હવે રાખડી ફક્ત લાલ દોરા સુધી સીમિત નથી રહી; બદલાતા સમય અને ટ્રેન્ડને કારણે હવે ક્રોશે, ઇવિલ આઇ, રુદ્રાક્ષ, વૉચ અને બ્રોચ જેવાં અનેક સ્વરૂપે માર્કેટમાં જોવા મળી રહી છે
માર્કેટમાં આવી ગઈ છે એક જુઓ ને બીજી ભૂલો એવી જાતજાતની રાખડીઓ
સમય સાથે રક્ષાબંધનની ઉજવણી અને રાખડી પસંદ કરવાની શૈલીમાં પણ બદલાવ આવ્યો છે. એક જમાનામાં માત્ર સાદો લાલ-પીળો રેશમી દોરો રાખડી તરીકે બંધાતો હતો, પણ હવે આજે બજારમાં ટ્રેડિશનલ ડિઝાઇન સાથે આધુનિકતા અને યુનિક આર્ટનો એવો સમન્વય જોવા મળે છે કે બહેનોને રાખડી પસંદ કરવી એ એક ટાસ્ક લાગી રહ્યો છે. આ વર્ષે માર્કેટમાં રાખડીના કયા લેટેસ્ટ ટ્રેન્ડ્સ ધૂમ મચાવી રહ્યા છે એના પર એક નજર કરીએ.
ડ્યુઅલ યુઝ રાખી બ્રોચ
ADVERTISEMENT
આ વર્ષે સૌથી વધુ લોકપ્રિય થઈ રહેલો અને યુનિક ટ્રેન્ડ રાખી બ્રોચનો છે. આ રાખડીની ખાસિયત એ છે કે રક્ષાબંધનના દિવસે એને રેશમી દોરા સાથે ભાઈના કાંડા પર રાખડી તરીકે બાંધી
શકાય છે. તહેવાર પૂરો થયા પછી એમાંથી દોરો અલગ કરીને એને બ્રોચ તરીકે વાપરી શકાય છે. ભાઈ એને પોતાના કુરતા, સૂટ, બ્લેઝર કે જૅકેટ પર શર્ટ પિન અથવા બ્રોચ તરીકે પહેરી શકે છે.
રાખી બ્રોચમાં ખાસ કરીને ફ્લાવર મોટિફ્સ, વિન્ટેજ ઑક્સિડાઇઝ્ડ સિલ્વર ફિનિશ, મોતી અને સ્ટોન વર્કવાળી ઍન્ટિક ડિઝાઇન્સ અત્યારે ટ્રેન્ડમાં છે.
ક્રોશે રાખડીઓનો ક્રેઝ
જે બહેનોને કંઈક અલગ, સિમ્પલ અને કલાત્મક પસંદ છે તેમના માટે ક્રોશે રાખડીઓ આ વર્ષે હૉટ ફેવરિટ છે. હાથથી ગૂંથેલી ક્રોશે સૂરજમુખી, ફ્લાવર્સ અને નાજુક મોતીના કૉમ્બિનેશનવાળી રાખડીઓ અત્યંત સૉફ્ટ અને એલિગન્ટ લુક આપે છે. આ રાખડીઓની ખાસિયત એ છે કે એ ત્વચા પર બિલકુલ વાગતી નથી અને લાંબા સમય સુધી કાંડા પર પહેરી રાખવા છતાં કમ્ફર્ટેબલ રહે છે. આમાં વિવિધ પ્રકારનાં ફ્લાવર્સ, ગણેશ, સ્વસ્તિક, ઓમ અને કાર્ટૂન કૅરૅક્ટર્સ જેવી ડિઝાઇન્સ અત્યારે ઇનથિંગ છે.
વૉચ રાખડી અને હાથફૂલ લુંબા
ભાઈ અને ભાભી માટે આ વખતે માર્કેટમાં ખાસ કસ્ટમાઇઝ્ડ રાખડીઓ પણ ધૂમ મચાવી રહી છે. ખાસ કરીને ભાભી માટે ઘડિયાળના ડાયલ જેવા આકાર અને કુંદન, મોતી કે મેટલ વર્કથી સજાવેલી રાખડીઓ ખૂબ જ ટ્રેન્ડમાં છે. આ રાખડી પણ પછીથી હાથના બ્રેસલેટ તરીકે પહેરી શકાય છે. ભાભી માટે ખાસ લુંબા રાખડીનો ટ્રેન્ડ હવે વધારે ગ્લૅમરસ બન્યો છે. હાથની આંગળીથી શરૂ થઈને કાંડા સુધી જતું નાજુક મોતી અને કુંદનનું હાથફૂલ આ વખતે ભાભીઓની પહેલી પસંદ બની રહ્યું છે.
રુદ્રાક્ષ રાખડી
ટ્રેન્ડ ગમે એટલા બદલાય, આધ્યાત્મિક અને રુદ્રાક્ષની રાખડીઓનું મહત્ત્વ હંમેશાં જળવાઈ રહે છે. ગોલ્ડન કે સિલ્વર ચેઇન સાથે રુદ્રાક્ષ, ઓમ, ત્રિશૂળ કે સ્વસ્તિક જેવાં ધાર્મિક ચિહનો ધરાવતી રાખડીઓ ભાઈ માટે માત્ર રક્ષાસૂત્ર જ નહીં, આશીર્વાદ સમાન બની રહે છે. ભાઈઓ માટે આવી રાખડી બ્રેસલેટના રૂપમાં મળે છે.
ઇવિલ આઇ રાખડી
છેલ્લા કેટલાક સમયથી ઇવિલ આઇ જ્વેલરીનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જે હવે રાખડીઓમાં પણ ખૂબ જોવા મળે છે. ભાઈને તમામ બૂરી નજરથી બચાવવાના પ્રતીકરૂપે બ્લુ અને વાઇટ થ્રેડમાંથી બનેલી ઇવિલ આઇ રાખડીઓ યુવા પેઢીમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. ક્રોશે કે ધાગા આર્ટ સાથે જોડીને બનાવાયેલી આ રાખડીઓ ટ્રેન્ડી અને મૉડર્ન લુક આપે છે. આ ઉપરાંત મેટલ અને મોતીના વર્કમાં પણ ઇવિલ આઇની રાખડીઓનું વેચાણ સૌથી વધુ થઈ રહ્યું છે.
ખરીદતી વખતે શું ધ્યાન રાખવું?
ભાઈ કે ભાભીની સ્કિન સેન્સિટિવ હોય તો મેટલને બદલે ક્રોશે, ફૅબ્રિક કે ઇકો-ફ્રેન્ડ્લી રાખડી પસંદ કરવી. બ્રોચ અને હાથફૂલ લુંબા ખરીદતી વખતે એના લૉક અને ઍડ્જસ્ટેબલ ચેઇનનું ફિટિંગ ચકાસી લેવું જેથી પહેરવામાં સરળતા રહે. જો ડ્યુઅલ યુઝ બ્રોચ કે ઘડિયાળ રાખડી લેતા હો તો સાથે એની સેફ્ટી પિન કે બૉક્સ સુરક્ષિત રાખવું જેથી તહેવાર પછી પણ એને સાચવી શકાય.
ઇકો-ફ્રેન્ડ્લી અને કલ્ચરલ ટચ
પર્યાવરણ પ્રત્યે જાગરૂક બહેનો માટે ઇકો-ફ્રેન્ડ્લી રાખડીઓ શ્રેષ્ઠ વિકલ્પ બની છે. પ્લાન્ટેબલ રાખડીઓ પેપર કે બાયોડિગ્રેડેબલ મટીરિયલમાં બી ઉમેરીને બનાવવામાં આવે છે. તહેવાર પૂરો થયા પછી આ રાખડીને કૂંડામાં વાવી દેવાથી એમાંથી છોડ ઊગે છે જે પ્રેમના કાયમી યાદગાર પ્રતીક તરીકે સચવાઈ રહે છે. આ ઉપરાંત રાજસ્થાની ટ્રેડિશનલ ગોટા-પત્તી, કુંદન તેમ જ પારદર્શક રેઝિન મટીરિયલમાંથી બનેલી રાખડીઓ પણ પોતાના આકર્ષક ફિનિશિંગને કારણે બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે.
તહેવાર પૂરો થયા પછી રાખડીનું શું કરવું?
પ્લાન્ટેબલ રાખડીને ફેંકવાને બદલે કૂંડામાં માટી નીચે બે ઇંચ ઊંડે દાબીને રોજ થોડું પાણી આપો. થોડા દિવસમાં એમાંથી પ્રેમનું પ્રતીક બનીને છોડ ઊગી નીકળશે. ક્રોશે કે મોતીની રાખડીમાંથી દોરો કાઢીને એને કી-ચેઇન, બુકમાર્ક કે પર્સના લટકણ તરીકે રી-યુઝ કરી શકાય છે. રુદ્રાક્ષ, ઓમ કે ત્રિશૂળવાળી રાખડીઓ જો ખરાબ થઈ જાય તો એને કચરામાં નાખવાને બદલે ઘરમાં કૂંડાની માટીમાં કે વહેતા પાણીમાં પધરાવીને આધ્યાત્મિક આદર જાળવવો.
