Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાથ જીએગે, સાથ મરેંગે

સાથ જીએગે, સાથ મરેંગે

Published : 12 October, 2026 07:04 AM | IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

બન્નેના અંતિમ સંસ્કાર એકસાથે કરવામાં આવ્યાઃ પત્નીએ પતિને કહેલું કે તમારા પહેલાં હું જઈશ એટલે  ભાનુબહેનને પહેલાં અગ્નિદાહ આપવામાં આવ્યો

ભાનુબહેન ઉપાધ્યાય,  કિશોર ઉપાધ્યાય.

ભાનુબહેન ઉપાધ્યાય, કિશોર ઉપાધ્યાય.


ઘાટકોપરના દંપતીએ એકમેકને આપેલું આ વચન પાળી બતાવ્યું ઃ ૮૬ વર્ષના કિશોર ઉપાધ્યાયનું શનિવારે માંદગીને કારણે હૉસ્પિટલમાં અવસાન થયું એ પછી રવિવારે તેમનાં સાજાંનરવાં પત્ની ભાનુબહેને પણ દેહ છોડી દીધો ઃ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો ઃ બન્નેના અંતિમ સંસ્કાર એકસાથે કરવામાં આવ્યાઃ પત્નીએ પતિને કહેલું કે તમારા પહેલાં હું જઈશ એટલે  ભાનુબહેનને પહેલાં અગ્નિદાહ આપવામાં આવ્યો

ઘાટકોપરમાં પંતનગરમાં રહેતા ૮૬ વર્ષના કિશોર ઉપાધ્યાય અને ૮૫ વર્ષનાં ભાનુબહેન ઉપાધ્યાયે ૬૦ વર્ષ કરતાં વધુનું સહજીવન વિતાવ્યું હતું અને પહેલેથી જ નક્કી કર્યું હતું કે સાથે સ્વધામ સિધાવીશું. કુદરતની બલિહારી જુઓ કે તેમણે એ જ રીતે આ જગતમાંથી વિદાય લીધી. બીમારીને કારણે કિશોરભાઈએ શનિવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારે શનિવારે સાંજે ભાનુબહેનને જાણ કરી હતી. રવિવારે સવારે તેમનાં સંતાનો પિતા કિશોરભાઈનો મૃતદેહ ઘરે લાવ્યા અને લિવિંગરૂમમાં મૂક્યો ત્યાં જ બેડરૂમમાં ભાનુબહેને મૃત પતિનું મોઢું પણ ન જોયું અને પ્રાણ ત્યાગી દીધા હતા. બન્નેના આ રીતના અવસાનને કારણે પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો હતો. ગઈ કાલે સ્મશાનમાં બાજુ-બાજુમાં ચિતા રાખીને તેમને અંતિમ સંસ્કાર અપાયા ત્યારે હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. 



મૂળ કચ્છ અંજારના મચ્છુ ચતુર્વેદ મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના કિશોર ઉપાધ્યાય વર્ષોથી પંતનગરમાં જ રહ્યા હતા. છેલ્લા સવા વર્ષથી તેઓ સ્વસ્તિક ટિયારામાં રહેતા હતા. પહેલાં LIC એજન્ટનું કામ કરતા કિશોરભાઈએ ત્યાર બાદ લિફ્ટ બનાવતી મોટી-મોટી કંપનીઓને લોખંડના પાર્ટ્‍સ સપ્લાય કરવાનો બિઝનેસ ડેવલપ કર્યો હતો, જ્યારે ભાનુબહેન હાઉસ-વાઇફ હતાં. તેમના મોટા દીકરા હિરેનભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પણ પહેલાં પપ્પા સાથે તેમના બિઝનેસમાં જોડાયો હતો. એ પછી મેં મારી અલગ લુબ્રિકન્ટની લાઇન ડેવલપ કરી હતી. પપ્પા એમ છતાં લાંબો સમય કામ કરતા રહ્યા. એ પછી અમે તેમને કહેતાં તેમણે એ કામ વધાવી લીધું હતું અને ઘણા સમયથી નિવૃત્ત જીવન જ જીવતા હતા. અમે બે ભાઈ અને બે બહેનો છીએ. મારો નાનો ભાઈ અમેરિકામાં છે. થોડા વખતથી પપ્પાને નાની-મોટી તકલીફ રહ્યા કરતી હતી. બુધવારે ૭ ઑક્ટોબરે શ્વાસ લેવામાં તકલીફ થતાં અમે તેમને ઘાટકોપરની હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. બે દિવસ ICUમાં રાખ્યા બાદ શુક્રવારે જનરલ વૉર્ડમાં શિફ્ટ કર્યા હતા. ડૉક્ટરે કહ્યું હતું કે તેમની તબિયત સુધારા પર છે એટલે અમે રવિવારે ડિસ્ચાર્જ લેવાના હતા. જોકે શનિવારે ફરી તેમને ICUમાં શિફ્ટ કર્યા અને ત્યાં જ તેમને મૅસિવ હાર્ટ-અટૅક આવતાં કૉન્શ્યસનેસ ખોઈ દીધી હતી. ડૉક્ટરોએ ઘણા પ્રયાસ કર્યા, CPR આપ્યું પણ તેઓ રિવાઇવ ન થઈ શક્યા અને ૯.૧૫ વાગ્યા પછી ડૉક્ટરે તેમને ડેડ ડિક્લેર કર્યા હતા. જોકે મમ્મીને અમે શનિવારે સાંજે જાણ કરી હતી કે પપ્પા હવે નથી રહ્યા. ત્યારે તે પહેલાં તો અમને વઢ્યાં કે મને કહ્યું કેમ નહીં, અમારું નક્કી હતું સાથે જવાનું; મેં તો એમ જ કહ્યું હતું કે હું જ પહેલી જઈશ, પણ તારા પપ્પા માનતા નહોતા એટલે અમે સાથે જ જવાનું (મરવાનું) નક્કી કર્યું હતું. અમે એ સાંભળીને ચોંકી ઊઠ્યા હતા. અમે મમ્મીને સમજાવી કે આ આપણા હાથની વાત નથી. તેમને સાંત્વન આપીને અમે રાત કાઢી હતી.’


હિરેનભાઈનો પુત્ર અને તેની પત્ની લંડન રહે છે. તેને ઑલરેડી કહી રાખ્યું હતું કે દાદાની તબિયત સારી નથી એટલે શનિવારે સવારે તેને જાણ કરતાં જ તેઓ પહેલી ફ્લાઇટ પકડીને શનિવારે મોડી રાતે જ મુંબઈ આવી ગયાં હતાં. તેઓ દાદીને મળ્યાં, સાંત્વન પણ આપ્યું એમ જણાવતાં હિરેનભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘અમે પપ્પાનો મૃતદેહ એ જ હૉસ્પિટલના મૉર્ગમાં રાખ્યો હતો. રવિવારે સવારે બૉડી ઘરે લાવ્યા. એ વખતે મમ્મી અંદરની રૂમમાં હતાં. તેઓ બહાર આવ્યાં જ નહીં. તેમણે પપ્પાનું મોઢું પણ ન જોયું અને ૭.૪૫ વાગ્યે પ્રાણ ત્યાગી દીધા હતા. અમારા પર તો આ બેવડો આઘાત હતો. આખરે તે બન્નેની ઇચ્છા મુજબ સાથે જ તેમના અંતિમ સંસ્કાર પાર પાડ્યા હતા. સ્મશાનમાં બાજુ-બાજુમાં જ તેમને અગ્નિદાહ આપ્યો હતો. જોકે એમાં મમ્મીનું જે કહેવું હતું કે હું જ પહેલાં જઈશ એને ધ્યાનમાં રાખીને મમ્મીને પહેલાં અગ્નિદાહ આપ્યો હતો.’ 


Whatsapp-channel Whatsapp-channel

12 October, 2026 07:04 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK