મુરુગન ઇડલીમાં જઈને મેં મેનુમાં નજર કરી. જાતજાતની ઇડલીઓ હતી. મેં સૌથી પહેલાં મગાવી ઘી-પોડી ઇડલી. થોડી વારમાં વેઇટર આવીને ટેબલ પર કેળનું પાન મૂકી ગયો. પછી બીજો વેઇટર આવ્યો. આવીને તેણે એ પાન પર ચાર જાતની ચટણી પીરસી.
સંજય ગોરડિયા
હમણાં મારે ભાગદોડનો ઢગલો થઈ ગયો છે. નવી ફિલ્મ રિલીઝ થઈ એટલે એનું પ્રમોશન તો સાથોસાથ મારી આવનારી ફિલ્મનું ડબિંગ, એના પોસ્ટર માટેનું ફોટોશૂટ, અધૂરામાં પૂરું નવા નાટકનાં શરૂ થયેલાં રિહર્સલ્સ. આ બધા વચ્ચે લટકામાં મારે એક દિવસ માટે જવાનું બન્યું ચેન્નઈ. ચેન્નઈ જતી વખતે મુંબઈ ઍરપોર્ટથી જ મેં નક્કી કરી લીધું હતું કે ત્યાં જઈને મારે મુરુગન ઇડલીમાં અચૂક જવું. મિત્રો, આ જગ્યાનું નામ મેં તમને અગાઉ કહ્યું છે અને હું ત્યાં ગયો પણ છું, પણ તમારા સુધી એનો આસ્વાદ પહોંચાડવાનો બાકી હતો એટલે મને થયું કે ચાલો ચેન્નઈમાં મારી મીટિંગ પણ થઈ જશે ને તમારા માટે ફૂડ-ડ્રાઇવ પણ કરી લેવાશે. ચેન્નઈ ઍરપોર્ટ પર ઊતર્યો અને હોટેલ સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં મેં રસ્તામાં આ મુરુગન ઇડલીનાં અનેક આઉટલેટ જોયાં અને મારી અંદરનો બકાસુર ત્યાં જવા માટે કૂદકા મારવા માંડ્યો, પણ મને મોકો મળ્યો છેક બીજી સવારે.
મુરુગન ઇડલીમાં જઈને મેં મેનુમાં નજર કરી. જાતજાતની ઇડલીઓ હતી. મેં સૌથી પહેલાં મગાવી ઘી-પોડી ઇડલી. થોડી વારમાં વેઇટર આવીને ટેબલ પર કેળનું પાન મૂકી ગયો. પછી બીજો વેઇટર આવ્યો. આવીને તેણે એ પાન પર ચાર જાતની ચટણી પીરસી. એમાં એક કોપરાની વાઇટ ચટણી, બીજી સહેજ રતાશ પડતી ટમેટાની ચટણી, ત્રીજી ચટણી યુનિક હતી. આપણે જે કઢીપત્તાં વાપરીએ છીએ એ કઢીપત્તાંને વાટીને એ ચટણી બનાવવામાં આવી હતી તો ચોથી કોથમીરની ચટણી હતી.
થોડી વાર પછી ત્રીજો વેઇટર આવી એ કેળનાં પાન પર સાંભર પીરસી ગયો. હા, સાંભર. મિત્રો યાદ રાખજો, આપણે સાંભાર બોલીએ છીએ પણ એનો સાચો ઉચ્ચાર સાંભર છે. એવું જ મેદુવડાંનું છે. આપણે એને મેંદુવડાં બોલીએ છીએ. સાંભર પાન પર પિરસાયો એટલે મને થયું કે મર્યા, હવે આ સાંભર ઢોળાશે, પણ ના, એવું ન થયું કારણ કે કેળનું પાન વેઇટરે એવી રીતે ગોઠવ્યું હતું કે પીરસાયેલો સાંભર એની દાંડી પાસે આવીને અટકી જાય. પાનની એ જે દાંડી હોય એ તમારી સાઇડ હોય. મેં સૌથી પહેલાં ચાર ચટણીઓ ટેસ્ટ કરી. ચારેચાર ચટણીનો સ્વાદ એકબીજાથી સાવ જુદો અને બહુ સરસ.
થોડી વાર થઈ ત્યાં ગરમાગરમ ઘી-પોડી ઇડલી આવી. આ પોડી પાઉડરને ગન પાઉડર પણ કહે છે. ઘીના કારણે ઇડલી ચળકતી હતી તો પોડી પાઉડરના કારણે ઇડલીએ ચળકતો ઑરેન્જ કલર પકડી લીધો હતો. તમારે હાથેથી જ ઇડલી ભાંગતા જવાની અને ચટણી-સાંભરમાં બોળી-બોળીને એ ખાતાં જવાની. સાઉથની આ વાત મને સૌથી વધારે ગમે છે. આપણે દેખાડાનું પૂંછડું પકડીને ચમચીનો ઉપયોગ કરીએ પણ સાઉથમાં અબજોપતિ પણ હાથથી જ જમે. હું કહીશ કે જમવાની જે રીત આપણા બાપદાદા કહી ગયા છે એ જ વાપરવી જોઈએ. આપણે ફરીથી વાત કરીએ ઇડલીની. પોડી પાઉડર ઇડલીને કૉમ્પ્લીમેન્ટ કરતો હતો તો ગરમાગરમ ઇડલી પર રેડવામાં આવેલા શુદ્ધ દેશી ઘીની જે ઘટ્ટ ખુશ્બૂ હતી એ તમારી સ્વાદેન્દ્રિયને ઝંકૃત કરવાનું કામ કરતી હતી.
જલસો-જલસો થઈ ગયો અને સાહેબ, આ આખી વરાઇટીનો ભાવ માત્ર ૩૮ રૂપિયા. જો તમે સાદી ઇડલી મગાવો તો એની સાથે પણ ચાર ચટણી-સાંભર આપે અને એ પણ માગો એટલી વાર. સાદી ઇડલીનો ભાવ ૧૮ રૂપિયા, જેમાં બે પીસ આવે. વિચાર કરો, તમે આરામથી ભરપેટ સવારનો નાસ્તો કરી લો. કોઈ યંગસ્ટર હોય તો એ બેને બદલે ચાર ઇડલી ખાય અને તો પણ રોકડા છત્રીસ રૂપિયાનું બિલ આવે! હેલ્ધી નાસ્તો અને એ પણ સાવ કિફાયતી.
એ પછી તો મેં મેદુવડાં મગાવ્યાં. આ જે મેદુવડાં હતાં એ એવાં કરકરાં હતા કે એનો અવાજ મને પોતાને સંભળાતો હતો. મેદુવડાંએ પણ મારું મન મોહી લીધું, પણ એમ છતાં જો મારે કોઈ એક આઇટમ તમને સજેસ્ટ કરવી હોય તો કહીશ કે મુરુગનમાં જાઓ તો ઘી-પોડી ઇડલી જ ટ્રાય કરવી. આઇટમ બધી સારી પણ તમારે તો મારી જેમ તમારા માટે ખાવાનું નથી એટલે તમે તો તમારી ભૂખ મુજબ જ ખાવાના હો અને જો ઓછી ભૂખ હોય અને મુરુગનનો આસ્વાદ જ માણવો હોય તો અહીં ગયા પછી ઘી-પોડી ઇડલી જ ટ્રાય કરવી. મારે મન તો એ ત્યાંની સિગ્નેચર વરાઇટી છે. હવે જ્યારે પણ ચેન્નઈ જાઓ ત્યારે ભૂલ્યા વિના મુરુગન ઇડલીમાં જજો અને ઘી-પોડી ઇડલી ટ્રાય કરજો. મોજે દરિયા થઈ જશે, ગૅરન્ટી મારી. અરે હા, એક વાત કહેવાનું ચૂકી ગયો. આ મુરુગન આવતા સમયમાં મુંબઈમાં પણ ફ્રૅન્ચાઇઝી શરૂ કરવાની છે પણ એ પહેલાં જો ચેન્નઈ જવાનું નસીબમાં લખાયું હોય તો... ભુલાય નહીં, મુરુગન ઇડલી.

