય છે. આજનો દિવસ આપણા સમાજમાં એટલો શુભ માનવામાં આવે છે કે વડીલો કહેતા હોય છે કે અક્ષયતૃતીયાનો દિવસ પોતાનામાં જ એટલો શુભ દિન છે કે આ દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવા માટે કોઈ મુહૂર્ત કે ચોઘડિયાં જોવાની પણ જરૂર નથી હોતી.

પૌરાણિક સંદર્ભ અને ઘટનાઓ


સનાતન હિન્દુ ધર્મગ્રંથો અને સાહિત્યમાં આપણા જીવન, ધર્મ, રીત-રિવાજો, પ્રસંગ, સમાજવ્યવસ્થા જેવા અનેક વિષયોને સાંકળી લેતી અનેક વાતો કહેવાય છે. એવા આ સાહિત્ય-સમુદ્રના અલગ-અલગ ગ્રંથોમાં વર્ણવાયેલી અનેક માહિતીને અહીં આ લેખમાં સંકલિત કરીને ટૂંકમાં કહેવાનો પ્રયત્ન કરીએ.

આજના એટલે કે અક્ષયતૃતીયાના દિવસે જ મહર્ષિ જમદગ્નિ અને માતા રેણુકાને ત્યાં પુત્ર તરીકે શ્રી પરશુરામજી સ્વરૂપે શ્રીહરિ વિષ્ણુના છઠ્ઠા અવતારનું અવતરણ થયું હતું. આથી જ તો અક્ષયતૃતીયાના દિવસને આપણે પરશુરામ જયંતી તરીકે પણ ઊજવીએ છીએ.

યક્ષોના રાજવી એવા કુબેરજીને આજના દિવસે જ દેવાધિદેવ મહાદેવના આશીર્વાદ તરીકે ધનના દેવતાની પદવી મળી હતી અને કૃપા તરીકે અનંત ધનનો ખજાનો પ્રાપ્ત થયો હતો જેને કારણે તેઓ મનુષ્યલોકમાં પણ ધનના દેવતા તરીકે પૂજાય છે.

શુભ-મંગળ એટલે અશુભની અનુપસ્થિતિ અને અમંગળ પર મંગળનો વિજય અને જ્યાં શુભ અને મંગળ બન્ને હોય ત્યાં જ ધર્મની સ્થાપના અને અસ્તિત્વ શક્ય બને છે. કદાચ આ જ કારણે તો મહાભારતના ભીષણ યુદ્ધનો અંત પણ આ જ દિવસે થયો હતો. અક્ષયતૃતીયાના દિવસે જ અધર્મ પર ધર્મનો વિજય થયો.

મહાભારતની વાત નીકળી છે તો આજના દિવસને સંલગ્ન બીજી પણ એક ઘટના આપણને જોવા મળે છે. દુર્ભાગ્યવશ આજના દિવસે જ મહાન સતી દ્રૌપદીના ચીરહરણનો પ્રયત્ન થયો હતો અને શ્રીકૃષ્ણએ તેમની વહારે આવીને દ્રૌપદીનાં ચીર પૂર્યાં હતાં. અર્થાત્ આ દૃષ્ટિએ જોઈએ તો સ્ત્રીના અસ્તિત્વને, તેના સન્માનને પૂજવાના દિવસ તરીકે પણ આજનો દિવસ ઊજવાવો જોઈએ.

પાંડવોને જ્યારે ૧૩ વર્ષનો વનવાસ અને એક વર્ષનો અજ્ઞાતવાસ વેઠવાનો હતો ત્યારે એ અજ્ઞાતવાસ દરમ્યાન તેમણે ભૂખ્યા ન રહેવું પડે એ શુભાશય સાથે શ્રીહરિ કૃષ્ણએ દ્રૌપદીને એક પાત્ર ભેટ આપ્યું હતું. એ મેળવતી વખતે દ્રૌપદીને નહોતી ખબર કે તેમના સખા કૃષ્ણ તેમને જે પાત્ર આપી રહ્યા છે એ વાસ્તવમાં એક અક્ષય પાત્ર છે. દ્રૌપદીને કૃષ્ણ તરફથી મળેલી એ ભેટનો દિવસ એટલે અક્ષયતૃતીયાનો દિવસ.

કૃષ્ણએ દ્રૌપદીને પાંડવોના અજ્ઞાતવાસ પહેલાં અક્ષયપાત્ર આપ્યું હતું.

મિત્રતાનું અજોડ ઉદાહરણ એવા કૃષ્ણ અને સુદામાની મિત્રતા વિશે તો આપણે બધા જ જાણીએ છીએ. કહેવાય છે કે આજના દિવસે જ શ્રીહરિ કૃષ્ણ મહર્ષિ સાંદીપનિના આશ્રમમાં સુદામાજીને મળ્યા હતા અને બન્ને વચ્ચે મિત્રતાનો આરંભ થયો હતો. અર્થાત્, આજનો દિવસ એ શુભ દિવસ પણ ખરો જ્યારે વિશ્વના બધા સંબંધોમાં શ્રેષ્ઠ એવા મિત્રતાના સંબંધને ઊજવવો જોઈએ. આ જ મહાન સંબંધનો બીજો એક પ્રસંગ પણ અક્ષયતૃતીયાને દિવસે જ ઘટ્યો હતો. દરિદ્ર સુદામાની રાજવી કૃષ્ણ સાથે મુલાકાત. જી હા, પોતાની પાસે બચેલી છેલ્લી મિલકત. પરિવારનું એક સમય પૂરતું પણ તૃપ્ત ભોજન ન થઈ શકે એટલા ચોખા. એની પોટલી બનાવીને અચકાતા મને સુદામા કૃષ્ણ પાસે મદદ માગવા જાય છે, પણ કૃષ્ણપ્રેમમાં સમર્પિત તે ભોળિયો મિત્ર એ આખરી મિલકત કૃષ્ણને લૂંટાવી દેવા છતાં પોતાની પરિસ્થિતિ કહી શકતો નથી. કૃષ્ણને ચોખાની એ અમૂલ્ય પોટલીની ભેટ મળ્યાનો અને બદલામાં સુદામાને જિંદગીભર ચાલે એટલું રાજસ્વ મળ્યાનો દિવસ એટલે અક્ષયતૃતીયાનો દિવસ.

અક્ષયતૃતીયા એ દિવસ જ્યારે જઠરાગ્નિને શાંત કરતાં દેવી અન્નપૂર્ણાનો પણ જન્મ થયો હતો.

પોતાના પૂર્વજોના ઉદ્ધાર અને સદ્ગતિ માટે શ્રીરામના પૂર્વજ એવા મહારાજ ભગીરથે અઘોર તપસ્યા કરી હતી અને એ તપસ્યાના ફળસ્વરૂપ આજના દિવસે જ મા ગંગાજી સ્વર્ગનો ત્યાગ કરીને મહાદેવની જટાઓ દ્વારા ધરતી પર અવતરિત થયાં હતાં.

હિન્દુ ધર્મના જ મહાન જૈન પંથમાં પણ અક્ષયતૃતીયાના દિવસનું એક આગવું મહત્ત્વ આપણને મળી આવે છે. જૈન પંથના પ્રથમ તીર્થંકર એવા શ્રી ઋષભદેવજીએ એક વર્ષની જે અત્યંત કઠોર તપસ્યા કરી હતી એ તપસ્યાનાં પારણાં તેમણે આજના દિવસે જ ઇક્ષુ (શેરડી)નો રસ ગ્રહણ કરીને કર્યાં હતાં. આ જ કારણથી તો જૈન પંથના અનુયાયીઓ આજના દિવસને ઇક્ષુ તૃતીયા તરીકે ઊજવે છે.

આ સૃષ્ટિના રચયિતા એવા બ્રહ્માજીના માનસપુત્ર અક્ષયકુમારનું અવતરણ પણ અક્ષયતૃતીયાએ જ થયું હતું. માન્યતા એવી પણ છે કે અક્ષયકુમારનું અવતરણ અને ઋષભદેવના ઇક્ષુના રસ દ્વારા કરવામાં આવેલાં પારણાંને કારણે જ કાળક્રમે આજનો દિવસ અક્ષયતૃતીયા કે ઇક્ષુતૃતીયા તરીકે પ્રસિદ્ધ થયો.

આપણી સૃષ્ટિમાં ચાર યુગો છે - સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ. એમાંથી બે યુગો સતયુગ અને ત્રેતાનો આરંભ પણ આજના અક્ષયતૃતીયાના દિવસે જ થયો હતો. આથી જ આજના દિવસને કૃતયુગાદિ તિથિ કહેવાય છે. એટલું જ નહીં, ધર્મસાહિત્ય કહે છે કે આજના દિવસે ધરતી પર કળિયુગનો પ્રભાવ સૌથી ઓછો હોય છે.  

મંદિરોમાં ખાસ દિવસ

સનાતન હિન્દુ ધર્મનાં અત્યંત પવિત્ર ગણાતાં ચાર યાત્રાધામોમાંના એક એવા બદરીનારાયણ ભગવાનના મંદિરનાં કપાટ પણ આજના દિવસે જ ખૂલતાં હોય છે.

આપણામાંથી જેટલા લોકો વૃંદાવનમાં શ્રી બાંકેબિહારીજીનાં દર્શન કરવા ગયા હશે તેમને ખબર હશે કે સામાન્ય રીતે શ્રી બાંકેબિહારી મંદિરમાં શ્રી વિગ્રહનાં ચરણોને વસ્ત્રો વડે ઢાંકેલાં રાખવામાં આવે છે. જોકે આખા વર્ષમાં માત્ર એક દિવસ એવો હોય છે જ્યારે તેમનાં ચરણોનાં દર્શન શક્ય બને છે અને એ અક્ષયતૃતીયાના દિવસે. ત્યારે તેમનાં ચરણોને વસ્ત્રોથી ઢાંકી નહીં દેતાં ભક્તોનાં દર્શન માટે ખુલ્લાં રાખવામાં આવે છે.

પુરાણોમાં ઉપનિષદોમાં અપાયેલા જ્યોતિષજ્ઞાન અનુસાર કહેવાય છે કે આજના દિવસે શનિ મહારાજની વક્રદ્રષ્ટિનો પણ પ્રભાવ પડતો નથી.


પરશુરામજીના સ્વરૂપે શ્રીહરિ વિષ્ણુના છઠ્ઠા અવતારનું અવતરણ થયું હતું. 

મહારાષ્ટ્રમાં અનોખી ઉજવણી

આપણા મુંબઈ અને આખા મહારાષ્ટ્રમાં આજના દિવસને અક્ષયતૃતીયા અથવા અખાત્રીજ તરીકે ઉત્સાહથી ઊજવવામાં આવે છે. મહારાષ્ટ્રિયન લોકો કહે છે કે આજનો દિવસ એટલે અબૂઝ મુહૂર્તનો દિવસ. અર્થાત્ જેને મુહૂર્તની સૂઝબૂઝ નથી, જાણકારી નથી તેમના માટે પણ આજનો દિવસ વણમાગ્યા મુહૂર્તનો દિવસ છે. મરાઠીઓમાં આજના દિવસે સોનું, ચાંદી અથવા સંપત્તિ ખરીદવું અત્યંત શુભ ગણાય છે. મૂળતઃ માન્યતા એવી છે કે આજના દિવસે ઘરમાં લવાયેલું સોનું કે ચાંદી ઘરમાં અખૂટ ધનસંપદા અને સ્વાસ્થ્ય પોતાની સાથે લઈને આવે છે. આજના દિવસે તેઓ ઘરમાં વિશેષ પૂજા-અર્ચના કરે છે. કોઈ મહારાષ્ટ્રિયન ભાઈભાંડુ-મિત્રોને ત્યાં આજના દિવસે હળદર અને કુમકુમના સમારોહનું આયોજન થતું હોવાનું આપણે અનેક વાર સાંભળ્યું હશે. એમાં મહારાષ્ટ્રિયન સ્ત્રીઓ પ્રેમથી એકબીજાને હળદર અને કુમકુમ લગાડીને સૌભાગ્ય અને ઉન્નતિની કામના કરતી હોય છે. પારંપરિક વસ્ત્રો પહેરીને મરાઠી મિત્રો ઉત્સાહપૂર્વક આજના દિવસે વિશેષકર ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીનું અને સાથે ગણેશજીનું પૂજન કરતા હોય છે. ઘરમાં મીઠાં વ્યંજનો બનાવે છે જેમાં ખાસ કરીને બે વ્યંજન હોય છે : પૂરણપોળી (ગળી રોટલી) અથવા શ્રીખંડ-પૂરી. એટલું જ નહીં, આજના દિવસે દાનનો મહિમા પણ વિશેષ છે. કહેવાય છે કે આજના દિવસે કરવામાં આવેલું સુપાત્રને દાન ગૃહસ્થજીવનમાં ક્યારેય આર્થિક સંકટ લાવતું નથી અને ઘરના મોભીનું સ્વાસ્થ્ય અને આર્થિક પરિસ્થિતિ સદૈવ સ્વસ્થ રાખે છે.


મહારાષ્ટ્રમાં હળદી-કુમકુમની પરંપરા.

આ તો થઈ સામાન્ય મહારાષ્ટ્રિયન પરિવારોની વાત, પરંતુ ગામડાંગામોમાં રહેતા મરાઠી ખેડૂત ભાઈઓ પણ આજના દિવસને અત્યંત શુભ દિવસ ગણીને ખેતરોમાં નવી ખેતીનું રોપણ કરવાની અથવા હળ જોતવાની શરૂઆત કરે છે.


સુદામાના તાંદુલ ખાઈને શ્રીકૃષ્ણએ જિંદગીભર ચાલે એટલું ધન આપ્યું એ દિવસ હતો અક્ષયતૃતીયા.

દાનનો મહિમા અપરંપાર, પણ કેવું દાન હોવું જોઈએ?

ધર્મશાસ્ત્રો કહે છે કે આજના દિવસે દાન સ્વરૂપે માત્ર નાણાં ધરી દઈને પોતાના ઐશ્વર્યનો દેખાડો ન કરવો જોઈએ. આજના દિવસે અન્ન, જળ, વસ્ત્રો, પગરખાં, છત્રી, સૂતર અને સત્તુ, ગરમીમાં રાહત આપે એવા માટીના ઘડા અને ગરીબને છત્રનું દાન કરવું જોઈએ.

દાનને સંકુચિત નહીં પરંતુ વિશાળ અર્થમાં દર્શાવતાં આપણા મહાન ગ્રંથો કહે છે કે વડીલોએ ઘરની ગૃહિણીઓને સૌભાગ્યવતી અને સ્વસ્થ રહેવાના આશીર્વાદ આપવા જોઈએ. માતા-પિતાએ પુત્ર-પુત્રીને ઉજ્જવળ અને ઈશ્વરચરણોમાં સમર્પિત એવાં કાર્યોનું સ્મરણ આજીવન રહે એવા આશીર્વાદનું દાન કરવું જોઈએ. ગુરુજનોએ તેમના શિષ્યોને આજના દિવસે વિશેષ જ્ઞાનનું દાન કરવું જોઈએ, જેથી આવનારા દિવસોમાં તેમના જ્ઞાનમાં સતત વધારો થતો રહે. બ્રાહ્મણોએ આજના દિવસે આહુતિ અને મંત્રજાપ દ્વારા ઈશ્વરને અર્ઘ્યદાન કરવું જોઈએ, જેથી આ સૃષ્ટિમાં ધર્મની સ્થાપના કાયમ રહે અને ધર્મનું અસ્તિત્વ જળવાયેલું રહે. કહેવાય છે કે આજના દિવસે ગુરુ અને બ્રાહ્મણોએ પોતાના ધર્મનો ફેલાવો વિશેષ કરવો જોઈએ જેથી ધર્મનો ક્યારેય ક્ષય થાય નહીં.

न माधव समो मासो 
न कृतेन युगं समम्।
न च वेद समं शास्त्रं 
न तीर्थ गंगयां समम्।।

અર્થાત્ વૈશાખ સમાન કોઈ મહિનો નહીં, સતયુગ સમાન કોઈ યુગ નહીં, વેદ સમાન કોઈ શાસ્ત્ર નહીં, ગંગાજી સમાન કોઈ તીર્થ નહીં અને એ જ રીતે અક્ષયતૃતીયા સમાન કોઈ તિથિ નહીં. શાસ્ત્રોનું અધ્યયન કરીશું તો વિષ્ણુ ધર્મસૂત્ર, મત્સ્યપુરાણ, નારદીયપુરાણ અને ભવિષ્યપુરાણ જેવા અનેક ગ્રંથોમાં આપણને અક્ષયતૃતીયાના માહાત્મ્ય વિશે અનેક ઉલ્લેખો મળશે. શાસ્ત્રો કહે છે કે આ સમય આપણી પોતાની યોગ્યતા નિખારવા માટેનો અને પોતાની ક્ષમતા વધારવા માટેનો ઉત્તમ સમય હોય છે. પોતાનાં કર્મોને યોગ્ય દિશામાં પ્રોત્સાહિત કરવા માટેનો આ અતિઉત્તમ સમય છે.

ગુજરાતીઓમાં અક્ષયતૃતીયા

વેપાર અને વાણિજ્ય માટે વિશ્વભરમાં જાણીતી જાતિ તરીકે આપણે ગુજરાતીઓ પણ આજના દિવસને શુભ ફળદાયી મંગળ દિન તરીકે ઊજવીએ છીએ. ખાસ કરીને વેપારીઓનાં ઘરોમાં આપણે જાણીએ છીએ કે શ્રીહરિ વિષ્ણુ સંગે ભાવથી માતા લક્ષ્મીજીનું પૂજન આપણે કરતા હોઈએ છીએ. ગુજરાતીઓમાં મહત્તમ ઘરોમાં આજે સફેદ કમળ અથવા પીળાં ફૂલો દ્વારા દેવપૂજા કરવાનો રિવાજ છે અને ભોજનમાં આજે આપણે ત્યાં મોટા ભાગે કેસરમિશ્રિત ખીર અથવા ગળ્યો ભાત બનતો હોય છે. સોના-ચાંદી જેવી મૂલ્યવાન ધાતુની ખરીદી (એમાંય વિશેષકર ઘરેણાં) આપણે ખરીદતા હોઈએ છીએ. આપણા વડીલો કહેતા કે આજના દિવસે કાંસાની થાળીમાં જમવું જોઈએ અને કાંસું દાનમાં આપવું જોઈએ. એની પાછળનું કારણ એ છે કે આયુર્વેદ, જ્યોતિષ અને ધર્મશાસ્ત્ર અનુસાર કાંસું ખૂબ સ્વાસ્થ્યવર્ધક ધાતુ છે અને આપણી સંસ્કૃતિમાં સાચા ધન તરીકે ક્યારેય માત્ર મૂલ્યવાન ધાતુ કે નાણાંને નથી ગણવામાં આવ્યાં. આપણી સંસ્કૃતિ સ્વાસ્થ્યને જ સાચું અને અમૂલ્ય ધન માને છે. આથી જ તો ગુજરાતીમાં કહેવાય છે કે ‘જેનો ક્યારેય ક્ષય નહીં થાય એવું એટલે અક્ષય, અક્ષયતૃતીયા!’

અક્ષયતૃતીયાની ક્ષેત્રીય ઉજવણી 


ઓડિશાના પુરીમાં જગન્નાથજીની રથયાત્રાનો રથ બનાવવાનો પ્રારંભ અક્ષયતૃતીયાએ થાય છે.

રાજસ્થાનમાં આ દિવસે છોકરાઓ પતંગ ઉડાડીને પતંગબાજી રમતા હોય છે તો બુંદેલખંડની જેમ જ રાજસ્થાનમાં પણ છોકરીઓ ઘરે-ઘરે જઈ શુકનનાં ગીતો ગાઈને શુભકામનાઓ વહેંચતી હોય છે. 


રાજસ્થાનના બીકાનેર શહેરનો સ્થાપનાદિવસ અક્ષયતૃતીયાના દિવસે મનાવાય છે અને આ દિવસે ગોળાકાર પતંગો ચગાવવામાં આવે છે. પતંગોનો ગોળ આકાર ચંદ્રનું પ્રતિનિધિત્વ કરે છે.

ઓડિશામાં તો આજનો દિવસ અત્યંત વિશેષ દિવસ મનાય છે. કારણ? આજનો દિવસ જ એ શુભ દિવસ છે જ્યારથી ઓડિશાના જગન્નાથપુરીમાં રથયાત્રા માટેના રથોનું નિર્માણ શરૂ થતું હોય છે.

બંગાળમાં અક્ષયતૃતીયાના દિવસને ‘હલ ખાતાના દિવસ’ તરીકે ઊજવવાની પ્રથા છે. અર્થાત્ આજના દિવસે બંગાળી વેપારીઓ તેમની નવી ઑડિટ બુકની શરૂઆત કરે છે.

શુભ દિને પૂજા કઈ રીતે કરવી?

આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાનાદિ કાર્ય પછી દાન, જપ અને સ્વાધ્યાય કરવું જોઈએ જે અત્યંત શુભ ફળદાયી ગણાવાયું છે. પવિત્ર નદીમાં સ્નાન કરવું અને સામર્થ્ય પ્રમાણે દાન કરવાનું વિશેષ મહત્ત્વ ગણાવતાં મત્સ્યપુરાણમાં કહેવાયું છે કે અક્ષયતૃતીયાના દિવસે ચોખા અને પુષ્પ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો વિશેષ ફળદાયી અને સંતાનપ્રાપ્તિ માટે શુભ ફળદાયી સાબિત થાય છે. શાસ્ત્ર સંસ્કાર સાથે વૈજ્ઞાનિક તર્કોને જોડીએ તો દાન કરવું અર્થાત્ ઊર્જાનું રૂપાંતરણ કરવું. એનો અર્થ છે દુર્ભાગ્યને દાન દ્વારા સૌભાગ્યમાં પરિવર્તિત કરવાની પ્રવૃત્તિ.

ભવિષ્યપુરાણમાં આજની તિથિને યુગાદિ તિથિ ગણાવતાં કહેવાયું છે કે ધનપ્રાપ્તિ હેતુ મંત્ર અને અનુષ્ઠાન દ્વારા ઉપાસના આજના દિવસે અત્યંત પ્રભાવી ફળ આપનાર હોય છે. સફેદ અથવા પીળા રંગનું વસ્ત્ર પહેરીને લક્ષ્મી-વિષ્ણુની પૂજા અને એ પણ સફેદ અને પીળાં ફૂલો દ્વારા કરવી જોઈએ. ત્યાર બાદ નૈવૈદ્ય તરીકે ઘઉં, જવ, ચણાનું બનાવેલું સત્તુ, મિસરી, લીમડો, કાકડી અને ભીંજાવેલી ચણાની દાળ અર્પણ કરવાં જોઈએ.    

આટલી ધાર્મિક ક્રિયા બાદ ફળ આપનારાં વૃક્ષોનું રોપણ કરવું જોઈએ. એમાં, પીપળો, કેરી, પાકડ, ગૂલર, વડ, બીલીપત્ર, જાંબુ વગેરે વૃક્ષોનું રોપણ કરવું શુભ ફળદાયી ગણાવાયું છે. એની પાછળનો તર્ક કંઈક એવો છે કે જે રીતે આ વૃક્ષો હર્યાંભર્યાં રહેશે એ જ રીતે આપણું જીવન પણ સ્વાસ્થ્ય અને સમૃદ્ધિથી હર્યુંભર્યું રહેશે.

સનાતન હિન્દુ ધર્મમાં કોઈ પણ તિથિ, કોઈ પણ ઉત્સવ, કોઈ પણ તહેવાર કોઈ શુભ તર્ક વિનાનો નથી. દરેક પાછળ કોઈ ને કોઈ મજબૂત તાર્કિક કારણ છે અને એને અનુસરવાની કે ઊજવવાની રીત આપણા પૂર્વજોએ અનુભવ, ઋતુ, જરૂરિયાત, ધર્મ વગેરે જેવી અનેક બાબતોને ધ્યાનમાં રાખીને જ સૂચવી હોય છે. જો સાચા અર્થમાં એ સમજીને દરેક પ્રસંગની કે શુભ દિવસની ઉજવણી કરીએ તો કદાચ એની ઉજવણી પ્રત્યેનું ગૌરવ પણ વધે અને આ વારસો વર્ષો સુધી, પેઢીઓ સુધી સચવાયેલો રહે એવું ઇચ્છતા આપણે આપણી પેઢીઓને પણ સુસંસ્કાર તરીકે આપી શકીએ. જો આપણે પોતે જ સમજ્યા નહીં હોઈએ તો આવનારી પેઢીને શું સમજાવીશું?

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2026 12:24 PM IST | Mumbai | Aashutosh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK