° °

આજનું ઇ-પેપર
Thursday, 19 May, 2022


લાજવાબ લીલી હળદર

16 December, 2021 08:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેલકમ ડ્રિન્કથી લઈને ડિઝર્ટ સુધીનું સેવન કોર્સ મીલ આ ફ્રેશ હળદરમાંથી બની શકે છે જેની રેસિપી હોમ શેફ નેહા ઠક્કરે શૅર કરી છે

 હોમ શેફ નેહા ઠક્કર

 હોમ શેફ નેહા ઠક્કર

શિયાળામાં જ મળતું આ હર્બ માત્ર કચુંબરમાં જ વપરાય એવું જો માનતા હો તો ભૂલ છે. વેલકમ ડ્રિન્કથી લઈને ડિઝર્ટ સુધીનું સેવન કોર્સ મીલ આ ફ્રેશ હળદરમાંથી બની શકે છે જેની રેસિપી હોમ શેફ નેહા ઠક્કરે શૅર કરી છે. આખું મીલ એક જ દિવસે ભલે ન બનાવી શકાય, પણ રોજ એકાદ ડિશ ટ્રાય કરશો તો સ્વાદ અને સેહત બન્ને સુધરશે

લીલી હળદરનું શાક

સામગ્રી
૧ વાટકી છીણેલી લીલી હળદર, ૧ વાટકી સમારેલું લીલું લસણ, ૧ વાટકી બાફેલા વટાણા, ૧ વાટકી ઝીણી સમારેલી ડુંગળી, ૧ વાટકી છીણેલું ટમેટું, ૧ વાટકી મોળું દહીં, આદું, મરચાં અને લસણની પેસ્ટ, ૧ વાટકી ઘી, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું
કોથમીર

રીત
સૌપ્રથમ એક પૅનમાં ઘી ઉમેરીને એમાં છીણેલી લીલી હળદર ઉમેરો અને ગૅસની ધીમી આંચ પર શેકી લો. હળદર સારી રીતે શેકાઈ જાય ત્યાર બાદ એમાં આદું-મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
એમાં લીલું લસણ ઉમેરો અને સાંતળી લો. સંતળાઈ જાય ત્યાર બાદ એમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને કુક થવા દો. ડુંગળી સારી રીતે કુક થાય ત્યારે એમાં બાફેલા વટાણા ઉમેરો અને એકાદ મિનિટ માટે થવા દો. 
હવે એમાં એક ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ધાણાજીરું ઉમેરીને મિક્સ કરો. ઘી છૂટું પડે ત્યારે એમાં મોળું દહીં ઉમેરીને મિક્સ કરો અને ઢાંકણ બંધ કરીને કુક થવા દો.
એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ જાય અને ઘી પણ છૂટું પડી ગયું હોય તો ગૅસ બંધ કરો અને ઉપરથી કોથમીર ઉમેરીને સર્વ કરો.

 

લીલી હળદર સ્ક્વૉશ

સામગ્રી 
૫૦ ગ્રામ લીલી હળદર, ૨ આમળાં, ૧ નાનો ટુકડો આદું,૭-૮ તુલસીનાં પાન, ૭-૮ ફુદીનાનાં પાન, અડધી ચમચી લીંબુનો રસ, સ્વાદ પ્રમાણે મીઠું. જરૂર મુજબ પાણી

રીત
સૌપ્રથમ આમળાં, હળદર અને આદુંને સારી રીતે ધોઈ લો અને ઝીણાં સમારી લો. મિક્સરના એક જારમાં આમળાં, હળદર, આદું, તુલસીનાં પાન, ફુદીનાનાં પાન, સ્વાદ પ્રમાણે મીઠું અને એક કપ પાણી ઉમેરીને ક્રશ કરી લો. ક્રશ થઈ જાય એટલે ગાળીને એમાં સ્વાદ પ્રમાણે લીંબુનો રસ ઉમેરીને સર્વ કરો. 

 

લીલી હળદર અને આમળાંનો સૂપ

સામગ્રી
૫૦ ગ્રામ લીલી હળદર, ૧ ગાજર, ૨ ટમેટાં, ૨ આમળાં, ૪-૫ લસણની કળી, ૧/૨ ટુકડો આદું, સ્વાદ પ્રમાણે મીઠું, ૨ ગ્લાસ પાણી, ૧ લીંબુનો રસ

રીત
સૌપ્રથમ ગાજર, આમળાં, ટમેટાં, લસણ, આદું છોલીને ધોઈ નાખવાં. પછી એના નાના ટુકડા કરવા. હવે એક કુકરમાં બે ગ્લાસ પાણી નાખો. એમાં ઉપર જણાવેલાં બધાં શાકભાજી ઉમેરો. એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીને એને બરાબર હલાવો. પછી કુકરનું ઢાંકણ બંધ કરી દો. એક સીટી વગાડીને ગૅસ બંધ કરી દો. હવે આ મિશ્રણને ઠંડું થવા દો. હૅન્ડ-બ્લેન્ડરની મદદથી એને પીસી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. એક વઘારિયામાં એક ચમચી બટર ગરમ કરી એમાં જીરું ઉમેરીને સૂપમાં ઉમેરી દો. લીંબુનો રસ પણ ઉમેરી દો. ગરમ-ગરમ સૂપ કોબી અને લીલી હળદરથી ગાર્નિશ કરીને સર્વ કરો.

 

લીલી હળદરનો હલવો

સામગ્રી
લીલી હળદર ૫૦૦ ગ્રામ, દેશી ગોળ ૫૦૦ ગ્રામ, મખાના ૧૦૦ ગ્રામ, કાજુ ૫૦ ગ્રામ, બદામ ૫૦ ગ્રામ, અખરોટ ૫૦ ગ્રામ, દ્રાક્ષ ૫૦ ગ્રામ, મગજતરીનાં બી ૧/૨ કપ, ગ્રેટેડ કોકોનટ ૧ કપ, ઘી ૧૦૦ ગ્રામ, મરીનો પાઉડર ૧ ચમચી

રીત 
સૌથી પહેલાં એક પૅનમાં ઘી લઈ એમાં બદામ, કાજુ અને દ્રાક્ષ રોસ્ટ કરી લેવા. પછી બાઉલમાં કાઢી એમાં મખાના અને મગજતરીનાં બી રોસ્ટ કરી લેવા.
હળદરને છોલીને પછી છીણી લેવી. હવે પૅનમાં બે ચમચી ઘી લઈ એમાં છીણેલી હળદરને શેકી લેવી. એને બાઉલમાં કાઢી એમાં સમારેલો ગોળ ઉમેરવો અને મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવો. રોસ્ટ કરેલા મખાના અને મગજતરીને ક્રશ કરીને ગોળમાં ઉમેરવાં. પછી કાજુ, બદામ અને અખરોટને ક્રશ કરીને એમાં ઉમેરવાં.
એમાં શેકેલી હળદર અને કોપરાનું છીણ ઉમેરવું. બધું સરખું હલાવીને મિક્સ કરવું. છેલ્લે મરીનો પાઉડર ઉમેરીને સરખું મિક્સ કરી લેવું. હવે ગરમ હલવાને કાજુથી ડેકોરેટ કરીનો સર્વ કરવો.
ટીપ
મરીનો પાઉડર મિક્સ કરવાથી સ્વાદ સાથે પાચનશક્તિ પણ સારી રહે છે.

 

લીલી હળદરની છાશ

સામગ્રી
૨ ચમચી લીલી હળદર, ૧ કપ મોળું દહીં, ૨ કપ પાણી, ૨ ચમચી ફુદીનો, ૧ ચમચી જીરુંનો પાઉડર, ૧/૨ ચમચી સંચળ

રીત
એક બાઉલમાં ઝીણો સમારેલો ફુદીનો નાખો. લીલી હળદરને છીણીને નાખો.
હવે એમાં મોળું દહીં ઉમેરો. પછી જીરું, મરી, સંચળ ઉમેરો. થોડું પાણી ઉમેરીને હાથેથી બ્લેન્ડર ફેરવો. ફરી પાણી ઉમેરીને ગ્રાઇન્ડ કરો. રંગ અને સુગંધ સરસ આવશે. મસ્ત-મસ્ત લીલી હળદરની છાશની મજા માણો.

 

લીલી હળદરની કટલેટ

સામગ્રી
૧ વાટકી લીલી હળદરનું છીણ, 
અડધી વાટકી આમળાંનું છીણ, 
૧ વાટકી સોયા ચન્ક્સ, ૧ વાટકી ફણગાવેલા મગ, ૧ ડુંગળી, ૧ કૅપ્સિકમ, ૧ લીલું મરચું, ૧ લીંબુ, કોથમીર, ૧/૨ વાટકી બ્રેડ ક્રમ્સ, ૨ ચમચી ચોખાનો લોટ, ૧/૨ મરચું, ૧/૪ ચમચી ગરમ મસાલો, ૧/૪ ચમચી હળદર, મીઠુ સ્વાદ અનુસાર, તેલ જરૂર મુજબ

રીત
એક મોટા વાસણમાં એક ગ્લાસ પાણી અને થોડું મીઠું નાખીને ઉકાળો અને પછી એમાં સોયા વડી નાખીને પાંચ મિનિટ થવા દો. હવે સોયા વડીને ચાળણીમાં કાઢી લો. એ ઠંડી થાય એટલે નિચોવીને ગ્રાઇન્ડ કરી લો. પછી મોટા બાઉલમાં લઈ એમાં ફણગાવેલા મગનું મિશ્રણ, લીલી હળદરનું છીણ અને આમળાંનું છીણ, ચોખાનો લોટ, બધા મસાલા, મીઠું, ક્રશ કરેલી ડુંગળી, કૅપ્સિકમ, કોથમીર અને બ્રેડ ક્રમ્સ ઉમેરીને કટલેટ વાળી લો. કટલેટ તમે રાઉન્ડ કે હાર્ટ શેપમાં બનાવી શકો છો. હવે નૉન-સ્ટિક પૅનમાં થોડું તેલ મૂકીને કટલેટને બંને બાજુ શૅલો ફ્રાય કરી લો. એને ચટણી કે સૉસ અથવા ચા કે સૅલડ સાથે ગરમાગરમ સર્વ કરો. 

 

લીલી હળદરનો પુલાવ

સામગ્રી
૨૦૦ ગ્રામ લીલી હળદર, ૫૦ ગ્રામ લીલું લસણ, ૧૦૦ ગ્રામ લીલી ડુંગળી, ૧૦૦ ગ્રામ ઘી, ૫૦ ગ્રામ મરચાં, ૨ કપ કુક કરેલા બાસમતી ચોખા, મીઠું સ્વાદ અનુસાર, ૧૦ કાજુ, જીરું, ૫-૬ તજ, લવિંગ, મરી, તજનાં પાન, ૨ સૂકાં લાલ મરચાં

રીત
સૌપ્રથમ લીલું લસણ, મરચાં, લીલી ડુંગળીને ઝીણાં સમારી લો. લીલી હળદરને છોલીને છીણી લો. એક કડાઈમાં ઘી મૂકી જીરું ઉમેરીને વઘાર કરો. એમાં કાજુ, તજ, લવિંગ, મરી, તજનાં પાન, સૂકાં લાલ મરચાં અને લીલાં મરચાં ઉમેરો. થોડું સંતળાય એટલે એમાં લીલી હળદર ઉમેરો. એને બરાબર સાંતળવું. સંતળાય એટલે એમાં લીલું લસણ અને ડુંગળી ઉમેરો. હવે એમાં કુક કરેલા ભાત અને મીઠું ઉમેરો. એમાં કોથમીર નાખીને મિક્સ કરો. હવે એને માટીની માટલીમાં કાઢીને દહીં સાથે સર્વ કરો.

 

હળદર-ખજૂર-આમળાંના પરાઠા 

સામગ્રી
૧૦૦ ગ્રામ લીલી હળદર, ૧૦ નંગ ખજૂર, પાંચ નંગ આમળાં, બે ચમચી મખાણા પાઉડર, બે ચમચી સિંગદાણાનો પાઉડર, બે ચમચી કોપરાનું છીણ, એક લીલા મરચાંની પેસ્ટ, અડધી ચમચી આમચૂર પાઉડર, એક ચમચી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું
પરાઠાના લોટ માટેની સામગ્રી: એક વાટકો જુવારનો લોટ, એક વાટકો ઘઉંનો લોટ, એક ચમચી અજમો, એક ચમચી તેલ, સ્વાદ પ્રમાણે મીઠું
રીત
સૌપ્રથમ એક બાઉલમાં લોટ, મીઠું, ચિલી ફ્લેક્સ, તેલ ઉમેરીને લોટની કણક બાંધી લેવી. સ્ટફિંગ માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલી હળદરને ક્રશ કરી લેવી. એ પછી આમળાં ક્રશ કરી લેવાં અને પછી ખજૂર પણ ક્રશ કરી લેવું. બધું મિશ્રણ એક બાઉલમાં કાઢી એમાં મખાણાનો પાઉડર, સિંગદાણાનો પાઉડર, કોપરાનું છીણ, આમચૂર, લીલાં મરચાંની પેસ્ટ એમ બધી સામગ્રી મિક્સ કરીને સ્ટફિંગ રેડી કરી લેવું. 
પરાઠાનો લોટ લઈને સ્ટફ્ડ પરાઠાની જેમ જ સ્ટફિંગ ભરીને પરાઠા વણી લો અને મિડિયમ તાપે ઘીમાં શેકી લો. 

16 December, 2021 08:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ફૂડ એન્ડ રેસિપીઝ

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

આજે વાંચો મૅન્ગો શ્રીખંડના ગોલગપ્પા, જાફરાની પરવળ સંદેશ અને ઇડલી પાસ્તાની રેસિપી

18 May, 2022 10:01 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૂડ એન્ડ રેસિપીઝ

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

આજે વાંચો આ ત્રણ રેસિપી

17 May, 2022 10:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફૂડ એન્ડ રેસિપીઝ

રેસિપી કૉન્ટેસ્ટ : મળી લો આજના વિનર્સને....

આજે વાંચો ફાયરી ચેરી-બેરી નૅચરલ ડ્રિન્ક; ગ્રીન ગ્રાસ ઍન્ડ ગ્રેપ્સ કૉકટેલ અને સ્પ્રાઉટેડ બીન્સ વિથ પનીર ત્રિરંગી બરીટોની રેસિપી

16 May, 2022 02:05 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK