Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > રૉયલ અને ક્લાસી લુક આપશે લિક્વિડ જ્વેલરી

રૉયલ અને ક્લાસી લુક આપશે લિક્વિડ જ્વેલરી

Published : 18 November, 2026 02:40 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જ્વેલરીમાં હવે ટ્રેડિશનલ ડિઝાઇન કરતાં મિનિમલ, બોલ્ડ અને સ્કલ્પ્ચરલ ડિઝાઇનને વધુ પસંદ કરવામાં આવી રહી છે. એમાં લિક્વિડ મેટલ જ્વેલરી ખાસ ધ્યાન ખેંચી રહી છે. એની પ્રવાહીની જેમ વહેતી ડિઝાઇન લુકને મૉડર્ન બનાવે છે

રૉયલ અને ક્લાસી લુક આપશે લિક્વિડ જ્વેલરી

રૉયલ અને ક્લાસી લુક આપશે લિક્વિડ જ્વેલરી


ફૅશનમાં ટ્રેન્ડ બદલાય છે, પણ કેટલીક જ્વેલરી-ડિઝાઇન એવી હોય છે જે માત્ર એક સીઝન પૂરતી મર્યાદિત રહેતી નથી. હાલમાં લિક્વિડ મેટલ જ્વેલરી એવી જ એક ડિઝાઇન તરીકે સામે આવી રહી છે. એમાં મેટલને કટિંગ અને ચોક્કસ જ્યોમેટ્રિક આકાર આપવાને બદલે પીગળેલી ધાતુ જેવી ફ્લુઇડ અને વળાંક ધરાવતું ફિનિશ આપવામાં આવે છે. પરિણામે જ્વેલરીમાં એકસાથે મિનિમલિઝમ અને રૉયલ અપીલ જોવા મળે છે. લિક્વિડ મેટલ જ્વેલરીમાં સામાન્ય રીતે સિલ્વર, ગોલ્ડ, રોઝ ગોલ્ડ અથવા ગોલ્ડ-ટોન મેટલનો ઉપયોગ થાય છે. એની ખાસિયત એની ચમક કરતાં વધુ એની સપાટી અને આકારમાં છે. વળાંકદાર કફ, ઑર્ગેનિક શેપની રિંગ, જાડા હૂપ્સ, ફ્લુઇડ પેન્ડન્ટ્સ અને સ્ટેટમેન્ટ નેકપીસ જેવી ડિઝાઇન્સની જ્વેલરી અત્યારે ટ્રેન્ડમાં છે.

લિક્વિડ મેટલ જ્વેલરી એટલે?



નામ મુજબ લિક્વિડ મેટલ જ્વેલરીમાં ખરેખર પ્રવાહી ધાતુનો ઉપયોગ થતો નથી. અહીં લિક્વિડ શબ્દ જ્વેલરીના દેખાવ માટે વપરાય છે. મેટલને એવી રીતે શેપ આપેલો હોય છે જાણે ધાતુ હમણાં જ પીગળેલી છે અને વહેતા પ્રવાહની જેમ કોઈ આકારમાં સ્થિર થઈ ગઈ છે. ટ્રેડિશનલ જ્વેલરીમાં જોવા મળતી સીધી રેખાઓ, ચોક્કસ જ્યોમેટ્રિક પૅટર્ન અને વધારે ડીટેલિંગની જગ્યાએ આ જ્વેલરીમાં અસમાન વળાંક, મોલ્ડેડ સરફેસ અને સ્મૂધ ફિનિશ જોવા મળે છે. આ કારણે દરેક પીસ થોડો અલગ અને વધુ ઑર્ગેનિક લાગે છે. એની ખાસિયત વર્સેટિલિટી છે. એક જ પ્રકારની જ્વેલરીને વેસ્ટર્ન આઉટફિટ સાથે પહેરી શકાય છે અને સાડી, ઇન્ડો-વેસ્ટર્ન અથવા સૉલિડ કલરના એથનિક આઉટફિટ સાથે પણ સ્ટાઇલ કરી શકાય છે.


આઉટફિટ કેવાં રાખવાં?

આ જ્વેલરી પોતે જ વિઝ્યુઅલ સ્ટેટમેન્ટ બનાવે છે, તેથી આઉટફિટમાં ખૂબ વધારે ડિઝાઇન અથવા એમ્બ્રૉઇડરી ઉમેરવાની જરૂર નથી. સૉલિડ કલરનાં સાડી, સિલ્ક ડ્રેસ, સ્ટ્રક્ચર્ડ બ્લેઝર, મૉનોક્રોમ ડ્રેસ અથવા સરળ ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટ સાથે એ વધુ અસરકારક લાગે છે. રૉયલ લુક માટે મરૂન, એમરલ્ડ, નેવી, બ્લૅક, આઇવરી અને ડીપ બ્રાઉન જેવા રંગો સાથે ગોલ્ડન લિક્વિડ મેટલ જ્વેલરી સારી પસંદગી બની શકે છે. બીજી તરફ વાઇટ, બેજ, ગ્રે અથવા બ્લૅક જેવા ન્યુટ્રલ આઉટફિટ સાથે સિલ્વર જ્વેલરી વધુ કન્ટેમ્પરરી લાગે છે. ખાસ કરીને રિસેપ્શન, કૉકટેલ અથવા સગાઈ જેવા પ્રસંગે ભારે ટ્રેડિશનલ જ્વેલરીના બદલે એક સ્ટેટમેન્ટ લિક્વિડ મેટલ પીસ પસંદ કરી શકાય. આ રીતે એથ્નિક આઉટફિટનો બેઝ જાળવી રાખીને લુકમાં કન્ટેમ્પરરી ટચ ઉમેરી શકાય છે. આ ટ્રેન્ડને માત્ર પાર્ટી અથવા ખાસ પ્રસંગો સુધી મર્યાદિત રાખવાની જરૂર નથી. નાની લિક્વિડ મેટલ રિંગ, પાતળી કફ અથવા મિનિમલ હૂપ્સને શર્ટ, ટ્રાઉઝર, કુરતા અથવા કૅઝ્યુઅલ ડ્રેસ સાથે પહેરી શકાય છે.


કઈ ડિઝાઇન પસંદ કરવી?

સ્ટેટમેન્ટ કફ

મોટો લિક્વિડ મેટલ કફ હાથમાં પહેરવાથી તરત જ સ્ટેટમેન્ટ લુક મળે છે. સાડી, સિલ્ક કુરતા અથવા સ્લીવલેસ બ્લાઉઝ સાથે ગોલ્ડન કે બ્રોન્ઝ ટોનનો કફ ખાસ અસરકારક લાગે છે. જો કફ પહેરવામાં આવે તો હાથમાં અન્ય બંગડીઓ અથવા બ્રેસલેટ ઓછાં રાખવાં, જેથી જ્વેલરીનો શેપ સ્પષ્ટ દેખાય.

બોલ્ડ રિંગ્સ

ઑર્ગેનિક શેપની મોટી રિંગ આ ટ્રેન્ડને અપનાવવાની સૌથી સરળ રીત છે. એક જ સ્ટેટમેન્ટ રિંગ પણ પૂરતી છે. બે કે ત્રણ લિક્વિડ મેટલ રિંગ્સને અલગ-અલગ આંગળીઓમાં પહેરવાથી વધુ ફૅશન-ફૉર્વર્ડ લુક મળે છે.

સ્કલ્પ્ચરલ ઇઅર-રિંગ્સ

હૂપ્સ અથવા ડ્રૉપ ઇઅર-રિંગ્સમાં લિક્વિડ મેટલ ફિનિશ ચહેરા પાસે ફોકલ પૉઇન્ટ બનાવે છે. જો આઉટફિટ સિમ્પલ હોય તો મોટાં ઇઅર-રિંગ્સ પસંદ કરી શકાય. પહેલેથી જ હેવી નેકલાઇન હોય તો નાનાં અથવા મિડિયમ સાઇઝનાં ઇઅર-રિંગ્સ વધુ સંતુલિત લાગશે.

લિક્વિડ મેટલ નેકપીસ

નેકપીસમાં આ ટ્રેન્ડ વધુ લક્ઝુરિયસ લાગે છે. ખાસ કરીને સ્કલ્પ્ચરલ અથવા અસમાન આકારની ડિઝાઇન સાદા નેકલાઇનવાળા ડ્રેસ, ગાઉન અથવા સાડી સાથે પહેરી શકાય. નેકપીસ બોલ્ડ હોય ત્યારે ઇઅર-રિંગ્સ અને અન્ય જ્વેલરીને મિનિમલ રાખવી યોગ્ય છે.

શું પસંદ કરવું?

 ગોલ્ડ ટોન લિક્વિડ મેટલ જ્વેલરી સામાન્ય રીતે વધુ રિચ અને રૉયલ દેખાવ આપે છે. સાડી, સિલ્ક, વેલ્વેટ અને ડીપ ટોનના એથ્નિક આઉટફિટ સાથે ઉપયોગ કરી શકાય.

 સિલ્વર ટોન વધુ કન્ટેમ્પરરી અને કૂલ લુક આપે છે. બ્લૅક, વાઇટ, ગ્રે, ડેનિમ અને મૉનોક્રોમ આઉટફિટ સાથે એ સરળતાથી મૅચ થાય છે.

 જો લુકને વધુ ટ્રેડિશનલ રાખવો હોય તો ગોલ્ડ ટોન અને વધુ મૉડર્ન લુક માટે સિલ્વર અથવા વાઇટ મેટલ પસંદ કરી શકાય.

ઓવર-સ્ટાઇલિંગથી બચવું

લિક્વિડ મેટલ જ્વેલરીની સૌથી મોટી ખાસિયત જ એનો બોલ્ડ શેપ છે. તેથી તેની સાથે એકસાથે બધી જ્વેલરી પહેરવાથી લુક બગડી શકે છે. જો મોટો લિક્વિડ મેટલ નેકપીસ પહેર્યો હોય તો નાના ઇઅર-રિંગ્સ અને કોઈ બીજી જ્વેલરી વગરનો લુક વધુ એલિગન્ટ દેખાશે. લિક્વિડ મેટલ જ્વેલરીમાં દેખાવ જેટલું જ મેટલની ગુણવત્તા અને ફિનિશિંગ મહત્ત્વનું છે. ખરીદી પહેલાં જ્વેલરીનું વજન, મેટલ કોટિંગ, ફિનિશ અને સ્કિન સાથેનો સંપર્ક તપાસવો જોઈએ. સસ્તી ફૅશન-જ્વેલરીમાં કોટિંગ ઝડપથી ઊતરી શકે છે અથવા હલકા મેટલથી ત્વચામાં ઇરિટેશન થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

18 November, 2026 02:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK