રિસૉર્ટવેઅરને રોજિંદી લાઇફમાં કેવી રીતે સ્ટાઇલ કરશો? તે જાણી લો
રિસૉર્ટવેઅર
એક સમય હતો જ્યારે સુતરાઉ કો-ઓર્ડ સેટ, હવામાં લહેરાતો પ્રિન્ટેડ મૅક્સી ડ્રેસ કે કફતાન જોતાં મનમાં એક જ વિચાર આવતો કે આ વ્યક્તિ વેકેશન પર છે. રિસૉર્ટવેઅરને વર્ષમાં માંડ બે અઠવાડિયાં માટે બહાર કાઢવામાં આવતાં અને વેકેશન પૂરું થતાં જ ફરી કબાટના કોઈ ખૂણે મૂકી દેવાતાં. ફૅશનની દુનિયામાં હવે આ રિવાજ બદલાઈ ગયો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં રજાઓનાં કપડાં અને રોજિંદાં કપડાં વચ્ચેની દીવાલ સાવ તૂટી ગઈ છે. જે કપડાં પહેલાં સામાન્ય દિવસો માટે ‘બહુ વધારે પડતાં વેકેશન વાઇબ્સ’વાળાં લાગતાં હતાં એ હવે સોમવારની સવારે ઑફિસમાં કે શુક્રવારે સાંજે ડિનર-ડેટ પર એકદમ નૉર્મલ અને સુપરસ્ટાઇલિશ લાગે છે.
આ ફેરફાર પાછળનું કારણ છે કમ્ફર્ટ. રિસૉર્ટવેઅરનું ફૅબ્રિક એકદમ હળવું હોય છે અને એનું ફિટિંગ ઢીલું-ઢાલું અને આરામદાયક હોય છે જે સ્ટાઇલ બગાડ્યા વગર તમને ગરમીમાં પણ એકદમ કૂલ રાખે છે. કોરોના પછી લોકો વર્ક ફ્રૉમ હોમ કરવા લાગ્યા ત્યારે ફિટિંગવાળાં અને કડક કપડાં પ્રત્યેનો મોહ ઓછો થઈ ગયો. લોકોને એવાં કપડાં જોઈએ છે જે આરામદાયક પણ હોય અને લુક પણ ક્લાસી આપે. બ્રૅન્ડ્સે પણ આ બદલાવ પારખી લીધો. જે બ્રૅન્ડ્સ પહેલાં માત્ર સ્વિમવેઅર કે બીચવેઅર બનાવતી હતી એમણે હવે એવાં આઉટફિટ્સ બનાવવાનું શરૂ કર્યું જેને તમે ગમે ત્યાં પહેરી શકો. ફૂલોની પ્રિન્ટવાળાં ટૂ-પીસ, પહોળા પાયજામાવાળાં લેનિન ટ્રાઉઝર્સ અને બ્રાઇટ કલર્સનાં ઓવરસાઇઝ્ડ શર્ટ્સ હવે માત્ર બીચ પર જ નહીં, ફૅશન-રૅમ્પ પર પણ મુખ્ય આકર્ષણ બની રહ્યાં છે.
ADVERTISEMENT
રિસૉર્ટવેઅરને રોજિંદી લાઇફમાં કેવી રીતે સ્ટાઇલ કરશો?
૧. લેનિન શર્ટને સાદાં કપડાં સાથે મૅચ કરો. તમારા મનપસંદ ઢીલા લેનિન શર્ટને માત્ર શૉર્ટ્સ સાથે જ પહેરવું જરૂરી નથી. એને રોજબરોજના સ્ટ્રેટ લેગ જીન્સ, ફૉર્મલ ટ્રાઉઝર્સ અથવા ડેનિમ શૉર્ટ્સ સાથે ઇન કરીને પહેરો. આ એકદમ ક્લાસી ડે લુક આપશે.
૨. કો-ઓર્ડ સેટને મિક્સ-મૅચ કરીને પહેરો. મૅચિંગ સેટ એકસાથે પહેરવાને બદલે એના બન્ને ભાગને અલગ-અલગ રીતે વાપરો. જેમ કે કો-ઓર્ડ સેટના શર્ટને તમે તમારા રેગ્યુલર જીન્સ સાથે પહેરી શકો છો અથવા એના પાયજામા અને ટ્રાઉઝરને કોઈ સાદા પ્લેન ટૅન્ક ટૉપ સાથે સ્ટાઇલ કરી શકો છો.
૩. કફતાનને જૅકેટ અથવા શ્રગની જેમ લેયર કરો. બીચ પર પહેરાતા હળવા અને પ્રિન્ટેડ કફતાનને તમે સરસ લૉન્ગ શ્રગ કે કિમોનો જૅકેટ તરીકે વાપરી શકો છો. એને સાદા ટી-શર્ટ અને ડેનિમ શૉર્ટ્સ, જીન્સની ઉપર અથવા તો કોઈ બૉડીકોન ફિટિંગવાળા પ્લેન ડ્રેસની ઉપર લેયર કરો. આ સ્ટાઇલ તમારા સાદા લુકને પણ એકદમ આર્ટિસ્ટિક અને બોહો-ચિક બનાવી દેશે.
૪. મૅક્સી ડ્રેસ સાથે સ્નીકર્સ પહેરો. તમારા કલરફુલ અને ઘેરાવવાળા વેકેશન મૅક્સી ડ્રેસને રોજિંદા આઉટફિટમાં બદલવા માટે હાઈ-હીલ્સ કે ચંપલને બદલે કૅઝ્યુઅલ વાઇટ સ્નીકર્સ પહેરો. આ નાનકડો બદલાવ તમારા લુકને સહેલાઈથી કૅઝ્યુઅલ અને કૂલ બનાવી દેશે.
૫. ઍક્સેસરીઝ એકદમ સાદી રાખો. જ્યારે તમે રિસૉર્ટવેઅરને બજારમાં કે ઑફિસમાં પહેરીને જતા હો ત્યારે દરિયાકિનારે પહેરાતી મોટી જ્વેલરી, શંખલાં-છીપલાંની માળાઓ કે મોટી હૅટ પહેરવાનું ટાળો. એની જગ્યાએ નાનાં ગોલ્ડન ઇઅર-રિંગ્સ, પાતળી ચેઇન અને ક્લાસિક સનગ્લાસિસનો ઉપયોગ કરો.
