જો તમે આખો દિવસ ઉપવાસ કે એકટાણું જ કરવાના હો તો એ વાતનું ધ્યાન રાખો કે એક જ સમય પર વધુ ખાઈ લેવું એના કરતાં થોડું-થોડું ખાવું વધુ યોગ્ય ગણાશે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
નવરાત્રિના ઉપવાસ કરતા લોકો ઉપવાસ કરીને હેલ્ધી બનવાને બદલે ક્યારેક ખોટું ખાઈને પોતાના શરીર અને મનનું નુકસાન કરી બેસે છે. ઉપવાસ શરીર, મન અને આત્માની શુદ્ધિ કરે છે. એના બદલે તમે ખોટી પસંદગી કરીને એના ફાયદાને નુકસાનમાં બદલવાની ભૂલ ન કરતા. નવરાત્રિના ઉપવાસમાં ફરાળ માટે જેટલી વાનગીઓ હોય છે એમાં તળેલી વાનગીઓ વધુ હોય છે. ચિપ્સ કે બટાટાની પતરી, પૅટીસ, રાજગરાની પૂરી, ફરાળી પાતરાં, ચેવડો, તળેલી શિંગ, સાબુદાણા વડાં વગેરે. આ બધી જ વાનગીઓ અત્યંત અનહેલ્ધી છે અને ઉપવાસમાં ભૂખ્યા પેટે આટલી હેવી કૅલરીની વસ્તુ ખાઈને તમે તમારા ઉપવાસને જ નહીં, શરીરને પણ નુકસાન પહોંચાડી રહ્યા છો એમ સમજવું. ઉપવાસ એટલે ચેન્જ ઑફ ફૂડ જેના માટે હોય છે તેઓ આ તળેલો ખોરાક ખાતા હોય છે. ઉપવાસમાં અમરંથ કે કુટ્ટુ જેવાં ધાન અત્યંત પૌષ્ટિક ગણાશે. અમરંથમાં ઘણું સારી માત્રામાં પ્રોટીન હોય છે. એની દૂધ સાથે ખીર બની શકે છે. શાકભાજી સાથે ભેળવીને બનાવીએ તો પુલાવ જેવું પણ સારું લાગે છે. કુટ્ટુ પણ એક પારંપરિક ધાન છે જેમાં કાર્બોહાઇડ્રેટની સાથે-સાથે પ્રોટીન પણ સારી માત્રામાં મળી રહે છે. આ ધાનની રોટલી બની શકે છે.
ઘણા લોકો આખો દિવસ કંઈ નથી ખાવાનું એટલે અને નબળાઈ ન આવી જાય એ કારણથી ઉપવાસમાં મીઠાઈઓ ખાય છે. શ્રીખંડ, બરફી, પેંડા વગેરે દૂધની મીઠાઈઓ લોકો ઘણાં વધુ પ્રમાણમાં ખાતા જોવા મળે છે. જો તમને કંઈ ગળ્યું ખાવાનું મન થયું હોય તો તાજાં ફળો, ડ્રાય અંજીર, ખજૂર વગેરે ખાઈ શકાય છે. એ સિવાય એનર્જી જળવાઈ રહે એ માટે ગોળનું પાણી પીવું હોય તો એ પણ પી શકાય છે પરંતુ ખાંડ ખાવી યોગ્ય ન ગણાય. આ સિવાય એવું લાગે કે ભૂખ લાગે છે તો ડ્રાયફ્રૂટ્સ અને નટ્સ જેમ કે મખાના, બદામ, કાજુ, પિસ્તાં, ક્રેનબેરીઝ, ઍપ્રિકોટ વગેરે ખાઈ શકાય છે. એનાથી પેટ ભરેલું પણ લાગશે અને પોષણ પણ મળી રહેશે.
ADVERTISEMENT
થોડા-થોડા કલાકે ખાતા રહેવું.
જો તમે આખો દિવસ ઉપવાસ કે એકટાણું જ કરવાના હો તો એ વાતનું ધ્યાન રાખો કે એક જ સમય પર વધુ ખાઈ લેવું એના કરતાં થોડું-થોડું ખાવું વધુ યોગ્ય ગણાશે. વળી તમે લાંબા સમયથી ભૂખ્યા હો તો એકદમ જ ખોરાક પર તૂટી પડો અને વધુપડતું ખાઈ લો એ પણ યોગ્ય નથી. એટલે સવારથી રાત સુધીમાં ભલે દર બે કલાકે એકાદ ફળ ખાઓ, દૂધ પીઓ, છાસ, જૂસ, નારિયેળ પાણી, લીંબુપાણી સતત લેતા રહો એ યોગ્ય ગણાશે. બાકી એક ટંક કે બે ટંક ફરાળ જેમાં રાજગરો, સામો, અમરંથ, કુટ્ટુ વગેરે લઈ શકો છો.
- કેજલ શાહ (કેજલ શાહ અનુભવી ન્યુટ્રિશનિસ્ટ છે. પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો.)

