ઉનાળામાં વાઇટ કલરનાં કપડાં તો ઑલ્વેઝ ઇન હોય છે જ, પરંતુ એના વિકલ્પરૂપે બટર યલો પસંદ કરી શકાય છે જે માઇલ્ડ, સ્માર્ટ અને રિચ લુક પણ આપે છે
સોનમ કપૂર, આલિયા ભટ્ટ
બૉલીવુડની ફૅશન આઇકન સોનમ કપૂરે મુંબઈની એક ઇવેન્ટમાં ડિઝાઇનર જ્યૉર્જ એસ. દ્વારા બનાવેલો બટર યલો શિફૉન ગાઉન પહેર્યું હતું. આ સાથે તેનું નામ આ ફંક્શનમાં બેસ્ટ આઉટફિટ પહેરીને આવેલી સેલિબ્રિટીઝની યાદીમાં ઉમેરાયું હતું. આ તો થઈ બૉલીવુડની વાત, પણ હાલમાં યોજાયેલા ઑસ્કર સમારંભમાં અનેક આગલી હરોળની સેલિબ્રિટીઝ બટર યલો કલરના પોશાક પહેરીને આવી હતી જેના તરફ અનેક મીડિયાનું ધ્યાન ગયું હતું. એ દર્શાવે છે કે આ વખતે ઉનાળામાં બટર યલો કલર ટ્રેન્ડમાં રહેશે. આ વર્ષે આ રંગ વારંવાર જોવા મળી રહ્યો છે. બટર યલો કલર ઠંડો, શાંત અને પૉઝિટિવ વાઇબ્સ આપનારો છે. એટલે ઉનાળાની સીઝન અત્યારે ફુલ મૂડમાં આવી છે ત્યારે આ નવા અને ટ્રેન્ડી કલરનાં કપડાં પહેરવા પર વિચાર કરી શકાય છે. ખાસ કરીને ૪૦ વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓ માટે આ રંગ બેસ્ટ ગણાઈ રહ્યો છે. સૌથી સારી વાત એ છે કે બટર યલો તમારા મૂડને સુધારવામાં મદદ કરી શકે છે. ફૅશન ક્ષેત્રે કરવામાં આવેલા અભ્યાસો દર્શાવે છે કે પીળો રંગ પહેરવાથી ખુશી થાય છે અને આશાવાદી બની શકાય છે તેથી તમે આ રંગ પહેરીને માત્ર સુંદર દેખાશો જ નહીં, તમને ખૂબ સારું પણ લાગશે.
કલર મૅચ
ADVERTISEMENT
બટર યલો વિવિધ પ્રકારના શેડ્સ અને કલરને પૅરિંગ કરે છે, પછી ભલે ક્લાસિક હોય કે બોલ્ડ કૉન્ટ્રાસ્ટ. સફેદ, બેજ, આઇવરી જેવા ન્યુટ્રલ રંગ સાથે આ કલર એક ફ્રેશ અને મિનિમલિસ્ટિક લુક આપે છે જ્યારે ચૉકલેટ બ્રાઉન, ઑલિવ ગ્રીન, નેવી જેવા ટોન સાથે મૅચ કરવામાં આવે ત્યારે એમાં રિચનેસ ઉમેરાય છે. જ્યારે મરૂન, એમરલ્ડ ગ્રીન, ડીપ પર્પલ જેવા વાઇબ્રન્ટ રિચ ટોન સાથે જોડવામાં આવે છે ત્યારે એ પહેરનારના લુકને કૉન્ફિડન્ટ બનાવે છે. બટર યલો કુરતા સેટ પર ભરતકામવાળા ઑર્ગેન્ઝા દુપટ્ટાને પણ ટ્રાય કરી શકાય છે. પ્રી-ડ્રેપ્ડ એમ્બ્રૉઇડરીવાળી સાડીઓ પર બટર યલો કલરની કોટી સાડીને નવો લુક આપશે. કૉન્ટ્રાસ્ટ માટે પૉપ-કલર્ડ પોટલી અથવા ડાર્ક કલરની હૅન્ડબૅગ્સ યુઝ કરી શકો છો. ફૅશન-ડિઝાઇનર પરિણી ગંગર કહે છે, ‘બટર યલો એવો કલર છે જેની સાથે કોઈ પણ રંગના પોશાકને મૅચ કરી શકાય છે. બસ, તમારે કેવો લુક જોઈએ છે એના આધારે તમારે મૅચિંગ કલર પસંદ કરવાનો રહે છે. તેમ જ એ દરેક સ્કિનટોન ધરાવતી વ્યક્તિને સૂટ થઈ જાય છે. ઊલટાનું ઇન્ડિયન સ્કિનને માટે તો આ કલર એકદમ પર્ફેક્ટ સૂટેબલ છે. આ કલર પેસ્ટલ કલરની ફૅમિલીમાંથી આવે છે અને ગરમીની સીઝનમાં જેટલાં લાઇટ કલરનાં કપડાં પહેરીએ એટલું સારું લાગે છે. ગરમી પણ ઓછી લાગે છે. દર વર્ષે નવો કલર ટ્રેન્ડમાં આવે છે. આ વખતે બટર યલો સમરનો મનપસંદ કલર બનીને ઊભર્યો છે, જે ટ્રાય કરવા જેવો ખરો.’
ઍક્સેસરીઝ
કોઈ પણ પોશાક ઍક્સેસરીઝ વગર અધૂરા લાગે છે, પણ જ્યારે પોશાક અને એના કલરને અનુરૂપ એ પહેરવામાં આવે તો પહેરનારની પર્સનાલિટી જ બદલાઈ જાય છે. બટર યલો સાડી પહેરી હશે તો એની સાથે ઝુમ્મર સ્ટાઇલનાં ઇઅર-રિંગ્સ વધારે સારાં લાગી શકે છે અને શર્ટ પહેર્યું હશે તો લેયર્ડ નેકપીસ બેસ્ટ ઑપ્શન બની શકે છે. ગોલ્ડમાં લાઇટ અને એલિગન્ટ લુક આપતી જ્વેલરી પણ આ કલરના પોશાક પર સારી લાગી શકે છે. આ વિશે વધુ માહિતી આપતાં પરિણી ગંગર કહે છે, ‘આમ જોવા જઈએ તો દરેક પ્રકારની જ્વેલરી આ કલરનાં કપડાં સાથે પર્ફેક્ટ જશે પણ પર્લ, ફ્લોરલ, શેલ્સની જ્વેલરી નિખરીને આવશે. હૅન્ડમેડ જ્વેલરી તો કમાલ જ કરી જશે અને કંઈક હટકે અને ટ્રેન્ડી લુક આપી જશે. હેવી નહીં તો લાઇટ જ્વેલરી પણ આ કપડાંની ઉપર સરસ લાગશે.’

