Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઉનાળામાં તમારા રૂટીનમાં આપજો અજમા અને જીરાને ખાસ સ્થાન

ઉનાળામાં તમારા રૂટીનમાં આપજો અજમા અને જીરાને ખાસ સ્થાન

Published : 18 May, 2026 02:11 PM | IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ગરમીના ઉકળાટમાં ગૅસ અને ઍસિડિટીમાં રાહત જોઈતી હોય તો ભોજનમાં અને દવા તરીકે અજમા અને જીરાનો ઉપયોગ કઈ રીતે હિતકારી છે એ જાણી લો

ઉનાળામાં તમારા રૂટીનમાં આપજો અજમા અને જીરાને ખાસ સ્થાન

ઉનાળામાં તમારા રૂટીનમાં આપજો અજમા અને જીરાને ખાસ સ્થાન


આયુર્વેદશાસ્ત્રની સૌથી મોટી ખૂબી એ છે કે એમાં બીમાર ન પડવા માટેના અને જીવનશૈલી મુજબ આહારશૈલી અને ઋતુચર્યાના અદ્ભુત કન્સેપ્ટનું વિગતવાર વર્ણન મળે છે. એટલે જ આયુર્વેદને હંમેશાં ક્યૉરેટિવની સાથે પ્રિવેન્ટિવ સાયન્સ પણ મનાયું છે. અત્યારે ઉનાળો એના સૌથી વધુ રૌદ્ર સ્વરૂપનો અનુભવ કરાવી રહ્યો છે. બળબળતી ગરમીની આડઅસરોથી બચવા શું-શું કરી શકાય એના રસ્તા વિશે લોકો સતત કંઈક નવું જાણવા મથી રહ્યા છે. બહારના વાતાવરણની આપણા શરીરની આંતરિક સ્થિતિ પર પણ નોંધનીય અસર દેખાતી હોય છે અને આહાર, વિહાર અને વિચાર દ્વારા એ અસરને ઓછી પણ કરી શકાય છે. ઉનાળામાં મંદ પડતી પાચનશક્તિ, વધતા પિત્તના પ્રમાણ અને પાણી ઘટી જવાની સમસ્યાને ડામવામાં આપણા કિચનનો હિસ્સો અને આયુર્વેદે પણ જેના ગુણોનાં ગાન કર્યાં છે એવા બે સુપર હીરો અજમો અને જીરાની વાત આજે કરવી છે. કઈ રીતે આ બે ઇન્ગ્રીડીઅન્ટ તમારી પાચનશક્તિને સુધારીને ગરમીમાં તમારા પ્રોટેક્શનનું કામ કરી શકે એ વિશે વિગતવાર વાતો કરીએ. 

શું કામ ખાસ? 
ઉનાળામાં જીરા અને અજમાને કઈ રીતે ડાયટમાં સ્થાન આપવું એ વિશે નિષ્ણાત સાથે વાત શરૂ કરતાં પહેલાં એ જાણી લો કે આયુર્વેદના ગ્રંથોમાં આ બે દ્રવ્ય વિશે શું વાતો કરી છે. સૌથી પહેલાં વાત કરીએ ભાવપ્રકાશ નિઘંટુ નામના ગ્રંથમાં જીરા વિશે કહેવાયેલા શ્ળોક વિશે. સંસ્કૃતમાં જીરક તરીકે ઓળખાતા જીરા માટે શ્ળોક છે કે જીરકત્રિતયં રુક્ષ્મં કટુષ્ણં દીપનં લઘુ | સંગ્રાહિ પિત્તલં મેધ્યં ગર્ભાશય વિશુદ્ધિકૃત || એટલે કે સફેદ, કાળું અને કલોંજી એમ ૩ પ્રકારનું જીરું ગુણની દૃષ્ટિએ રૂક્ષ, સ્વાદમાં તીખું અને પ્રકૃતિમાં ગરમ છે. એ ભૂખ લગાડનાર અને પચવામાં હલકું છે. એ ગ્રહણી એટલે કે ઝાડામાં ફાયદાકારક છે, પિત્ત વધારે છે, બુદ્ધિ વધારે છે અને ગર્ભાશયની શુદ્ધિ કરે છે. એવી જ રીતે આ જ ગ્રંથમાં અજમા એટલે કે સંસ્કૃતમાં યવની માટે એક શ્ળોક છે, ‘યવની પાચની રુચ્યા તીક્ષ્ણોષ્ણા કટુકા લઘુ: | દીપની ચ તથા ગુલ્મવાતશૂલકફાપહા || એટલે કે અજમો પાચન કરનાર, રુચિ ઉત્પન્ન કરનાર, તીક્ષ્ણ, ગરમ, સ્વાદમાં તીખો અને પચવામાં હલકો છે. એ અગ્નિ પ્રદીપ્ત કરે છે અને વાયુના ગોળા થવા અને પેટમાં ચૂંક ઊપડવી જેવી સમસ્યાઓ સાથે વાયુ અને કફના રોગોનો નાશ કરે છે.



ગરમ છતાં જરૂરી કેમ?
ઉપરના શ્ળોક મુજબ તો અજમો અને જીરું બન્ને ઉષ્ણ પ્રકૃતિના છે અને છતાં એમને આપણે ઉનાળામાં ભોજનમાં સેવવા જોઈએ એવું શું કામ? એનો જવાબ આપતાં દાયકાઓથી આયુર્વેદની પ્રૅક્ટિસ કરતા આયુર્વેદાચાર્ય ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘આ પ્રશ્ન તર્કબદ્ધ છે, પરંતુ ગરમ પ્રકૃતિ હોવા છતાં અજમા અને જીરાનું સેવન કરવાની સલાહ અપાય છે એની પાછળ સાયન્સ છે. ઉનાળામાં બહારની ગરમીને હૅન્ડલ કરવા માટે આપણું શરીર પસીના વાટે બૉડીનું ટેમ્પરેચર મેઇન્ટેઇન કરે છે જેનાથી પાચનશક્તિ નબળી પડે છે. જીરું અને અજમો દીપન અને પાચનના ગુણ ધરાવે છે. એ નબળા પડેલા જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે જેથી ખાધેલો ખોરાક સડે નહીં અને ગૅસ કે ઍસિડિટી ન થાય. બીજું, જીરું વીર્યમાં ઉષ્ણ છે પરંતુ એનો પ્રભાવ પિત્તશામક છે. જીરું ખાસ કરીને ઉનાળામાં પિત્તને બૅલૅન્સ કરવાનું કામ કરે છે. બીજી મહત્ત્વની વાત, ઉનાળામાં ખોરાક અને પાણી જલદી દૂષિત થાય છે જેનાથી ઝાડા-ઊલટી કે પેટના ઇન્ફેક્શનનું જોખમ વધે છે. અજમો ઍન્ટિ-બૅક્ટેરિયલ છે. એ ગરમ હોવા છતાં પેટમાં હાનિકારક બૅક્ટેરિયાને વધતા અટકાવે છે. ગરમીમાં લોકો વધુ ઠંડું પાણી પીએ છે અથવા ભારે ખોરાક (જેમ કે કેરી કે મીઠાઈ) લે છે જે વાયુ વધારે છે. અજમો વાયુનાશક છે એટલે એ ગરમ હોવા છતાં પેટ ફૂલવાની સમસ્યા અટકાવે છે. ગરમીમાં આપણે અજમા-જીરાનો ઉપયોગ ‘ગરમી’ આપવા માટે નહીં પણ નબળા પડેલા ‘પાચનતંત્રને સક્રિય’ રાખવા માટે કરીએ છીએ. જો પાચન બરાબર હશે તો જ શરીર ગરમી સામે લડી શકશે. આયુર્વેદમાં દરેક વસ્તુને કેવી રીતે ખાવી, ક્યારે ખાવી, કયા કૉમ્બિનેશનમાં ખાવી એનું પણ વર્ણન છે જેનાથી જે-તે વસ્તુની આડઅસરને અટકાવી શકાય છે.’


કેવી રીતે સેવન કરવું?
જીરા કે અજમાને ગરમીમાં સીધેસીધા ખાવાને બદલે વિશિષ્ટ રીતે એનું સેવન કરવાથી વધુ લાભ થશે. જોકે એ સેવનની રીત પણ વ્યક્તિની પોતાની પ્રકૃતિ અને તેની હેલ્થ-કન્ડિશન મુજબ બદલાશે. ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘જેમ કે જીરાને જો ધાણા સાથે અથવા પલાળીને લેવામાં આવે તો એની ગરમી ઓછી થઈ જાય છે અને એ શરીરમાં ઠંડક પ્રસરાવે છે - ખાસ કરીને પેશાબની બળતરામાં. અડધી ચમચી અજમાને ૧૦૦ મિલીલીટર ગરમ પાણીમાં પલાળી દો અને એમાં એક ચમચી જીરું ઉમેરો. સવારે એને ઉકાળીને ખાલી પેટે પીવાથી એ ગરમ નથી પડતો અને પાચન સુધારે છે તેમ જ લૂ સામે રક્ષણ આપે છે. અજમો તીક્ષ્ણ છે. મીઠું કે ગોળ એની તીક્ષ્ણતાને બૅલૅન્સ કરે છે અને પાચક રસોના સ્રાવને ઝડપી બનાવે છે જેનાથી અજીર્ણમાં તાત્કાલિક ફાયદો થાય છે. સવારે ખાલી પેટે જીરાનું પાણી પીવાથી આખો દિવસ ઍસિડિટીમાં રાહત મળે છે. આપણા પૂર્વજો રસોઈમાં મસાલાનો ઉપયોગ ખૂબ સમજી-વિચારીને કરતા હતા. વાયુ પેદા કરતાં શાકભાજી જેમ કે ગુવાર, વાલોળ, બટાટા કે કઠોળમાં અજમાનો વઘાર અનિવાર્ય છે. 
ભારે ખોરાક જેમ કે ભાખરી કે પૂરી બનાવતી વખતે લોટમાં અજમો ઉમેરવાથી એ ખોરાક પચવામાં હલકો બને છે અને ગૅસ્ટ્રિક સમસ્યાઓ થતી નથી.’

સાવચેતી જરૂરી
અજમો ગરમ હોવાથી પ્રકૃતિ અને ઉંમર મુજબ લેવો. ડૉ. મહેશ સંઘવી કહે છે, ‘અજમો ગરમ હોવાથી એ પિત્ત વધારે છે એટલે ઉનાળામાં એનું સેવન ખૂબ જ મર્યાદિત માત્રામાં કરવું જોઈએ. જો વધારે પડતો ઉપયોગ થાય તો શરીરમાં બળતરા, મોઢામાં ચાંદાં કે ચક્કર જેવી સમસ્યાઓ થઈ શકે છે. પેટમાં અલ્સર હોય કે વધુ પડતી ગરમી હોય તેમણે અજમાનો અતિરેક ટાળવો. વધુ પડતા ઉપયોગથી ચક્કર, માથાનો દુખાવો કે ત્વચાની સમસ્યા થઈ શકે છે.’


તમને ખબર છે?
જર્નલ ઑફ ફૂડ સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ અજમામાં થાઇમોલ નામનું મુખ્ય તત્ત્વ હોય છે જે ઍન્ટિ-બૅક્ટેરિયલ છે. એટલે જ અજમો ઈ કોલી જેવા હાનિકારક બૅક્ટેરિયા સામે લડવામાં અત્યંત અસરકારક છે. સંશોધનો એ પણ દર્શાવે છે કે અજમો ગૅસ્ટ્રિક ઍસિડ અને પાચન માટે જરૂરી એન્ઝાઇમ્સના સ્રાવને ઝડપી બનાવે છે, જેનાથી ખોરાક જલદી પચે છે.
એવી જ રીતે કૉમ્પ્લીમેન્ટરી થેરપીઝ ઇન ક્લિનિકલ પ્રૅક્ટિસમાં છપાયેલા એક રિસર્ચ મુજબ દરરોજ જીરા પાઉડરનું સેવન કરવાથી શરીરમાં મેટાબૉલિક રેટ વધે છે અને ચરબી ઘટાડવામાં મદદ મળે છે. જીરામાં એપિજેનિન અને લ્યુટોલિન જેવાં શક્તિશાળી ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ હોય છે જે શરીરના કોષોને નુકસાન થતું બચાવે છે.

વિવિધ રોગોમાં અજમા અને જીરાનો પ્રયોગ
શરદી-ઉધરસ : અજમાના ધુમાડાનો નાસ લેવાથી કે અજમાનું પાણી પીવાથી કફ દૂર થાય છે અને અસ્થમા કે બ્રૉન્કાઇટિસમાં રાહત મળે છે.
સાંધાનો દુખાવો : અજમાથી સિદ્ધ કરેલું તેલ સાંધાના દુખાવામાં રાહત આપે છે.
વજન ઘટાડવા : મધ અને પાણી સાથે અજમો લેવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.
પેટનો દુખાવો : અજમાને કાળા મીઠા (સંચળ) અથવા ગોળ સાથે લેવાથી પેટના દુખાવામાં ત્વરિત રાહત મળે છે.
રક્ત-પરિભ્રમણ અને હૃદય: અજમો શરીરમાં રક્તના પરિભ્રમણને સુધારે છે અને હાર્ટ-બ્લૉકેજ જેવી સ્થિતિમાં રક્ષણાત્મક ભૂમિકા ભજવે છે.
કૃમિનાશક : અજમાને ગોળ સાથે લેવાથી પેટમાં રહેલા કરમિયાનો નાશ થાય છે.
કૉલેસ્ટરોલ નિયંત્રણ : એ શરીરમાં ખરાબ કૉલેસ્ટરોલ ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.
સ્ત્રીરોગ : જીરું ગાયનેક સમસ્યાઓમાં અત્યંત ફાયદાકારક છે. બહેનોને માસિક ધર્મ વખતે થતા દુખાવામાં અજમો ખૂબ જ આરામ આપે છે.
પથરીનો દુખાવો : પથરીને કારણે થતા અસહ્ય દુખાવામાં પણ અજમો રાહત આપે છે.
હાડકાંની મજબૂતી : જીરાના નિયમિત સેવનથી હાડકાં મજબૂત બને છે.
રોગપ્રતિકારક શક્તિ : જીરું શરીરની ઇમ્યુનિટી વધારવામાં અને શરદી-સળેખમ જેવી તકલીફો સામે લડવામાં મદદ કરે છે.

Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 02:11 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK