ઓછી સ્પેસમાં પણ લક્ઝુરિયસ લુક અને મલ્ટિ-પર્પઝ ઉપયોગ આપતા આ મૉડર્ન ફર્નિચરને ઘરના કયા ખૂણામાં અને કેવી રીતે ગોઠવવું એની ગાઇડ આ રહી
વૉલ-માઉન્ટેડ ડાઇનિંગ ટેબલ
મુંબઈ જેવા મેટ્રો સિટીમાં પોતાનું વન BHK ઘર હોવું લક્ઝરી ગણાય છે ત્યારે ઘરની લિમિટેડ સ્પેસનું મૅનેજમેન્ટ કરીને એને મોટું દેખાડવું એ માત્ર ટ્રેન્ડ નથી પણ લાઇફસ્ટાઇલની જરૂરિયાત બની ગયું છે. આજકાલ મૉડર્ન હોમ ડેકોરમાં જે વસ્તુ સૌથી વધુ ઇનથિંગ છે એ છે વૉલ-માઉન્ટેડ ટેબલ. જરૂર હોય ત્યારે એ વપરાશ માટે મોટું ટેબલ બની જાય છે અને કામ પત્યા પછી દીવાલ સાથે ફિટ થઈ જાય છે. જો તમે પણ તમારા ઘર માટે આવું ટેબલ વસાવવાનું વિચારી રહ્યા હો તો એને કઈ રીતે પ્લેસ કરવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું એની ગાઇડ આ રહી.
કૉર્નરનો સ્માર્ટ ઉપયોગ
ADVERTISEMENT
મુંબઈનાં ઘરોમાં અલગથી ડાઇનિંગ એરિયા હોતો નથી. લિવિંગ રૂમમાં સોફાસેટ ગોઠવ્યા પછી બહુ ઓછી જગ્યા બચે છે. આવા સમયે લિવિંગ રૂમની કોઈ એક ખાલી દીવાલ અથવા ખૂણાનો ઉપયોગ વૉલ-માઉન્ટેડ ટેબલ માટે કરી શકાય. આ ટેબલને ઓપન કરીને એક્સ્ટ્રા સીટિંગ એરિયા તરીકે અથવા સ્નૅક્સ સર્વ કરવા વાપરી શકાય. ખાસ કરીને મહેમાન આવે ત્યારે આ ટેબલ ખરેખર બહુ ઉપયોગી સાબિત થાય છે.
કિચન કમ્પૅનિયન
જો તમારું કિચન થોડું લાંબું કે પહોળું હોય તો કિચનની અંદર જ એક નાનકડું વૉલ-માઉન્ટેડ ટેબલ ફિક્સ કરી દેવું એ બેસ્ટ ઑપ્શન છે. પ્લૅટફૉર્મની બિલકુલ સામેની દીવાલ પર અથવા ફ્રિજની બાજુની સ્પેસમાં આ ટેબલ લગાવી શકાય. સવારના ભાગમાં જ્યારે ઑફિસ કે સ્કૂલ જવાની ઉતાવળ હોય ત્યારે ગરમાગરમ નાસ્તો સીધો કિચનમાં જ સર્વ કરી શકાય છે. એને ક્વિક બ્રેકફાસ્ટ કાઉન્ટર અથવા શાકભાજી સમારવા માટે એક્સ્ટ્રા ચૉપિંગ બોર્ડ તરીકે પણ વાપરી શકાય છે.
મલ્ટિપર્પઝ યુઝ
વર્ક ફ્રૉમ હોમના જમાનામાં આ ટેબલ ડબલ રોલ ભજવી શકે છે. જો ઘરમાં ઑફિસવર્ક માટે અલગ જગ્યા ન હોય તો આ બેસ્ટ ઑપ્શન છે. બેડરૂમની વિન્ડો પાસે અથવા લિવિંગ રૂમની એવી દીવાલ જ્યાં લાઇટિંગ સારી આવતી હોય ત્યાં આ ટેબલ ફિટ કરો. સવારે કે બપોરે એ તમારું લૅપટૉપ-ટેબલ અથવા બાળકનું સ્ટડી-ટેબલ બની જશે અને રાત્રે ડિનર ટાઇમે આખી ફૅમિલી ત્યાં સાથે બેસીને જમી શકશે. એક જ જગ્યાનો બે અલગ-અલગ કામ માટે ઉપયોગ થશે. જો તમારા ઘરમાં નાની બાલ્કની કે ફ્રેન્ચ વિન્ડો હોય તો ત્યાં આ ટેબલ ફિક્સ કરીને તમે મૉર્નિંગ ટી કે કૅન્ડલ-લાઇટ ડિનર બહારના વ્યુ સાથે માણી શકો છો.
આટલું ધ્યાનમાં રાખજો
વૉલ-માઉન્ટેડ ટેબલ આખું દીવાલના સપોર્ટ પર ટકેલું હોય છે. તેથી જે દીવાલ પર એ ફિક્સ કરવાનું હોય એ મજબૂત ઈંટ કે સિમેન્ટની દીવાલ હોવી જરૂરી છે.
ટેબલ ફિક્સ કરતાં પહેલાં ઘરમાં રહેલી ખુરસીઓ કે સ્ટૂલની હાઇટ માપી લો. જમતી વખતે પગ કમ્ફર્ટેબલી અંદર રહી શકે એટલી હાઇટ રાખવી જોઈએ.
ટેબલ તો દીવાલમાં બંધ થઈ જશે, પણ ખુરસીઓ જગ્યા રોકશે. એટલે સ્માર્ટ આઇડિયા એ છે કે ટેબલની સાથે ખુરસીઓ પણ ફોલ્ડેબલ ખરીદવી, જેથી ટેબલ બંધ કરો ત્યારે ખુરસીઓ પણ ફોલ્ડ કરીને રાખી શકાય.
