ઘરને ક્લાસી, સુઘડ અને આકર્ષક લુક આપવાનું કામ પડદા કરે છે એટલે પડદાની યોગ્ય પસંદગી તમારા ઘરનું ચિત્ર બદલી શકે છે
પ્રતીકાત્મક તસવીર
આજની ફાસ્ટ-પેસ્ડ લાઇફસ્ટાઇલમાં દિવાળીની તૈયારીઓ માટે વધુ સમય મળતો નથી ત્યારે મૉડર્ન ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં પડદા ઘરના મેકઓવરના હીરો સાબિત થઈ રહ્યા છે. આજે પડદા માત્ર તડકો કે પ્રાઇવસી રોકવા પૂરતા સીમિત નથી. એ ઘરને એક આર્ટિસ્ટિક, સૉફિસ્ટિકેટેડ અને લક્ઝુરિયસ લુક આપનારું મુખ્ય આભૂષણ બની ગયા છે. આ દિવાળીએ કેવા ટ્રેન્ડી અને ટાઇમલેસ ડિઝાઇનના પડદા સ્ટાઇલ કરવા જોઈએ જેથી ઘરની શોભા બમણી થઈ જાય એ વિશે જાણી લો.
બોહો વિન્ડો કર્ટન્સ
આજકાલ ઘરોમાં આર્ટિસ્ટિક અને
ફ્રી-સ્પિરિટેડ બોહો સ્ટાઇલનો ભારે ક્રેઝ છે. ટસલ્સ, લેસ, મૅક્રામી વર્કવાળા અને નૉન-યુનિફૉર્મ ટેક્સ્ચર ધરાવતા બોહો પડદા ઘરને ખૂબ જ એથ્નિક, હૂંફાળો અને આર્ટિસ્ટિક લુક આપવાની સાથે વાઇબ્રન્ટ અને ફેસ્ટિવ વાઇબ્સ પણ આપે છે. દિવાળી પૂરી થયા પછી પણ તમે આવા પડદાને વાપરી શકો છો.
ADVERTISEMENT
શિયર લિનન ફ્લોરલ પ્રિન્ટેડ કર્ટન્સ
નૅચરલ લુક જોઈતો હોય તો લિનન-બેઝ પર ફૂલોની નાની કે મોટી પ્રિન્ટવાળા શિયર પડદા અત્યારે હૉટ ફેવરિટ છે. આ પડદામાંથી જ્યારે સૂર્યપ્રકાશ આવે છે ત્યારે રૂમમાં ખુશનુમા અને ગાર્ડન જેવું તાજગીભર્યું વાતાવરણ ઊભું થાય છે. ઑલિવ ગ્રીન, ટેરાકોટા, બેજ, વુડન બ્રાઉન અને સૉફ્ટ ગ્રે જેવા કુદરતી રંગો ઇન્ટીરિયરમાં મૉડર્ન ટચ આપે છે. પડદા ખરીદતી વખતે ઘરના ફર્નિચર, દીવાલોના કલર અને ફ્લોરિંગના કલરટોનને ધ્યાનમાં રાખીને જ કૉન્ટ્રાસ્ટ કે મૅચિંગ ફૅબ્રિક પસંદ કરવું.
પસંદગી કેવી રીતે કરશો?
બધાના ઘરની બનાવટ અલગ હોય છે ત્યારે નાના કે મોટા ઘર માટે પડદા પસંદ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. નાના કે ઓછી જગ્યા ધરાવતા ઘરમાં લાઇટ કલર્સના શિયર પડદા વાપરવા જોઈએ. એનાથી ઘરમાં ઉજાસ રહે છે અને રૂમ મોટો દેખાય છે.
મોટા હૉલ કે ડુપ્લેક્સ ઘરમાં ડાર્ક કલર અને હેવી ફૅબ્રિક જેમ કે વેલ્વેટ કે જૅકાર્ડના પડદા રૉયલ લુક આપે છે.
પડદાને હંમેશાં છતથી લઈને નીચે જમીન સુધી અડકે એટલી લંબાઈના રાખવા. એનાથી રૂમની ઊંચાઈ વધુ દેખાય છે.
ઓમ્બ્રે શેડેડ કર્ટન્સ
આ ટ્રેન્ડમાં પડદાની ઉપરની લાઇટથી ડાર્ક શેડનું મિક્સ્ચર ધરાવતા ડ્યુલ ટોન અથવા ગ્રેડિયન્ટ ઇફેક્ટ ઘરના ઇન્ટીરિયરમાં યુનિક, મૉડર્ન અને આર્ટિસ્ટિક વાઇબ્સ આપે છે. જો કોઈને સિમ્પલિસિટી પસંદ હોય અને ઘરને યુનિક દેખાડવું હોય તો આવી ડિઝાઇનના પડદા બહુ ટ્રેન્ડમાં છે.
ઑર્ગેનિક બામ્બુ કર્ટન્સ
પર્યાવરણ પ્રત્યેની જાગરૂકતા અને સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલને કારણે હવે બામ્બુ, હેમ્પ અને રીસાઇકલ કરેલા ઑર્ગેનિક ફૅબ્રિક્સમાંથી બનેલા પડદા પણ ખૂબ ટ્રેન્ડમાં છે. એ ઘરમાં નૅચરલ અને અર્થ-ફ્રેન્ડ્લી વાઇબ્સ લાવે છે. ઇકો-ફ્રેન્ડ્લી દિવાળી ઊજવતા લોકો આવા એસ્થેટિક વાઇબ આપતા કર્ટન પ્રિફર કરતા હોય છે.
કયા રૂમમાં કેવા પડદા પસંદ કરવા?
ઘરના દરેક રૂમની જરૂરિયાત અને વાતાવરણ અલગ હોય છે એટલે રૂમ પ્રમાણે પડદાની પસંદગી કરવી જોઈએ. લિવિંગરૂમ એ ઘરનો મુખ્ય ભાગ છે જ્યાં મહેમાનો બેસે છે અને આ રૂમમાં લેયરિંગનો ટ્રેન્ડ સૌથી વધુ ચાલે છે. એમાં અંદરની તરફ વાઇટ કે ઑફ-વાઇટ શિયર પડદા અને બહારની તરફ મૅચિંગ કે કૉન્ટ્રાસ્ટ ડાર્ક કલરના પડદા રખાય છે. દિવસ દરમ્યાન શિયર પડદાથી નૅચરલ લાઇટ આવે છે અને રાત્રે જાડા પડદા બંધ કરીને પ્રાઇવસી મેળવી શકાય છે.
બેડરૂમ આરામ અને પ્રાઇવસીની જગ્યા છે એટલે અહીં બ્લૅકઆઉટ પડદા અથવા વેલ્વેટ કે કૉટન ફૅબ્રિકના પડદા શ્રેષ્ઠ રહે છે, જે બહારના પ્રકાશને રોકે છે. બેડરૂમ માટે પેસ્ટલ શેડ્સ જેમ કે સૉફ્ટ બ્લુ, પિસ્તા ગ્રીન, બેજ કે લૅવન્ડર શાંતિ અને આરામદાયક વાતાવરણ પૂરું પાડે છે.
રસોડામાં વરાળ, તેલ અને ગરમીનું પ્રમાણ વધુ હોય છે એટલે અહીં સામાન્ય લાંબા પડદાને બદલે રોમન બ્લાઇન્ડ્સ અથવા રોલર બ્લાઇન્ડ્સ મટીરિયલના પડદા સારા લાગશે. વૉશેબલ, હળવા અને કૉટન કે સિન્થેટિક મટીરિયલના પડદા પસંદ કરવા, જેથી એને સરળતાથી સાફ કરી શકાય.
