વર્ષોથી આપણે ઘરની સજાવટમાં શાર્પ એજિસ એટલે કે ચોરસ કે લંબચોરસ સોફા, ટેબલ અને કૅબિનેટ્સ જોતા આવ્યા છીએ. હવે હોમ ડેકોરમાં કર્વી ફર્નિચરનો ટ્રેન્ડ ટોચ પર છે ત્યારે ચાલો જાણીએ કે આ ટ્રેન્ડ કેમ આટલો લોકપ્રિય થઈ રહ્યો છે
સર્ક્યુલર સોફા
ઇન્ટીરિયર ડિઝાઇનમાં કર્વી ફર્નિચરનો ઉપયોગ
તમારા ઘરને નવો લુક આપવા માટે તમે નીચે મુજબના બદલાવ કરી શકો છો:
સ્લીક અને સર્ક્યુલર સોફા : લિવિંગ રૂમમાં જૂના બૉક્સ ટાઇપ સોફાની જગ્યાએ સી-શેપ અથવા કિડની-શેપ સોફા અત્યંત લોકપ્રિય છે. એ માત્ર દેખાવમાં સુંદર નથી, પણ વાતચીત કરવા માટે હૂંફાળું વાતાવરણ બનાવે છે.
રાઉન્ડએજ ટેબલ્સ : સેન્ટર ટેબલ કે ડાઇનિંગ ટેબલ જો ગોળાકાર હોય તો એ રૂમમાં અવરજવરને સરળ બનાવે છે અને વાગવાની બીક રહેતી નથી.
આર્ક આકારના અરીસા અને કૅબિનેટ્સ : લંબચોરસ અરીસાને બદલે આર્ક (કમાન) આકારના અરીસા લિવિંગ રૂમ કે બેડરૂમની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે.
નાનાં ઘરો માટે બેસ્ટ સૉલ્યુશન
ઘણા લોકો માને છે કે કર્વી ફર્નિચર વધુ જગ્યા રોકે છે, પરંતુ હકીકત એ છે કે એ નાનાં ઘરો માટે વરદાન સમાન છે. અણીદાર ખૂણા ન હોવાને કારણે રૂમમાં અવરજવર સરળ બને છે અને જગ્યા ઓછી ગીચ લાગે છે. એ વિઝ્યુઅલ ફ્લોમાં સુધારો કરે છે, જેનાથી નાની રૂમ પણ મોટી અને હવાદાર દેખાય છે.
સાઇકોલૉજી સમજો
માનવનું મગજ કુદરતી રીતે ગોળાકાર આકારો તરફ વધુ આકર્ષાય છે. જ્યારે આપણે કોઈ તીક્ષ્ણ ખૂણો જોઈએ છીએ ત્યારે આપણું મગજ અજાણતાં જ સાવધાની અથવા ઈજાનો સંકેત આપે છે. આનાથી વિપરીત વળાંકો જોવાથી મગજને સંકેત મળે છે કે આસપાસનું વાતાવરણ સુરક્ષિત અને શાંત છે. વળાંકો આપણને કુદરતની યાદ અપાવે છે જેમ કે નદીના પથ્થરો કે ફૂલની પાંખડીઓ જે આપણને અંદરથી આરામ આપે છે. ઘરમાં વળાંકવાળા સોફા કે ડાઇનિંગ ટેબલ હોવાથી રૂમમાં એક પ્રકારની તરલતા અનુભવાય છે જે માનસિક તનાવ ઘટાડવામાં મદદરૂપ થાય છે.
બૅલૅન્સ કરવાની સ્માર્ટ રીતો
માત્ર વળાંકવાળું ફર્નિચર ખરીદવું પૂરતું નથી, એને યોગ્ય રીતે ગોઠવવું એ એક કળા છે. જો બધી જ વસ્તુઓ ગોળ હશે તો રૂમનો આકાર વિખરાયેલો લાગશે. સંતુલન જાળવવા માટે આ સ્ટ્રૅટેજી અપનાવો.
કૉન્ટ્રાસ્ટનો ઉપયોગ : કર્વી સોફા કે ખુરસીની સાથે હંમેશાં લંબચોરસ કૉફી
ટેબલ, ચોરસ ગાલીચા અથવા સીધી રેખાઓવાળી કૅબિનેટ રાખો. શાર્પ અને કર્વી વસ્તુઓનું મિશ્રણ રૂમમાં એક પ્રકારનું સંતુલન લાવશે, જેથી રૂમ આકાર વગરની નહીં લાગે અને દરેક નાની-મોટી વસ્તુ આકર્ષક દેખાશે
ફોકલ પૉઇન્ટ બનાવો : વળાંકવાળી વસ્તુઓને રૂમના મધ્ય ભાગમાં અથવા એવી જગ્યાએ ગોઠવો જ્યાં એ તરત જ નજરે ચડે. દાખલા તરીકે રૂમની વચ્ચે રાખેલું ગોળ ડાઇનિંગ ટેબલ આખી જગ્યાને એક નવો આકાર અને વ્યાખ્યા આપે છે.
સિમેટ્રી જાળવો : વળાંકો નૅચરલ અને ફ્રી હોય છે, પણ એમને ગ્રાઉન્ડેડ કરવા માટે વ્યવસ્થિત ગોઠવણ જરૂરી છે. કર્વી સોફાની બન્ને બાજુએ એકસરખા લૅમ્પ કે ટેબલ મૂકવાથી રૂમમાં એક પ્રકારની શિસ્ત અને વ્યવસ્થા દેખાશે.
લાઇટિંગ સાથે તાલમેલ : તમારા ફર્નિચરના વળાંકોને પૂરક બને એવું લાઇટિંગ પસંદ કરો. આર્ક ફ્લોર લૅમ્પ, ગોળાકાર ઝુમ્મર કે આધુનિક પેન્ડન્ટ લાઇટ્સ ફર્નિચરના આકારો સાથે એક તાલમેલ બનાવશે.
ટેક્સ્ચર અને પ્રપોર્શન્સ : વેલ્વેટ કે બુક્લે જેવાં સૉફ્ટ ફૅબ્રિક્સ વળાંકોની સુંદરતામાં વધારો કરે છે. આ સિવાય ધ્યાન રાખો કે મોટા વળાંકવાળા સોફાની આસપાસ પૂરતી ખાલી જગ્યા હોય જેથી એ રૂમમાં ગીચતા ન કરે પણ શોભી ઊઠે.
