ઝવેરીબજારના આ ફેમસ ફૂડ-સ્પૉટની હવે સબર્બમાં એન્ટ્રી થઈ છે
હવે કાંદિવલીમાં પણ જૈન છપ્પન મસાલા
મુંબઈની માર્કેટમાં જે લોકો નિયમિત જતા હશે તેમના માટે જૈન છપ્પન મસાલા નામ નવું નહીં હોય. કેટલાય દાયકાઓથી ઝવેરીબજારમાં જૈન છપ્પન મસાલા નામના ચવાણાનું વેચાણ કરીને તેમણે સારીએવી ઓળખ ઊભી કરી છે. એનું બીજું આઉટલેટ હવે કાંદિવલી-વેસ્ટમાં શરૂ કરવામાં આવ્યું છે.
કાંદિવલી-વેસ્ટમાં પોઇસર વિસ્તારમાં ઝવેરીબજારના પ્રખ્યાત જૈન છપ્પન મસાલાનું બીજું આઉટલેટ શરૂ કરવામાં આવ્યું છે જે એના પ્રખ્યાત જૈન છપ્પન મસાલા ચવાણાને લીધે પ્રખ્યાત છે. આ વિશે વધુ માહિતી આપતાં જૈન છપ્પન મસાલાના કાંદિવલીના આઉટલેટનું સંચાલન કરતા પ્રવીણ ગુપ્તા કહે છે, ‘ઝવેરીબજારમાં જે જૈન છપ્પન મસાલા છે એ મારા ફાધરે શરૂ કર્યું હતું. એને લગભગ ૫૦ કરતાં પણ વધુ વર્ષ થઈ ગયાં હશે. એને મળેલી અપ્રતિમ સફળતા બાદ મેં મારા ભાઈ સાથે મળીને અહીં કાંદિવલીમાં એનું બીજું આઉટલેટ શરૂ કર્યું છે. નામમાં ભલે જૈન આવે છે, પણ અહીં જૈન અને નૉન-જૈન એમ બન્ને આઇટમો મળે છે. માત્ર જે અમારું આઇકૉનિક ચવાણું છે એ જૈન હોય છે. આઇકૉનિક એટલા માટે કે આ ચવાણું બીજે ક્યાંય મળતું નથી. મારા પપ્પાએ આ શરૂ કર્યું હતું જેની અંદર ૫૬ જાતના મસાલા પડે છે જે બધા અમે જ તૈયાર કરીએ છીએ.’
ADVERTISEMENT
અહીંની ફૂડ-આઇટમની વાત કરીએ તો જૈન છપ્પન મસાલા ચવાણું ખૂબ જ ફેમસ છે. એ પ્લેટમાં તો મળે જ છે, સાથે કિલોના વજનમાં પણ મળે છે. એ પછી નંબર આવે છે દાલ પકવાનનો જેનો ચાહકવર્ગ પણ અહીં ખાસ્સોએવો મોટો છે. આ સિવાય પૂડલા સૅન્ડવિચ, જિની ઢોસા વગેરે ફૂડ-આઇટમ્સ પણ અહીં મળે છે.
ક્યાં આવેલું છે? : જૈન છપ્પન મસાલા, પોઇસર જિમખાનાની સામે, કપોળ વિદ્યાનિધિ સ્કૂલની ગલીમાં, કાંદિવલી-વેસ્ટ


