ઇટલીમાં જે વુડફાયર્ડ ઑથેન્ટિક સ્ટાઇલના નીઓપૉલિટન પીત્ઝા મળે છે એને ગુજરાતી કુનિક પારેખ મહાવીરનગરની સ્ટ્રીટ પર લઈ આવ્યો છે
ખાઈપીને જલસા
કુનિક પારેખ
જેમણે વિદેશ જઈને સ્ટ્રીટ પર બનતો વુડફાયર્ડ ઇટાલિયન ઑથેન્ટિક નીઓપૉલિટન પીત્ઝા ટ્રાય કર્યો હશે અથવા જેઓ વિદેશ ગયા નથી પણ ત્યાંની રીલ્સ જોઈ હશે તેમને ખબર હશે કે આ પીત્ઝા કેવી રીતે બને છે અને એ અન્ય પીત્ઝા કરતાં કેવી રીતે અલગ છે. જોકે મુંબઈમાં તો શું ભારતમાં પણ ભાગ્યે જ આવા પ્રકારના પીત્ઝા મળતા હશે. જોકે હવે મુંબઈકરો માટે ગુડ ન્યુઝ છે. કાંદિવલીના મહાવીરનગરમાં ઑથેન્ટિક નીઓપૉલિટન પીત્ઝા મળવાનું શરૂ થયું છે. વુડફાયર્ડ પીત્ઝાની ફીલિંગ કરાવે એવા સ્પેશિયસ મશીનમાં પીત્ઝાને બેક કરવામાં આવે છે.
એક મહિના પહેલાં શરૂ થયેલા ઑથેન્ટિક નીઓપૉલિટન પીત્ઝાના આ સ્ટૉલ પર પીત્ઝાના રોટલાથી લઈને બેકિંગ સુધીનું બધું ઇનહાઉસ રેડી કરવામાં આવે છે અને બીજી ખાસિયત એ છે કે અહીં પીત્ઝા બ્રેડ માટે મેંદાનો નહીં પણ ઘઉંના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. એ સિવાય પણ અહીંના પીત્ઝામાં ઘણી નવીનતા છે, પણ એ જાણતાં પૂર્વે આ પીત્ઝા બનાવતા ભાઈ વિશે થોડું જાણી લઈએ.
ADVERTISEMENT
ગોલ્ડન વેજી પીત્ઝા - 180
‘ક્રસ્ટ ક્લાસિક નીઓપૉલિટન પીત્ઝા’ નામનો આ સ્ટૉલ શરૂ કરનાર એક ગુજરાતી યુવાન છે જેણે હોટેલ મૅનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે. અગાઉ તે રેસ્ટોરાં ધરાવતો હતો, પરંતુ કોવિડ દરમ્યાન તેણે રેસ્ટોરાંનાં શટર પાડી દેવાનો વારો આવ્યો હતો. ચાર વર્ષ દરમ્યાન ઘણું કર્યું અને નવું-નવું શીખ્યો, પણ આખરે જીવ તો શેફનો એટલે ફૂડથી વધુ વખત સુધી દૂર રહેવાયું નહીં અને આખરે આ પીત્ઝાનો વિચાર આવ્યો. કુનિક પારેખ કહે છે, ‘લગભગ ૬ મહિના સુધી અલગ-અલગ ડિશમાં કંઈક ને કંઈક ઇનોવેટિવ કરવાની ટ્રાય કરી. ઘણી વિદેશી ડિશો પર હાથ અજમાવ્યો, પણ મને મજા ન આવી. મેં વિદેશના પ્રવાસ દરમ્યાન ઑથેન્ટિક નીઓપૉલિટન પીત્ઝા બનતો જોયો હતો જેને વુડફાયર્ડ પીત્ઝા કહેવાય છે, એને મેં અહીં થોડો દેશી અને હેલ્ધી અંદાજમાં મૂકવાનો વિચાર કર્યો અને ફાઇનલી એક મહિના પહેલાં જ પીત્ઝા-સ્ટૉલ શરૂ કરવામાં સફળ રહી શક્યો. સૌથી પહેલાં તો હું ઘઉંના લોટમાંથી પીત્ઝા બનાવું છું. આ લોટને ડબલ ઝીરો ફ્લાર (લોટ) કહેવામાં આવે છે જે માત્ર નીઓપૉલિટન પીત્ઝા માટે જ વપરાય છે. સીક્રેટ કહું તો મારા ડોમાં પ્રોટીન પણ ઍડ થાય છે અને થોડું મધ પણ વાપરું છું એટલે પીત્ઝાનો આખો ટેસ્ટ જ બદલાઈ જાય છે. પીત્ઝાનો ડો હું હાથથી ધીરે-ધીરે લૂણીને બાંધું છું. જેમ-જેમ ઑર્ડર આવતા જાય એમ-એમ હું ગ્રાહકની નજર સામે બનાવતો જાઉં છું. પીત્ઝા પર પાથરવામાં આવતા સૉસ પણ હું જાતે જ તૈયાર કરું છું. ટમેટાં પણ લોકલ નહીં, ઇટાલિયન જ વાપરું છું. પ્રૉપર ઑથેન્ટિક નીઓપૉલિટન પીત્ઝા તૈયાર કરવા માટે મેં ખાસ સ્કૉટલૅન્ડથી બેક કરવાનું અવન મગાવ્યું છે જેમાં ચાર મિનિટની અંદર પીત્ઝા રેડી થઈ જાય છે.’
માર્ગરિટા પીત્ઝા - 170
અત્યારે અહીં સાતથી આઠ વરાઇટીના પીત્ઝા મળે છે જેમાં થોડો ઇન્ડિયન ટચ મળે એવું જ મેનુ રાખ્યું છે. માર્ગરિટા, મેરીના, મેક્સિકન, પેરી પેરી પનીર, પોમોદ્રો, વેજી ફીસ્ટ વગેરે. બીજી ખાસ વાત એ છે કે અહીં હાફ પીત્ઝા પણ મળે છે એટલે બે અલગ-અલગ વરાઇટીના હાફ પીત્ઝા પણ ટ્રાય કરી શકાય. બીજું, અહીંની યુનિક અને નવી વાનગી છે પીત્ઝાવિચ અને કૅલસોલ જે ઇટલીમાં ઘણી પ્રચલિત છે. દરેક પીત્ઝા ઘઉંના બનેલા હોવા છતાં એનો ટેસ્ટ નૉર્મલ પીત્ઝા જેવો જ આવે છે.
કાર્સોલ- 150
પીત્ઝાવિચ જેવું યુનિક નામ છે એવી જ યુનિક એને બનાવવાની પદ્ધતિ પણ છે. પીત્ઝાના ડોને અવનમાં બેક કરી લેવામાં આવે છે. પછી એને બહાર કાઢીને વચ્ચેથી કટ વેજિટેબલ્સ, સૉસ વગેરે નાખવામાં આવે છે અને પછી એને ફોલ્ડ કરીને ખાઈ શકાય છે. આવી રીતે બીજી નવી આઇટમ છે કાર્સોલ, જેને સરળ ભાષામાં ક્લોઝ્ડ પીત્ઝા કહી શકો છો. એની અંદર વેજિટેબલ્સ અને અન્ય વસ્તુઓ સ્ટફ કરવામાં આવે છે જેને ગ્રાર્લિક બ્રેડની જેમ ખાઈ શકાય છે.
પીત્ઝાવિચ - 200
ક્યાં મળશે? : ક્રસ્ટ - ક્લાસિક નીઓપૉલિટન પીત્ઝા, બિલ્યન હેર સૅલોંની બહાર, મહાવીરનગર, કાંદિવલી-વેસ્ટ,
સમય : સાંજે ૬ વાગ્યા પછી (સોમવારે બંધ)