સર્વસામાન્ય રીતે આ જગતમાં પ્રત્યેક પ્રાણી દુખી છે પછી એ બે પગવાળું હોય કે ચાર પગવાળું. સામાન્યતઃ આપણે સૌ સુખી થવાના પ્રયાસો કરીએ છીએ, પણ હાથમાં કેમ નથી આવતું તો એનો અર્થ એમ તો નહીં થતો હોયને કે દુઃખમાં દૃષ્ટિના કારણે સુખને આપણે નજરઅંદાજ કરીએ છીએ.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
સર્વસામાન્ય રીતે આ જગતમાં પ્રત્યેક પ્રાણી દુખી છે પછી એ બે પગવાળું હોય કે ચાર પગવાળું. સામાન્યતઃ આપણે સૌ સુખી થવાના પ્રયાસો કરીએ છીએ, પણ હાથમાં કેમ નથી આવતું તો એનો અર્થ એમ તો નહીં થતો હોયને કે દુઃખમાં દૃષ્ટિના કારણે સુખને આપણે નજરઅંદાજ કરીએ છીએ. સામાન્યતઃ દિવસની ૧૦ ઘટના ઘટતી હોય તો એમાંથી છ સુખી કરનારી હોય અને ચાર દુખી કરનારી છતાં આપણું મન માત્ર ને માત્ર દુઃખની જ ઘટનાઓને વિચાર કરે છે. તો નથી લાગતું કે દૃષ્ટિ ફરશે તો સ્થિતિ ફરશે.
જો આપણો સ્વભાવ માત્ર ને માત્ર દુખી થવાનો થઈ ગયો છે તો આ જગતમાં આપણને કોણ સુખી કરી શકે? આપણે નિત્ય એ જ વિચારીએ છીએ કે લોકો મારા માટે શું વિચારતા હશે? સેન્ટર ઑફ ઍટ્રૅક્શન રહેવાની અત્યારે માણસની ટેવ પડી છે, જેના કારણે આપણે આપણા માટે નથી જીવી શકતા; લોકો માટે જીવી રહ્યા છીએ, જે સારું છે પરંતુ લોકો આપણાં વખાણ કરે, લોકો આપણી આસપાસ રહે, લોકો આપણી આસપાસ ફરતા રહે, આપણી મહત્તા વધે એવા આપણા પ્રયાસો છે; જેના કારણે આપણે પોતાના સ્વભાવ પ્રમાણે નહીં, બીજાને જેમ પસંદ આવે એવી રીતે જીવી રહ્યા છીએ.
કર્મના દુઃખથી છૂટી શકાય, સમયના દુઃખથી છૂટી શકાય, દૈહિક, દૈવિક અને ભૌતિક આ ત્રણેય તાપમાંથી પણ આપણને પરમાત્મા છોડી શકે; પરંતુ આપણો સ્વભાવ જ દુખી થવાનો થયો છે, એમાંથી આપણને કોણ બચાવી શકશે?આપણે બધાએ સાથે મળીને વિચારવું રહ્યું કે હું અભાવથી દુખી છું, પ્રભાવથી દુખી છું કે મારા સ્વભાવથી દુખી છું.
અભાવ અને પ્રભાવ આ બન્ને કાળક્રમે વધતા-ઘટતા રહે તો એમાંથી છૂટવાના ઉપાયો છે પણ સ્વભાવથી જે દુખી થયો છે તેને આ જગતમાં કોઈ સુખી નહીં કરી શકે, હમણાં જ મેં પરમ સંત પાસે સાંભળ્યું કે દુખી થવાનાં ચાર કારણો છે. બીજાના સુખનું ચિંતન, પોતાના અભાવ પર દૃષ્ટિ, બીજા સાથેની આપણી સરખામણી અને ભૂતકાળનાં કર્મોની યાદ આ ચાર વસ્તુઓ આપણી પાસે હોય તો આપણને કોઈ સુખી કરી શકવાનું નથી. આ ચારેચાર કારણો એક-એક સ્વતંત્ર વિષય છે, જેને આવતા દિવસોમાં સમજવાનો પ્રયાસ કરીશું પરંતુ આજે હું અને તમે એટલું જ સમજીએ કે સ્વભાવ બદલાશે તો આપણા અભાવ અને પ્રભાવ બન્ને બદલાશે.
અસ્તુ જય શ્રીકૃષ્ણ!

