મતદારયાદીમાં વધારા-ઘટાડાનો સમય ન હોવાથી જુલાઈ ૨૦૨૫ સુધીની મતદારયાદી જ માન્ય રહેશે
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની આગામી ચૂંટણીમાં પહેલી વાર વોટિંગ કરનારા ૧૮ વર્ષની ઉંમરના યુથ માટે એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. ૨૦૨૪ની પહેલી ઑક્ટોબર સુધીમાં ૧૮ વર્ષ પૂરાં થયાં હોય એવા યુવાનો જ આ ચૂંટણીમાં મતદાન કરી શકશે. ત્યાર બાદ ૧૮ વર્ષ પૂરાં થતાં હોય એવા મતદારો BMCની આગામી ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં. ૨૦૨૪ની પહેલી ઑક્ટોબરની તારીખ મતદારયાદીમાં પહેલી વાર નામ ઉમેરવા માટેની છેલ્લી કટ-ઑફ તારીખ હતી.
શું છે SSR?
દર વર્ષે ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી માટે સ્પેશ્યલ સમરી રિવિઝન (SSR) હાથ ધરવામાં આવે છે. આખા વર્ષ દરમ્યાન મતદારયાદીમાં થયેલા સુધારાવધારાને ધ્યાનમાં લેવા માટે વર્ષના અંતે SSR કરવામાં આવે છે અને એની ફાઇનલ કૉપી પૉલિટિકલ પાર્ટીઓને આપવામાં આવે છે. છેલ્લે ૨૦૨૪ના જુલાઈ મહિનામાં SSR કરવામાં આવ્યું હતું, કારણ કે વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ હતી.
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં આ વર્ષે SSR કેમ ન થયું?
મહારાષ્ટ્રમાં મતદારયાદી માટે ફરી SSR હાથ ધરવામાં આવે એવી રજૂઆત આ વર્ષે જૂન મહિનામાં ચૂંટણીપંચ સમક્ષ કરવામાં આવી હતી, પણ ચાલુ વર્ષે ચૂંટણીપંચ સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવાનું હતું એટલે SSRની કામગીરી થઈ નહોતી. SIRમાં મતદારોની વધુ સઘન તપાસ કરવામાં આવે છે અને રૂબરૂ મળીને પણ ખાતરી કરવામાં આવે છે. જોકે હવે SIR પણ પાછું ઠેલવાયું છે અને SSRની કામગીરી માટે ઓછામાં ઓછા ૩ મહિનાનો સમય જોઈએ. એટલો સમય હવે છે નહીં એટલે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી માટે ૨૦૨૫ની પહેલી જુલાઈ સુધીની મતદારયાદી જ માન્ય રખાશે, જેની છેલ્લી કટ-ઑફ ડેટ ૨૦૨૪ની પહેલી ઑક્ટોબર હતી. એ મુજબ રાજ્યમાં ૯.૮૫ કરોડ મતદારો છે.

