શું પ્રેગ્નન્સીમાં સ્ટાઇલ સાથે સમાધાન કરવું જરૂરી છે? સોનમ કપૂરના આ ત્રણ લુક્સ પ્રેગ્નન્ટ મહિલાઓ માટે એક ગાઇડ સમાન છે, જે સાબિત કરે છે કે તમે માતૃત્વમાં પણ ફૅશન આઇકન બની શકો છો
સોનમ માટે પ્રેગ્નન્સીનાં કપડાં માત્ર ફૅશન નથી પણ પોતાની જાતને વ્યક્ત કરવાની એક રીત છે
લાંબા સમય સુધી પ્રેગ્નન્સી ફૅશનને માત્ર ઢીલાં કપડાં અને સેફ ચૉઇસ સુધી જ સીમિત રાખવામાં આવી હતી, પરંતુ સોનમ કપૂર આહુજા ક્યારેય ફૅશનના જૂના નિયમોમાં બંધાઈ નથી. પોતાની પહેલી પ્રેગ્નન્સીની જેમ જ આ વખતે પણ સોનમ તેના બેબી-બમ્પને છુપાવી નથી રહી, પરંતુ એને સેલિબ્રેટ કરી રહી છે.
સોનમ માટે પ્રેગ્નન્સીનાં કપડાં માત્ર ફૅશન નથી પણ પોતાની જાતને વ્યક્ત કરવાની એક રીત છે. તે જે કંઈ પણ પહેરે છે એની પાછળ એક ખાસ વિચાર હોય છે જે તેની પર્સનલ સ્ટાઇલને વધુ મજબૂત બનાવે છે. સોનમ સાબિત કરી રહી છે કે માતૃત્વના આ તબક્કામાં પણ તમે તમારી સ્ટાઇલ સાથે સમાધાન કર્યા વગર બોલ્ડ અને પાવરફુલ દેખાઈ શકો છો.
ADVERTISEMENT
ધ ગોલ્ડન લુક
સોનમ કપૂર આહુજાએ આ લુક દ્વારા સાબિત કર્યું છે કે મૅટરનિટી ફૅશન માત્ર આરામદાયક જ નહીં, પણ અત્યંત બોલ્ડ અને વૈભવી પણ હોઈ શકે છે. સોનમે ગોલ્ડન ટૉપ અને એની સાથે મૅચિંગ બૉટમ પહેર્યાં હતાં. એની ઉપર એક ખૂબ જ રંગીન લૉન્ગ જૅકેટ લેયર કરવામાં આવ્યું હતું. આ જૅકેટમાં સુંદર જ્યોમેટ્રિક અને ફૂલોની પૅટર્ન, અરીસાનું કામ અને થ્રેડ વર્ક હતું. આ લુકમાં ગોલ્ડ રંગનો ઉપયોગ હોવા છતાં એ ક્યાંય પણ આંખને ખૂંચતો નથી. આ આઉટફિટ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે જે સ્ટ્રક્ચર અને કમ્ફર્ટ બન્નેનું પર્ફેક્ટ સંતુલન જાળવે. સોનમે આની સાથે પરંપરાગત સોનાનાં ઘરેણાં પહેર્યાં હતાં જેમાં એક મોટો નેકલેસ અને એને મૅચિંગ કાનની બુટ્ટી હતી. તેણે વાળને એક નીટ બનમાં બાંધ્યા હતા અને આંખોમાં કાજલ તેમ જ ન્યુટ્રલ લિપસ્ટિક સાથે લુક પૂરો કર્યો હતો.
વેલ્વેટ ડ્રેસ
આ લુક દ્વારા સોનમે બતાવ્યું કે કેવી રીતે એક હેવી ફૅબ્રિકને પણ આધુનિક અને સૉફ્ટ બનાવી શકાય છે. વેલ્વેટ ડ્રેસ હંમેશાં રૉયલ્ટીનું પ્રતીક રહ્યું છે. આ ડ્રેસમાં કોઈ ભરતકામ કે સજાવટ નહોતી, માત્ર વેલ્વેટની પોતાની કુદરતી ચમક અને એનો પર્ફેક્ટ આકાર જ પૂરતો હતો. વેલ્વેટ શરીરના આકારને ખૂબ સુંદર રીતે નિખારે છે. સોનમે તેના બેબી-બમ્પને છુપાવવાને બદલે વેલ્વેટ દ્વારા એને સુંદર રીતે હાઇલાઇટ કર્યો હતો. આ લુકને ક્વાએટ લક્ઝરી કહેવામાં આવે છે જ્યાં દેખાવ ઓછો અને ક્વૉલિટી વધુ હોય છે. વેલ્વેટની ભવ્યતાને મૅચ કરવા માટે સોનમે સ્મોકી આઇઝ અને સ્લિક હેરસ્ટાઇલ રાખી હતી જે તેને એક પાવરફુલ મૉમ-ટુ બી તરીકે રજૂ કરે.
આઇવરી લુક
સોનમ કપૂરનો આ લુક લેસ ઇઝ મોર એટલે કે ઓછામાં વધુની ફિલોસૉફીને રજૂ કરે છે. આ લુકમાં એક સ્ટ્રક્ચર્ડ આઇવરી જૅકેટ અને એની સાથે મૅચિંગ લૉન્ગ સ્કર્ટ હતું. જૅકેટના શાર્પ શૉલ્ડર અને ક્લીન કૉલર એને જ ખૂબ પ્રોફેશનલ છતાં એલિગન્ટ લુક આપતા હતા. આ ડ્રેસમાં ક્યાંય પણ વધુપડતું વર્ક કે ચમક નહોતી. એની સુંદરતા એના કાપડ અને કટિંગમાં હતી. આ લુકે સાબિત કર્યું છે કે માત્ર સફેદ કે આઇવરી રંગ પણ પ્રેગ્નન્સીમાં અત્યંત પ્રભાવશાળી લાગી શકે છે. સોનમે આની સાથે ફ્લૅટ્સ પહેર્યાં છે જે આરામદાયક હોવાની સાથે લુકમાં ચાર ચાંદ લગાવતાં હતાં.


