એક સમયે બુકમાર્કનો ઉપયોગ માત્ર પુસ્તકમાં વાંચેલું પાનું શોધવા માટે કરવામાં આવતો હતો, પરંતુ હવે સમય બદલાયો છે. આજના બુક-લવર્સ માટે બુકમાર્ક પણ તેમની પસંદગી, ક્રીએટિવિટી અને પર્સનલ સ્ટાઇલ દર્શાવવા માટેની ખાસ ઍક્સેસરી બની ગઈ છે
બુકમાર્ક બની ગયું છે સ્ટાઇલ-માર્ક
હાલના સમયમાં લોકો માત્ર પુસ્તકની પસંદગી પર જ નહીં, વાંચવાના અનુભવને વધુ સુંદર બનાવવા પર પણ ધ્યાન આપી રહ્યા છે. એથી જ સામાન્ય પેપર બુકમાર્ક્સની જગ્યાએ હવે ક્રીએટિવ ડિઝાઇન, હૅન્ડમેડ ટચ અને યુનિક મટીરિયલ્સથી બનેલાં બુકમાર્ક્સ પસંદ કરવામાં આવી રહ્યાં છે.
ફ્લાવર રેઝિન બુકમાર્ક્સ : નૅચરલ અને હૅન્ડમેડ ડેકોરનો ટ્રેન્ડ વધતાં પ્રેસ્ડ ફ્લાવર રેઝિન બુકમાર્ક્સ ખૂબ લોકપ્રિય બની રહ્યાં છે. એમાં નાનાં ફૂલો, પાંદડાં અને કુદરતી તત્ત્વોને પારદર્શક રેઝિનમાં સાચવીને સુંદર બુકમાર્ક તૈયાર કરવામાં આવે છે. દરેક બુકમાર્કની ડિઝાઇન અલગ હોય છે જેને કારણે એ એક યુનિક પીસ બની જાય છે.
ઍક્રિલિક અને ટ્રાન્સપરન્ટ બુકમાર્ક્સ:
ADVERTISEMENT
મિનિમલ અને મૉડર્ન ડિઝાઇન પસંદ કરતા લોકોમાં ઍક્રિલિક બુકમાર્ક્સની ડિમાન્ડ વધી રહી છે. પારદર્શક બેઝ પર બનેલાં નાનાં ઇલસ્ટ્રેશન, ક્વૉટ્સ, ઍબ્સ્ટ્રૅક્ટ પૅટર્ન અથવા કલરફુલ પ્રિન્ટ એને સ્ટાઇલિશ લુક આપે છે. આ પ્રકારનાં બુકમાર્ક્સ હળવાં, ટકાઉ અને સરળતાથી કૅરી કરી શકાય એવાં હોય છે.
મૅગ્નેટિક બુકમાર્ક્સ :
ઉપયોગિતા અને સ્ટાઇલ બન્નેને ધ્યાનમાં રાખીને મૅગ્નેટિક બુકમાર્ક્સ પણ પસંદ કરવામાં આવી રહ્યાં છે. આ બુકમાર્ક્સ પુસ્તકના પાનાને સારી રીતે પકડી રાખે છે અને વાંચતી વખતે સરળતાથી સરકતાં નથી. એમાં કાર્ટૂન, ઍનિમલ, ફ્લોરલ અને બુક થીમવાળી ડિઝાઇન ખાસ લોકપ્રિય છે.
બુકિશ બુકમાર્ક્સ :
પુસ્તકોને પ્રેમ કરનારા લોકોમાં બુકિશ ડિઝાઇનવાળાં બુકમાર્ક્સનો ક્રેઝ પણ વધી રહ્યો છે. લાઇબ્રેરી, કૉફીનો કપ, જૂનાં પુસ્તકો, વિન્ટેજ પેપર, રીડિંગ કૉર્નર અને ક્વોટ્સવાળી ડિઝાઇન વાચકોને ખાસ પસંદ આવે છે. આવાં બુકમાર્ક્સ વાચકની વાંચન સાથેની લાગણીને
વ્યક્ત કરે છે.
પર્સનલાઇઝ્ડ બુકમાર્ક્સ :
હવે લોકો પોતાના માટે અથવા કોઈ ખાસ વ્યક્તિને ગિફ્ટ આપવા માટે પર્સનલાઇઝ્ડ બુકમાર્ક્સ પસંદ કરી રહ્યા છે. એમાં નામ, ઇનિશ્યલ્સ, મનપસંદ સુવિચાર અથવા ખાસ તારીખ પ્રિન્ટ કરાવી શકાય છે. આ કારણે બુકમાર્ક એક સામાન્ય વસ્તુ નહીં પરંતુ યાદગાર ગિફ્ટ બની જાય છે.
ડિજિટલ યુગમાં પણ પુસ્તકો વાંચવાનો શોખ યથાવત્ છે અને એની સાથે જોડાયેલી નાની-નાની વસ્તુઓ પણ નવા રૂપમાં સામે આવી રહી છે. એસ્થેટિક બુકમાર્ક્સ એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે બુકમાર્ક માત્ર પાનું યાદ રાખવાનું સાધન નથી રહ્યું; વાંચનની સ્ટાઇલ, વ્યક્તિગત પસંદગી અને સર્જનાત્મકતાને વ્યક્ત કરતી એક સુંદર ઍક્સેસરી બની ગયું છે.
મૅક્રેમે અને ક્રોશે બુકમાર્ક્સ :
હૅન્ડમેડ વસ્તુઓ પ્રત્યે વધતા ક્રેઝને કારણે મૅક્રેમે અને ક્રોશિયાથી બનેલાં બુકમાર્ક્સ પણ ટ્રેન્ડમાં છે. રંગીન દોરા, નાની ગાંઠોની ડિઝાઇન અને હાથની કારીગરી એને ખાસ બનાવે છે. આવાં બુકમાર્ક્સમાં પર્સનલ ટચ જોવા મળે છે.
મેટલનો પ્રીમિયમ લુક :
મેટલ બુકમાર્ક્સ ક્લાસિક અને એલિગન્ટ લુક માટે જાણીતાં છે. બ્રાસ, સ્ટેનલેસ સ્ટીલ અથવા ગોલ્ડ ફિનિશવાળાં બુકમાર્ક્સમાં સન, મૂન, સ્ટાર, બટરફ્લાય, બિલાડી અને ફ્લોરલ કટઆઉટ જેવી ડિઝાઇન ખૂબ પસંદ કરવામાં આવે છે. આવાં બુકમાર્ક્સ લાંબા સમય સુધી ટકી રહે છે અને ગિફ્ટ માટે પણ યોગ્ય વિકલ્પ છે.
બો અને રિબન બુકમાર્ક્સ :
ક્યુટ અને ફેમિનિન એસ્થેટિક પસંદ કરતા લોકો માટે બો અને રિબન બુકમાર્ક્સ હાલ ટ્રેન્ડમાં છે. સૅટિન રિબન, લેસ અને પેસ્ટલ કલરના બો સાથે બનેલાં આ બુકમાર્ક્સ પુસ્તકને પણ એક સુંદર ઍક્સેસરી સાથે જોડે છે. ખાસ કરીને રોમૅન્સ, ફિક્શન અને જર્નલિંગ કરનારા લોકોમાં એની લોકપ્રિયતા વધુ જોવા મળે છે.
