Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

લેહંગામાં પણ 3Dનો ક્રેઝ

Published : 12 October, 2026 03:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા ઇન્ટરૅક્ટિવ અને મલ્ટિ-લેયર્ડ 360 ‌ડિગ્રી ઘેરાવ બનાવતા ઘાઘરાના કન્સેપ્ટને બહુ પસંદ કરવામાં આવી રહ્યો છે

3D લેહંગાનો તદ્દન નવો કન્સેપ્ટ

3D લેહંગાનો તદ્દન નવો કન્સેપ્ટ


નવરાત્રિમાં ટ્રેડિશનલ આઉટફિટ્સ દર વર્ષે નવા રૂપમાં સામે આવે છે. છેલ્લા કેટલાક સમયથી ચણિયાચોળીમાં ફૅબ્રિક, કલર અને પ્રિન્ટ્સના પ્રયોગો થતા રહ્યા છે; પરંતુ આ વર્ષે ફૅશન-માર્કેટમાં 3D લેહંગાનો તદ્દન નવો કન્સેપ્ટ પ્રવેશ્યો છે. સામાન્ય રીતે પરંપરાગત આરી-ભરત, આભલાં કે એમ્બ્રૉઇડરીવાળાં ચણિયાચોળી જોવા મળતાં હોય છે, પરંતુ થ્રી-ડાયમેન્શન લેહંગા કપડાને એક અલગ ડાઇમેન્શન અને વિઝ્યુઅલ ડેપ્થ આપે છે. ખાસ કરીને ગરબા રમતી વખતે જ્યારે પહેરનાર ગોળ ફરે છે ત્યારે આ લેહંગામાં રહેલી 3D ઇફેક્ટ એને સામાન્ય ફૅશન કરતાં અલગ તારવે છે. સોશ્યલ મીડિયા અને ગરબાનાં ગ્રાઉન્ડ્સ પર આ ટ્રેન્ડ ખૂબ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યો છે.

કન્સેપ્ટ અને મેકૅનિઝમ



3D લેહંગાનો મૂળભૂત વિચાર કપડાં પર વૉલ્યુમ અને મૂવમેન્ટ ઊભાં કરવાનો છે. એમાં માત્ર સપાટ કાપડ પર ડિઝાઇન નથી હોતી, પરંતુ ડિઝાઇનને કાપડની બહાર ઉભારીને મૂકવામાં આવે છે. આ કન્સેપ્ટમાં મુખ્યત્વે બે ટેક્નિક કામ કરે છે. મેકૅનિઝમ અને દોરા-આધારિત ઇન્ટરૅક્ટિવ ડિઝાઇન સૌથી વધુ વાઇરલ થઈ રહેલો પ્રકાર છે. આ પ્રકારના લેહંગામાં એક ખાસ પ્રકારની રિંગ કે હિડન થ્રેડ હોય છે, જેને પહેરનાર પોતાની આંગળી કે હાથ સાથે જોડી શકે છે. જ્યારે આ રિંગ અથવા દોરાને ઉપર તરફ ખેંચવામાં આવે છે ત્યારે લેહંગાનો ઉપલો ભાગ અથવા લેયર ઊંચું થાય છે અને એની નીચેનું ખાસ કટવર્ક ડિઝાઇન, અન્ય કલરટોન કે ડીટેલિંગ બહાર દેખાય છે. આ મેકૅનિઝમ લેહંગાને માત્ર એક આઉટફિટ મટીરિયલ રાખવાને બદલે ઇન્ટરૅક્ટિવ આર્ટમાં ફેરવે છે.


બીજી છે સ્ટ્રક્ચરલ ફ્લોરલ અને લેયરિંગ ટેક્નિક. આમાં કોઈ મેકૅનિઝમ નથી હોતું, પરંતુ કપડાની સિલાઈ અને કટિંગ જ એવી રીતે કરવામાં આવે છે કે એ 3D ઇફેક્ટ આપે. ઑર્ગેન્ઝા, સિલ્ક કે નેટ ફૅબ્રિકનાં બનેલાં ફૂલો, પાંદડાં કે પેટલ્સને કાપડ પર માત્ર એક જગ્યાએથી અટૅચ કરવામાં આવે છે, જેથી એનો બાકીનો ભાગ હવામાં મુક્ત રહે. જ્યારે ગરબા રમતી વખતે હિલચાલ થાય ત્યારે આ 3D એલિમેન્ટ્સ વાસ્તવિક ફૂલોની જેમ મૂવ થાય છે.

કેવા પ્રકાર છે ફેમસ?


મેકૅનિઝમ-બેઝ્ડ ઇન્ટરૅક્ટિવ લેહંગા : હાથમાં પહેરેલી રિંગ કે ખાસ દોરાની મદદથી ચણિયાના લેયર્સને ઉપર-નીચે કરીને ડિઝાઇન બદલી શકાતી હોય એવા લેહંગા.

સ્કલ્પ્ચરલ રફલ્સ અને ટાયર્ડ લેહંગા : કપડાનાં મલ્ટિપલ લેયર્સને ચોક્કસ ઍન્ગલ પર સેટ કરીને રફલ્સ બનાવવામાં આવે છે. આમાં ફ્લેર વધારે મળે છે અને ગરબાના ગ્રાઉન્ડ પર ચક્કર લેતી વખતે એ ખૂબ ડાયનૅમિક લાગે છે.

3D ફ્લોરલ ઍપ્લિકે લેહંગા : નેટ કે ઑર્ગેન્ઝા ફૅબ્રિક પર 3D ફૅબ્રિક ફ્લાવર્સ અને લીવ્સનું ઍપ્લિક-વર્ક કરવામાં આવે છે જે આઉટફિટને રૉયલ ટેક્સ્ચર આપે છે.

3D લેહંગાને ચમકાવવા માટે સ્ટાઈ‌લિંગ ટિપ્સ

3D લેહંગા પોતે જ વિઝ્યુઅલી ભારે અને ધ્યાન ખેંચનારા હોય છે એટલે એની સાથે અન્ય ઍક્સેસરીઝ અને લુકને બૅલૅન્સ કરવાં જરૂરી છે.

જ્વેલરીની પસંદગી : લેહંગાની ડિઝાઇન જ મુખ્ય આકર્ષણ હોવાથી ગળામાં ભારે નેકલેસ પહેરવાનું ટાળવું જોઈએ. એની જગ્યાએ લાંબાં સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ ઝૂમખાં કે ચાંદબાલી અને હાથમાં ટ્રેન્ડી કડાં કે બ્રેસલેટ પહેરવાં જેથી લેહંગાના મેકૅનિઝમ અથવા લેયર્સ પરથી ધ્યાન ન હટે.

હેરસ્ટાઇલ : લેહંગાના ફ્લેર અને વૉલ્યુમ સાથે સુમેળ સાધવા માટે હાઈ પોનીટેઇલ અથવા મેસી ચોટલો અનુકૂળ રહે છે. ખુલ્લા વાળ રાખવાથી લેહંગાનું ટૉપ ડીટેલિંગ છુપાઈ શકે છે.

મેકઅપ : સૉફ્ટ ગ્લોઈ અને ડ્યુઈ મેકઅપ આ પ્રકારના આઉટફિટ સાથે યોગ્ય લાગે છે. આઇ મેકઅપને ન્યુટ્રલ રાખીને લિપસ્ટિક માટે સૉફ્ટ પિન્ક કે ન્યુડ શેડ્સ પસંદ કરવા.

ફુટવેઅર : ગરબા રમતી વખતે સતત મૂવમેન્ટ કરવાની હોવાથી કમ્ફર્ટ સૌથી મહત્ત્વની છે. ફ્લૅટ સોલવાળી સ્ટાઇલિશ કોલ્હાપુરી કે પ્લૅટફૉર્મ હીલ્સ પહેરવી, જેથી જમીન પર સંતુલન જળવાય અને લેહંગાનાં લેયર્સમાં પગ અટકે નહીં.

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK