એક જ કલરના આઉટફિટમાં અલગ-અલગ ફૅબ્રિક્સનું ફ્યુઝન અત્યારે હાઈ ફૅશન-વર્લ્ડમાં ધૂમ મચાવી રહ્યું છે. સાદા મૉનોક્રોમને સ્ટાઇલિશ અને રિચ લુક આપવા માટે આ ટેક્સ્ચર કૉમ્બિનેશન્સ ટ્રાય કરવા જેવાં છે
પ્રતીકાત્મક તસવીર
હવે ફૅશન માત્ર મોંઘાં કપડાં પહેરવા પૂરતી સીમિત નથી રહી. તમે કપડાંને કેવી રીતે સ્ટાઇલ કરો છો એ મહત્ત્વનું બની ગયું છે. આજકાલ મૉનોક્રોમ આઉટફિટ્સ એટલે કે હેડ-ટુ-ટો એક જ કલરનાં કપડાં પહેરવાનો ક્રેઝ વધી ગયો છે, પણ એક જ કલરનાં પ્લેન કપડાં ક્યારેક બોરિંગ પણ લાગી શકે છે. આ જ કારણ છે કે ફૅશન-વર્લ્ડમાં હવે ટેક્સ્ચર પ્લેનો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, જ્યારે તમે એક જ કલર-ફૅમિલીનાં ટૉપ અને બૉટમ પસંદ કરો, પણ બન્નેનું કાપડ અલગ હોય તો લુકમાં રિચનેસ આવે છે. કાપડના આ જ વિરોધાભાસને ટેક્સ્ચર-પ્લે કહેવાય છે. જો તમે પણ સીઝનમાં લુકને અપગ્રેડ કરવા માગો છો તો આ ટેક્સ્ચર કૉમ્બિનેશન ચોક્કસ ટ્રાય કરવા જેવાં છે.
સિલ્ક અને ડેનિમ
ADVERTISEMENT
ડેનિમ હંમેશાં રફ અને કૅઝ્યુઅલ વાઇબ્સ આપે છે, જ્યારે સિલ્ક અથવા સૅટિન સૉફ્ટ અને રૉયલ લુક આપે છે. આ બન્ને તદ્દન વિરોધી ટેક્સ્ચર જ્યારે એકસાથે મળે છે ત્યારે કમાલનો લુક ક્રીએટ થાય છે. પાઉડર બ્લુ કે ક્લાસિક નેવી બ્લુ કલરમાં સિલ્કનું સૉફ્ટ શર્ટ અથવા ટૉપ પહેરો અને એની સાથે એ જ કલરનું ડેનિમ જીન્સ કે સ્કર્ટ પેર કરો. આ કૉમ્બિનેશન તમને કૅઝ્યુઅલ છતાં ખૂબ જ એલિગન્ટ લુક આપશે.
લેધર અને નીટવેર
મૉન્સૂનમાં લેધર અને ઊનનાં કપડાંનું કૉમ્બિનેશન ક્લાસિક લાગે છે. ઊનનાં કપડાં સૉફ્ટનેસ લાવે છે અને લેધર લુકમાં શાર્પનેસ લાગે છે. બ્લૅક, બર્ગન્ડી કે ઑલિવ ગ્રીન જેવા ડાર્ક શેડ્સમાં સૉફ્ટ નીટેડ સ્વેટર અથવા ક્રૉપ ટૉપ સાથે એ જ કલરનું લેધર પૅન્ટ કે લેધર મિડી સ્કર્ટ મિક્સ ઍન્ડ મૅચ કરો. આ લુક તમારા લુકને અલગ બનાવશે.
કૉટન અને નેટ
લિનન અથવા કૉટન એ એકદમ મૅટ અને નૅચરલ ફૅબ્રિક છે, જ્યારે ઑર્ગન્ઝા કે નેટમાં એક સુંદર શાઇન અને ટ્રાન્સપરન્સી હોય છે. આ બન્નેનું મિશ્રણ લુકને ખૂબ જ મૉડર્ન અને ફેમિનાઇન ટચ આપે છે. આજકાલ પેસ્ટલ કલર્સ જેમ કે મિન્ટ ગ્રીન, લૅવન્ડર કે પીચ કલરમાં કૉટન પૅન્ટ્સ કે પલાઝો સાથે ઑર્ગન્ઝા ફૅબ્રિકનું શિયર શર્ટ કે શ્રગ પહેરવાનો ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે. ડે-આઉટિંગ કે ઑફિસ-ઇવેન્ટ્સ માટે આ એક પર્ફેક્ટ ચૉઇસ છે.
સ્ટાઇલિંગ ટિપ્સ
જો તમે ટૉપ અને બૉટમ બન્ને એક જ ટેક્સ્ચરનાં પહેર્યાં હોય તો તમારી બૅગ અને ફુટવેઅર અલગ ટેક્સ્ચરનાં પસંદ કરો. જેમ કે કૉટનના આઉટફિટ સાથે લેધર બૅગ અથવા સ્વેડ શૂઝ ક્લાસિક લુક આપશે. મૉનોક્રોમ લુક પહેરેલા હોય ત્યારે બ્રાઇટ કે સ્ટેટમેન્ટ જ્વેલરી જેમ કે સિલ્વર ઑક્સિડાઇઝ્ડ કે ગોલ્ડન હૂપ્સ ટ્રાય કરો. એ સિંગલ ટોન લુકને બ્રેક કરીને એને વધુ ગ્રેસફુલ બનાવશે.
તમે જ્યારે કપડાંના કાપડ સાથે પ્રયોગ કરી રહ્યા હો ત્યારે મેકઅપને બને એટલો નૅચરલ, ફ્લૉલેસ રાખવો. લિપસ્ટિકમાં ન્યુડ કે સૉફ્ટ પેસ્ટલ શેડ્સ આ લુક સાથે પર્ફેક્ટ મૅચ થાય છે.
જો તમારું એક ફૅબ્રિક ખૂબ હેવી કે શાઇની જેમ કે લેધર કે ઑર્ગન્ઝા હોય તો બીજા ફૅબ્રિકને એકદમ લાઇટ અને મેટ જેમ કે કૉટન કે નીટવેર રાખો. બન્ને કપડાં હેવી કે લાઉડ હશે તો લુક બગડી શકે છે.
