બાદશાહે સાબિત કર્યું કે મેન્સ ફૅશનમાં પિન્ક કલર હવે ન્યુ નૉર્મલ થઈ રહ્યો છે
ગુલાબી રંગ હવે કોમળતાનો નહીં, પણ બોલ્ડનેસનો પર્યાય બની રહ્યો છે
થોડા સમય પહેલાં જાણીતા રૅપર બાદશાહે સોશ્યલ મીડિયા પર નવીનકોર પિન્ક કલરની રોલેક્સ વૉચ ફ્લૉન્ટ કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ માત્ર મોંઘી ઘડિયાળનું પ્રદર્શન નથી, પણ બદલાતા ફૅશન-સ્ટેટમેન્ટનો પુરાવો છે. જેન્ડર-ન્યુટ્રલ ફૅશનનો જમાનો છે. બાદશાહ જેવા યુથ આઇકન્સ જ્યારે આવી પસંદગી કરે છે ત્યારે સામાન્ય યુવાનોમાં પણ પ્રયોગો કરવાની હિંમત વધે છે. ગુલાબી રંગ હવે કોમળતાનો નહીં, પણ બોલ્ડનેસનો પર્યાય બની રહ્યો છે.
પિન્ક ઍક્સેસરીઝને કેવી રીતે સ્ટાઇલ કરવી?
ADVERTISEMENT
પુરુષો જ્યારે પિન્ક ઍક્સેસરીઝનો ઉપયોગ કરે છે ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ વધુ ફેમિનાઇન ન લાગે એ રીતે સ્ટાઇલ કરવી બહુ જરૂરી છે. જો પિન્ક કલરને તમારી સ્ટાઇલમાં સામેલ કરવા માગો છો તો આ ટિપ્સ તમને કામમાં આવી શકે છે.
પિન્ક કલરની ઍક્સેસરીઝ જેમ કે ઘડિયાળ, ટાઇ કે પૉકેટ સ્ક્વેર ડાર્ક નેવી બ્લુ, ચારકોલ ગ્રે અથવા ક્લાસિક વાઇટ આઉટફિટ સાથે બહુ મસ્ત લાગે છે. આનાથી ઍક્સેસરીઝ હાઇલાઇટ થાય છે અને લુક વધુ ગ્રેસફુલ બને છે.
જો તમે પહેલી વાર પિન્ક કલરને ટ્રાય કરી રહ્યા હો તો પેસ્ટલ પિન્ક અથવા બેબી પિન્કથી શરૂઆત કરો. બાદશાહની જેમ બોલ્ડ લુક માટે હૉટ પિન્ક કે મજન્ટા પસંદ કરી શકાય, પણ એની સાથે કપડાં એકદમ સિમ્પલ હોવાં જોઈએ.
જો ઘડિયાળ પિન્ક હોય તો હાથમાં અન્ય કોઈ ભપકાદાર વસ્તુ પહેરવાનું ટાળો. મેટલ સ્ટ્રૅપ અથવા રબર સ્ટ્રૅપવાળી પિન્ક વૉચ કૅઝ્યુઅલ અને સેમી ફૉર્મલ બન્ને લુકમાં ચાર્મ ઉમેરે છે.
પિન્ક સ્નીકર્સ પણ હાલમાં ખૂબ ટ્રેન્ડમાં છે. જો તમે જીન્સ અને વાઇટ ટી-શર્ટ પહેર્યું હોય તો પિન્ક સ્નીકર્સ તમારા આખા લુકને કૂલ અને ડિફરન્ટ બનાવી દેશે.


