દિવાળી નજીક છે અને ઘરનો કબાટ કપડાંના ડૂચાઓથી ભરાયેલો છે. કપડાં તો સરખી રીતે ગોઠવવાં છે અને અમુક જૂનાં કપડાંમાંથી છુટકારો પણ મેળવવો છે, પણ ખબર નથી પડતી શરૂઆત કેમ કરવી.
પ્રતીકાત્મક તસવીર
દિવાળી નજીક છે અને ઘરનો કબાટ કપડાંના ડૂચાઓથી ભરાયેલો છે. કપડાં તો સરખી રીતે ગોઠવવાં છે અને અમુક જૂનાં કપડાંમાંથી છુટકારો પણ મેળવવો છે, પણ ખબર નથી પડતી શરૂઆત કેમ કરવી. જો તમે પણ આ સમસ્યાથી મૂંઝાઈ રહ્યા છો તો ચાલો આજે વૉર્ડરોબને કઈ રીતે ઑર્ગેનાઇઝ અને ડીક્લટર કરવો એ વિશે કેટલીક ટિપ્સ લઈ લઈએ
આપણા બધાના જ ઘરમાં એવું થતું હોય કે કબાટ ખોલતાંની સાથે જ કપડાંનો ઢગલો નીચે પડે. કબાટમાં જૂનાં-નવાં બધાં જ કપડાંના ડૂચા પડ્યા હોય. આટલાંબધાં કપડાં હોવા છતાં આપણે એમ વિચારીએ કે મારી પાસે પહેરવા માટે કંઈ નથી. નવાં કપડાં કબાટમાં આવતાં જાય પણ જૂનાં કપડાં એમાંથી બહાર ફેંકાતાં નથી. ઘણી વાર એવાં કપડાં પણ હોય જેને આપણે વર્ષોથી હાથ લગાવ્યો નથી પણ એમ છતાં એ કબાટમાં જગ્યા રોકીને બેઠાં છે. આપણને એ ફેંકવાનું કે બીજાને આપવાનું મન પણ ન થાય. એમાં ને એમાં કબાટમાં કપડાંનો ઢગલો થતો જાય. આપણે કબાટને સાફ કરવા બેસીએ ત્યારે એનાં એ કપડાંને ફરી ઘડી કરીને એમાં મૂકી દઈએ છીએ. આમાં આપણે કબાટની સાફસફાઈ નહીં, પણ ફકત કપડાંના ઢગલાને સંકેલીને મૂકવાનું કામ કરીએ છીએ. તો ચાલો આ દિવાળી પહેલાં આપણે વૉર્ડરોબને સાફ કરવાની સાચી રીત શીખીએ. કબાટમાં કપડાંને કઈ રીતે ઑર્ગેનાઇઝડ રીતે રાખી શકીએ એ જાણીએ. જે કપડાં નથી જોઈતાં એને ચૅરિટી માટે આપવાનું શીખી જઈએ.
ADVERTISEMENT
આ રીતે નક્કી કરો શું રાખવું
તમે તમારા કબાટનો ઉપયોગ એ કપડાં રાખવા માટે કરો જેનો તમે ઉપયોગ કરવાના છે. જે કપડાં કામમાં નથી આવવાનાં એને પણ કબાટમાં ભરાવી રાખવાથી તમારો કબાટ હંમેશાં કપડાંઓના ડૂચાથી ભરાયેલો જ રહેશે. જે કપડાં તમને ફિટ નથી થતાં એને તમે કબાટની બહાર ફેંકી દો. હું જયારે પાતળી થઈશ ત્યારે પહેરીશ એમ વિચારીને એને કબાટમાં જ રાખી મૂકવાની ભાવના છોડો. એવાં કપડાં જે હજી નવાં જેવાં જ છે, એને તમે હજી એક-બે વાર જ પહેર્યાં છે, લાંબા સમયથી એ કબાટમાં એમનાં એમ જ છે. ભવિષ્યમાં પણ એ પહેરવાની કોઈ ખાસ ઇચ્છા નથી. તો એવાં કપડાંને તમારે ડોનેટ કરી દેવાં જોઈએ. એ કપડાં તમે પૈસા ચૂકવીને લીધાં છે એમ વિચારીને એને કબાટમાં ભરાવી રાખવાનું ટાળવું જોઈએ. તમારે કપડાં ડોનેટ કરીને એમ વિચારવું જોઈએ કે જે કપડાંને તમે ઉપયોગમાં નથી લેતા એ બીજાને કામમાં આવશે.
કપડાં કઈ રીતે ગોઠવવાં?
કબાટમાં બની શકે ત્યાં સુધી વધુમાં વધુ કપડાં હૅન્ગર પર લટકાવીને રાખો. આનાથી બે ફાયદા થાય, એક તો કબાટમાં જગ્યા ઓછી વપરાય અને બીજું, તમને જે જોઈતાં હોય એ કપડાં સરળતાથી મળી જાય. કપડાંનો થપ્પો પડ્યો હોય તો એમાંથી આપણને જોઈતાં હોય એ કપડાં શોધવામાં અને એને થપ્પામાંથી કાઢવામાં બન્નેમાં તકલીફ પડતી હોય છે. એક કપડું લેવા જઈએ ત્યાં એની સાથે બીજાં બે કપડાં પડી જાય. તમારાં ફૉર્મલ અને કૅઝ્યુઅલ બન્ને કપડાંને અલગ-અલગ રાખો. એટલે સવાર-સવારમાં ઑફિસ જતી વખતે તમને તમારાં કપડાં સરળતાથી મળી જાય. એ સિવાય ટૉપ, જીન્સ, ડ્રેસ જેવી વિવિધ કૅટેગરીમાં તમારાં કપડાંને વહેંચીને એને એકસાથે રાખો એટલે કપડાંની પસંદગી કરવામાં સરળતા રહે. કપડાની એવી રીતે ઘડી કરો જેથી એ ઓછામાં ઓછી સ્પેસ રોકે અને એને કપડાંના થપ્પામાંથી સરળતાથી કાઢી શકાય. એવાં કપડાં જે તમે વારંવાર ઉપયોગમાં લો છો એને તમે કબાટમાં એવી જગ્યાએ રાખો જ્યાંથી એ લેવામાં સરળતા પડે. કબાટના ઉપરના ખાનામાં એવી વસ્તુઓ ગોઠવો જેનો ઉપયોગ કોઈક વાર જ કરો છો. જેમ કે ટ્રાવેલ બૅગ જેવી વસ્તુ. વૉર્ડરોબને હંમેશાં સીઝન પ્રમાણે રીઑર્ગેનાઇઝ કરો. ઠંડીની સીઝનમાં શાલ અને સ્વેટર એવી જગ્યાએ રાખો જ્યાંથી તમે એને સરળતાથી લઈ શકો, પણ ઉનાળાની સીઝનમાં એની કોઈ જરૂર હોતી નથી તો એને તમે કબાટના એકદમ ઉપરના ખાને રાખી દો તો પણ ચાલે.