ગિરગામ પર આવેલી નૉશ ઇન્ડિયામાં માત્ર લાઇવ ફ્રૂટ આઇસક્રીમ જ નહીં, યુનિક ડિઝર્ટ અને સૉફ્ટ ડ્રિન્ક્સ પણ મળી રહ્યાં છે. ગરમીની આ સીઝનમાં કંઈક કૂલ-કૂલ અને ન્યુ-ન્યુ ખાવું છે?
ન્યુ ઝીલૅન્ડનો વાઇરલ લાઇવ ફ્રૂટ આઇસક્રીમ હવે મુંબઈમાં
ગરમીની આ સીઝનમાં કંઈક કૂલ-કૂલ અને ન્યુ-ન્યુ ખાવું છે? તો તમારે ગિરગામ સુધી જવું પડશે, કારણ કે ગિરગામમાં આવેલી નોશ ઇન્ડિયા શૉપમાં ન્યુ ઝીલૅન્ડનો પ્રચલિત લાઇવ ફ્રૂટ આઇસક્રીમ મળી રહ્યો છે. એ તમારી નજરની સામે બનાવવામાં આવે છે એટલું જ નહીં આ સિવાય પણ કેટલીક નવી અને યુનિક ડિઝર્ટ આઇટમ અહીં મળે છે.
ગિરગામ ચોપાટીની સામે આવેલી નૉશ ઇન્ડિયાની યુનિક ડિઝર્ટ ડિશ વિશે માહિતી આપતાં એના કો-ઓનર પાર્થિવ છાયા કહે છે, ‘હું ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છું, પણ ફૂડ ક્ષેત્ર પ્રત્યે મને પહેલેથી લગાવ રહ્યો છે. મારે કૅફે શરૂ કરવું હતું. દરેકની જેમ હું પણ ઇન્સ્ટા પર રીલ જોતો હોઉં છું. એક દિવસ મારી નજરની સામે ન્યુ ઝીલૅન્ડનો વાઇરલ લાઇવ આઇસક્રીમનો વિડિયો આવ્યો અને મને એ આઇડિયા ક્લિક થઈ ગયો. મેં વિચાર્યું કે હું પણ આવા લાઇવ આઇસક્રીમને કેમ અહીં રજૂ ન કરું? બસ, પછી મેં થોડું રિસર્ચ કર્યું, એનું મશીન મગાવ્યું અને મારી ફિયૉન્સે હેતલ નંદુની સાથે મળીને ગિરગામના પ્રાઇમ એરિયામાં થોડા મહિના પહેલાં જ આઇસક્રીમની શૉપ શરૂ કરી. રિયલ ફ્રૂટ અને માત્ર બીજી એક-બે સામગ્રી સાથે નજરની સામે બનતો આઇસક્રીમ ખાવાનું લોકોને પસંદ પડ્યું. ત્યાર બાદ મેં બીજી એક આઇટમ લૉન્ચ કરી - કુકી બ્રાઉની આઇસક્રીમ. નામની જેમ આ ત્રણે વસ્તુને લઈને એક ડિઝર્ટ હાલમાં જ રજૂ કર્યું છે જે પણ લોકોને પસંદ પડી રહ્યું છે. આ સિવાય અમે મિની આઇસ પૉપ્સ પણ બનાવીએ છીએ જે એક બાઇટ જેટલી સાઇઝનાં જ આવે છે. અમારી પાસે અલગ-અલગ સૉફ્ટ ડ્રિન્ક્સ પણ છે.’
ક્યાં મળશે? : નૉશ ઇન્ડિયા, ગિરગામ ચોપાટી સીફેસ, ચર્ની રોડ
સમય : બપોરે બે વાગ્યા પછી
