Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > મુંબઈમાં વિચારી પણ ન શકો એવી વરાઇટી જામનગરમાં ઠેર-ઠેર મળે

મુંબઈમાં વિચારી પણ ન શકો એવી વરાઇટી જામનગરમાં ઠેર-ઠેર મળે

13 January, 2022 04:01 PM IST | Mumbai
Sanjay Goradia | sangofeedback@mid-day.com

સાચે જ. રસપાંઉ, લસણિયા જોટા, બ્રેડ કટકા, ખારી મસાલાવાળી ખાઈને પેટ ભર્યા પછી મનમાં સતત અફસોસ હતો કે મુંબઈ આવ્યા પછી આ બધી આઇટમ યાદ કરીને નિસાસા જ નાખવાના છે

મુંબઈમાં વિચારી પણ ન શકો એવી વરાઇટી જામનગરમાં ઠેર-ઠેર મળે

મુંબઈમાં વિચારી પણ ન શકો એવી વરાઇટી જામનગરમાં ઠેર-ઠેર મળે


તમને ખબર જ છે મિત્રો ‘દે તાળી, કોના બાપની દિવાળી’ની ગયા વીક સુધી મારી ગુજરાત ટૂર ચાલતી હતી. આ ગુજરાત ટૂર દરમ્યાન અમદાવાદમાં શો પૂરા કરીને અમે ગયા શો કરવા જામનગર. જામનગરમાં અઢળક નાટ્ય-પ્રવૃત્તિ કરતા મારા મિત્ર વિરલ રાચ્છ અને જય વિઠલાણી સાથે અગાઉથી જ વાત કરી લીધી હતી કે આ વખતે મારે ફૂડ ડ્રાઇવ માટે જામનગરનાં રસપાંઉ અને જોટા ખાવાં છે. વાત આગળ વધારતાં પહેલાં તમને કહી દઉં કે અગાઉ જામનગરનાં આ રસપાંઉ અને જોટાનો રસાસ્વાદ આપણે માણી ચૂક્યા છીએ પણ એ અલગ-અલગ જગ્યાનાં હતાં. એમાં એક જગ્યા થોડી દૂર તો રસપાંઉવાળા જે મહાશય હતા એ તો માત્ર બે જ કલાક વેપાર કરે. કેટલાક વાચક મિત્રોએ આ ફરિયાદ મને કરી હતી એટલે મેં આ વખતે એવું નક્કી રાખ્યું હતું કે એવી જગ્યાએ જવું જ્યાં જઈને આપણો વાચક બિરાદર નિરાશ ન થાય.
ફરમાઈશ મુજબ વિરલ રાચ્છ મને કેશુભાઈ બ્રેડવાળાને ત્યાં લઈ ગયા. કેશુભાઈ ખંભાળિયા ગેટ પાસે વર્ષોથી લારી ચલાવે છે. કેશુભાઈની લારીની વાત કરતાં પહેલાં જામનગરની જ્યૉગ્રાફી સમજાવું. જામનગરના કુલ ત્રણ ગેટ. જ્યારે રાજાશાહી હતી ત્યારે આ ત્રણ ગેટ વચ્ચે જામસાહેબનું રાજ્ય આવી જાય. આ ત્રણ ગેટમાં એક ખંભાળિયા ગેટ, બીજો ત્રણ દરવાજા અને ત્રીજો કાલાવડ ગેટ. હમણાં કહ્યું એમ કેશુભાઈ ખંભાળિયા ગેટની બહાર બેસે છે. 
કેશુભાઈ બ્રેડવાળાની લારી પર ખારી મસાલાવાળી, કટકા બ્રેડ, બી-બટેટા, રસપાંઉ, લસણિયા જોટા એવી વરાઇટી લખી હતી. સૌથી પહેલાં મેં રસપાંઉનો જ ઑર્ડર કર્યો. આ રસપાંઉ એટલે આપણા જે મોટા બટર હોય એને વચ્ચેથી કાપી ગોળના પાણીમાં પલાળે. આ જે ગોળનું પાણી છે એમાં સહેજ આદું-મરચાં અને નામ પૂરતું લાલ મરચું હોય જેથી એ થોડું ગળ્યું પણ લાગે તો એની સહેજ અમસ્તી તીખાશનો અનુભવ પણ ગળાને થાય. કહ્યું એમ, બટર આ ગોળવાળા પાણીમાં ડુબાડી તરત કાઢી લે. બટર હોય એટલે એ પેલું પાણી પ્રમાણમાં સારુંએવું શોષી લે. એક પ્લેટમાં છ બટરના કટકા હોય. એને પ્લેટમાં ગોઠવી એની ઉપર બાફેલા બટાટા, એની ઉપર સહેજ બી એટલે કે મસાલા સિંગ નાખે. મસાલા સિંગને જામનગરમાં કેટલાક બી તો કેટલાક વળી બિયાં કહે. આ મસાલા સિંગ મોટા ભાગની લારીવાળા ઘરે જ બનાવતા હોય છે. બહુ મસ્ત હતાં રસપાંઉ.
રસપાંઉ પછી મેં લસણિયા જોટાનો ઑર્ડર આપ્યો. જોટામાં સાવ નાના કહીએ એવા બ્રેડ હોય. બબ્બે ઇંચના બ્રેડ. આ બ્રેડને વચ્ચેથી ચીરી નાખે અને એની અંદર ફક્ત લસણની ચટણી નાખી તમને આપે. આ લસણની ચટણી એવી તે તીખી હોય કે કાનમાં તમરાં બોલવા માંડે પણ સ્વાદ એનો નંબર વન. સિસકારા એકધારા ચાલુ જ રહે અને તમારે બીજું કંઈક મંગાવવું જ પડે.
મેં પણ એ જ કર્યું અને મંગાવી નવી વરાઇટી ખારી મસાલાવાળી. નામ મુજબ જ એમાં આપણા ખારી બિસ્કિટ હોય. ચાર ખારી બિસ્કિટ ઉપર તીખી-મીઠી ચટણી, લસણની ચટણી, બાફેલા બટાટા અને મસાલા સિંગ. અદ્ભુત કૉમ્બિનેશન છે. 
ખારી બિસ્કિટે તો મારી અંદરનો બકાસુર જગાડી દીધો હતો. મેં તો ઑર્ડર કર્યો બ્રેડ કટકાનો. બ્રેડ કટકામાં બ્રેડના છ કટકા કરી પાણીપૂરીના ફુદીનાવાળા પાણીમાં ડુબાડે અને એની ઉપર પછી બાફેલા બટાટા, તીખી-મીઠી ચટણી અને એની ઉપર પેલાં બી એટલે કે મસાલા સિંગ. સાવ સાચું કહું, આ બ્રેડ કટકા ખાધા પછી મને ખરેખર મુંબઈમાં રહેવાનો અફસોસ થવા માંડ્યો હતો. આ બધું ખાવાનું મુંબઈમાં તો વિચારી પણ ન શકાય. અરે, મુંબઈ શું અમદાવાદ અને સુરત જેવાં શહેરોમાં પણ મળતું નથી. પણ સૌરાષ્ટ્રમાં આ વરાઇટી દિલ ખુશ કરી દે. મારું ચાલે તો સાચે, હું એકાદું ઘર ત્યાં લઈને રાખી દઉં પણ મારું ચાલે તોને? અત્યારે તો આ માળા બેટા કોવિડનું જ ચાલે છે. પણ હા, જો તમારું ચાલે અને તમે જામનગર જાઓ તો ઍડ્રેસ નોંધી લીધું છેને? ખંભાળિયા ગેટ, કેશુભાઈ બ્રેડવાળા. 
ભુલાય નહીં.


Whatsapp-channel Whatsapp-channel

13 January, 2022 04:01 PM IST | Mumbai | Sanjay Goradia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK