ગોરેગામમાં આવેલી જસ્ટ ફૂડ્સ શૉપમાં માત્ર ગરમ નાસ્તા જ નહીં, મીઠાઈની પણ બહુ મોટી રેન્જ છે, સામાના લોટનાં ઢોકળાં, કુટુના લોટનાં ફરાળી ઢોકળાં સહિત અન્ય અનેક વરાઇટીનાં ઢોકળાં મળે છે. મીઠાઈમાં ૩૦થી ૪૦ જાતની વરાઇટી છે.
ઈરાનિયનથી લઈને પીત્ઝા સમોસા સુધીની ડઝનબંધ વરાઇટીના સમોસા
તહેવારોની સીઝન ચાલુ છે અને ઘરમાં મહેમાનોનું આગમન પણ ચાલુ થઈ ગયું છે ત્યારે દર વખતે એક ને એક જ ગરમ નાસ્તા લાવીને સર્વ કરવાને બદલે આ વખતે તેમને કંઈક નવું મૂકવાનું વિચારી રહ્યા હો તો તમને અહીં ઘણી નવી વરાઇટીના ગરમ નાસ્તા મળી જશે. સમોસાથી લઈને ઢોકળાં સુધીની આઇટમમાં અહીં અનેક વરાઇટી મળે છે.
ગોરેગામ-વેસ્ટમાં એસ. વી. રોડ પર આવેલી જસ્ટ ફૂડ્સ લગભગ ૩૦ વર્ષ જૂની શૉપ છે જે એનાં ફરસાણ અને મીઠાઈ માટે જાણીતી છે. આ વિશે જણાવતાં જસ્ટ ફૂડ્સના ઓનર મનોજ શાહ કહે છે, ‘હું પહેલાં ડાયમન્ડ માર્કેટ સાથે જોડાયેલો હતો. પછી ધીરે-ધીરે ફૂડક્ષેત્ર તરફ ખેંચાયો. મને એમાં રસ પડ્યો એટલે ડાયમન્ડ માર્કેટનું કામકાજ ઘટી ગયું. શરૂઆતમાં મારે આ નવા બિઝનેસની અંદર ઘણા અપ્સ ઍન્ડ ડાઉન જોવા પણ પડ્યા હતા, પરંતુ હિંમત હાર્યો નહીં અને આજે ૩૦ વર્ષ બાદ હું મારી શૉપને એક અલગ ઊંચાઈ પર લઈ જઈ શકવા માટે સમર્થ બન્યો છું. અહીં મળતી વાનગીઓની વાત કરું તો ગરમ નાસ્તાથી લઈને મીઠાઈ સુધીની વસ્તુઓમાં અમારી પાસે એટલી બધી વરાઇટી છે કે ભાગ્યે જ કોઈ જગ્યાએ એ તમને મળી શકે. સૌથી પહેલાં તો સમોસાની વાત કરું તો અમારી પાસે ડઝન કરતાં પણ વધુ વરાઇટીના સમોસા છે. એમાં પીત્ઝા સમોસા, પનીર-કૅપ્સિકમ સમોસા, ઈરાનિયન સમોસા (જે હૈદરાબાદના કૅફેમાં ચા સાથે મળે છે, પરંતુ અહીં એ વેજ ઑપ્શનમાં મળે છે), પનીર તંદૂરી સમોસા, પનીર ચિલી સમોસા જેવી યુનિક વરાઇટી અહીં છે. સાઉથ મસાલા ઢોકળાં જે દક્ષિણ ભારતીય સ્વાદ અને મસાલાઓનું ફ્યુઝન ધરાવતી ડિશ છે તેમ જ કાંચીપુરમ ઢોકળાં જે પ્રખ્યાત કાંચીપુરમ ઇડલીનું ઢોકળાં સ્વરૂપ છે એ પણ મળે છે. સામાના લોટનાં ઢોકળાં, કુટુના લોટનાં ફરાળી ઢોકળાં સહિત અન્ય અનેક વરાઇટીનાં ઢોકળાં મળે છે. મીઠાઈમાં ૩૦થી ૪૦ જાતની વરાઇટી છે. અત્યારે લેટેસ્ટમાં 4 in 1 બરફી છે જેમાં કેસર, બિસ્કોફ, હેઝલનટ, કૉફી વગેરે આવે છે.
ક્યાં મળશે? : જસ્ટ ફૂડ્સ, ઉન્નતનગર, એસ. વી રોડ, ગોરેગામ-વેસ્ટ
