બોરીવલી-વેસ્ટમાં શરૂ કરવામાં આવેલા ગોદા મિસળમાં નાશિકનું મટકી મિસળ મળે છે, એ પણ એકદમ તીખી તરી સાથે.
ગોદા મિસળ
નાશિકનું મિસળ સૌથી બેસ્ટ ગણાય છે, કેટલાક લોકો ખાસ આ મિસળ ખાવા માટે નાશિક સુધી પણ જતા હોય છે; પણ હવે અદ્દલ ત્યાંના જેવું જ મિસળ બોરીવલીના ચીકુવાડી વિસ્તારમાં મળવાનું શરૂ થયું છે. એ પણ એવી જ રીતે જે રીતે નાશિકમાં મળે છે. દહીં, પાપડ અને પાંઉ અને ગ્લાસ ભરીને તરી.
મિસળ ચટાકેદાર અને ઝણઝણિત ત્યારે જ બને છે જ્યારે એમાં મટકી અને તરી એ બે વસ્તુ બરાબર પડેલી હોય. બોરીવલીના ચીકુવાડી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા ગોદા મિસળમાં મટકી, ઉપર પૌંઆ અને ગાંઠિયા આવે છે અને પછી ઉપર તરી રેડવામાં આવે છે. હવે આ મિસળ કેમ સ્પેશ્યલ છે એની વાત કરીએ તો મિસળની અંદર મટકી મુંબઈમાં બહુ ઓછી જગ્યાએ મળે છે અને પૌંઆ તો ભાગ્યે જ કોઈ જગ્યાએ પડતા હશે, પરંતુ અહીં દરેક વસ્તુ તમને મિસળમાં મળી આવશે. ગાંઠિયા અને સેવ સ્પેશ્યલ અહીં એવી રીતે બનાવવામાં આવે છે કે જ્યારે મિસળ ઉપર તરી રેડવામાં આવે ત્યારે એ એમાં ઓગળી જતા નથી. બીજું એ કે પાપડ પણ નાશિકના જ ઉપયોગમાં લેવાય છે. એક્સ્ટ્રા પાંઉથી લઈને તરી બધું તમારે એક્સ્ટ્રા પે કરીને લેવું પડશે. બાકી એક પ્લેટ એક જણ માટે પૂરતી રહે છે. ટૂંકમાં કંઈક ઑથેન્ટિક અને તીખું ખાવાની ઇચ્છા થઈ હોય તો આ જગ્યાએ મજા આવશે.
ક્યાં મળશે? : ગોદા મિસળ, ભૂષણ હેરિટેજ, ચીકુવાડી, બોરીવલી-વેસ્ટ. સમય : સવારે ૮થી સાંજે ૪.૩૦ સુધી

