માને વય નહીં વાત્સલ્ય હોય છે. માને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. માની નજરમાં સંતાન ક્યારેય મોટાં થતાં નથી, નાનાં જ રહે છે. મા હંમેશાં સંતાનના રક્ષણની ચિંતા જ કરતી હોય છે. મા માટે જેટલું કહેવાય એટલું અધૂરું જ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
માને વય નહીં વાત્સલ્ય હોય છે. માને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. માની નજરમાં સંતાન ક્યારેય મોટાં થતાં નથી, નાનાં જ રહે છે. મા હંમેશાં સંતાનના રક્ષણની ચિંતા જ કરતી હોય છે. મા માટે જેટલું કહેવાય એટલું અધૂરું જ છે. ચિંતકોએ સરસ વાત કરી કે ભગવાન બધે નથી પહોંચી શકતો એટલે તેમણે મા બનાવી.
ભગવાન જે દિવસે માને માધ્યમ બનાવીને અહીં આવ્યા એ દિવસે ભગવાન પૂજાયા. રામ અને કૃષ્ણનાં જેટલાં મંદિરો છે એટલાં મત્સ્ય અને વરાહ ભગવાનનાં નથી. કવિએ તો ત્યાં સુધી કહી દીધું કે જ્યારે મા ન મળી ત્યારે પરમેશ્વરને પણ પશુ થવું પડ્યું. કોઈ માછલું થયા, કાચબો થયા, વરાહ થયા, અડધા માણસ અને અડધા પશુ થયા. હિન્દુ પરંપરામાં તો ભગવાનથી વધીને પણ મા છે. આવી ભાવાત્મક મજબૂત માન્યતા ધરાવતો આપણો હિન્દુ સમાજ છે. છતાં અફસોસની વાત એ છે કે આપણે ત્યાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે.
માતા સમાન કોઈ તીર્થ નથી એવું શાસ્ત્રો કહે છે. મા નામનું તીર્થ તારનારું છે. એ તીર્થના વાત્સલ્ય વહેણમાં સ્નાન એટલે માની સેવા, માની મુસ્કાન સૌથી મોટું પુણ્ય છે. એટલે જ કહેવાયું છે કે જે માની સેવા કરે તેને ભગવાન મળે. એટલે કે તેનું જન્મ-મૃત્યુનું બંધન છૂટી જાય, તેને સંસારમાં પાછું આવવું નથી પડતું એટલે માતૃ સમાન બીજું કોઈ તીર્થ નથી.
જે વ્યક્તિને ભણવાની ભૂખ હોય તે ગમે ત્યાંથી ભણે, જ્ઞાનની ભૂખ હોય તો જડ-ચેતન ગમે તે ગુરુ હોઈ શકે. એટલા માટે આપણે ત્યાં જગદગુરુ હોય છે. આપણા હિન્દુસ્તાનમાં ભગવાનની દયાથી જગદગુરુ ઘણા છે, પાર નથી. જોકે આ જગદગુરુ કોણ?
આખા જગતે જેના નામની કંઠી બાંધી હોય, જેની પાસેથી દીક્ષા લીધી હોય એ જગદગુરુ નહીં. જેના વિચાર આખા વિશ્વની માનવતાના કલ્યાણના માર્ગને પ્રશસ્ત કરતા હોય તે જગદગુરુ. એ અર્થમાં કૃષ્ણ જગદગુરુ છે.
‘કૃષ્ણ વન્દે જગદગુરુમ્’. તો શું આખું વિશ્વ તેમની પાસે દીક્ષા લેવા આવેલું, બધાએ શું તેમના નામની કંઠી પહેરી? અરે, આજના કાળમાં જ્યાં યાતાયાતનાં આટઆટલાં આધુનિક સાધનો છે, આપણે હિન્દુસ્તાનમાં કમ્યુનિકેશનનાં આટઆટલાં સાધનો ઉપલબ્ધ છે એવા સમયમાં પણ તમે એવો દાવો કરી શકો એમ નથી કે આ પૃથ્વીના પટ પર રહેનારો પ્રત્યેક માનવ કહેવાતો જીવ કૃષ્ણને ઓળખતો હોય, કૃષ્ણચરિત્રથી પરિચિત હોય. એવો આજના સમયમાં તમે દાવો કરી શકો એમ નથી. હવે તમે જ કહો, વિચારો કે એ પછી પણ કૃષ્ણ વન્દે જગદગુરુમ્ શું કામ?
