નવરાત્રિના ઉપવાસના ખોરાકમાં આટલા બદલાવ અચૂક કરજો, નોરતાંના ઉપવાસમાં જે ફરાળ કરવામાં આવે છે એમાં રોજબરોજના વપરાશની ચીજોમાં અમુક પ્રકારના ફેરફાર થતા હોય છે. આ બદલાવનું પણ મહત્ત્વ છે જે આજે ન્યુટ્રિશનની દૃષ્ટિએ સમજવાનો પ્રયાસ કરીએ
નમકને બદલે સિંધવ, તેલને બદલે ઘીનો વઘાર અને સૂકા મસાલાને બદલે લીલા મસાલા
પરિવર્તન સંસારનો નિયમ છે. ખોરાકમાં પણ એ લાગુ પડે છે. પુરાતનકાળથી ચાલ્યા આવતા આપણા નિયમો અનુસાર ઉપવાસ દરમ્યાન બનતું ભોજન દરરોજ કરતાં જુદું હોય છે. એમાં ઘઉં-ચોખા જેવાં ધાન્ય બદલાઈને સામો-રાજગરો અને કુટી વગેરે ધાન્ય ખવાય છે એટલું જ નહીં, એ બદલાયેલા ખાદ્ય પદાર્થોને બનાવવાની ટેક્નિકમાં પણ ફરક હોય છે. એમાં વપરાતા મસાલાઓ, એનો વઘાર કે એમાં વપરાતું મીઠું પણ જુદું વાપરવાનો રિવાજ કેમ છે અને એ બદલાવથી શું ફાયદા થાય છે એ આજે સમજવાની કોશિશ કરીએ.
સાદા મીઠાને બદલે સિંધવ મીઠું
ADVERTISEMENT
સામાન્ય મીઠાની સરખામણીએ સિંધવ મીઠું અપ્રાકૃતિક કેમિકલ્સ વગરનું હોય છે. એ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન જાળવે છે અને બ્લડ-પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ઘણા લોકો નવરાત્રિમાં મીઠું એટલે કે નમક ખાતા નથી. એની જગ્યાએ સિંધવ મીઠું ખાય છે. આ એક હેલ્ધી ઑપ્શન છે. એમાં ઘણાં મિનરલ્સ હોય છે અને એ ખાવાથી ખોરાક લીધાનો સંતોષ પણ મળે છે, કારણ કે એનો સ્વાદ ઘણો જ સારો હોય છે. આયુર્વેદમાં એને તમામ મીઠાઓમાં સૌથી શ્રેષ્ઠ અને ગુણકારી માનવામાં આવ્યું છે. એના ફાયદા જણાવતાં ન્યુટ્રિશનિસ્ટ કેજલ શેઠ કહે છે, ‘સાદા મીઠાને ફૅક્ટરીમાં પ્રોસેસ કરતી વખતે એનાં કુદરતી મિનરલ્સ નષ્ટ થઈ જાય છે અને એમાં માત્ર સોડિયમ ક્લોરાઇડ જ બચે છે; જ્યારે સિંધવ મીઠામાં પોટૅશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, આયર્ન અને ઝિન્ક જેવાં લગભગ ૮૪ જેટલાં કુદરતી મિનરલ્સ સચવાયેલાં હોય છે. આ મીઠાથી પાચનશક્તિમાં સુધારો થાય છે અને ગૅસ-ઍસિડિટીથી રાહત મળે છે. સિંધવ મીઠું પાચન અગ્નિને પ્રદીપ્ત કરે છે. ઉપવાસ દરમ્યાન ખોરાકના ફેરફારથી થતી ગૅસ, ઍસિડિટી, પેટનું ફૂલવું કે અપચા જેવી સમસ્યાઓમાં સિંધવ મીઠું ખૂબ જ રાહત આપે છે.’
સિંધવ મીઠું બ્લડ-પ્રેશર અને સોડિયમનું સંતુલન કરે છે. સાદા મીઠાની સરખામણીએ સિંધવ મીઠામાં સોડિયમનું પ્રમાણ ઓછું અને પોટૅશિયમનું પ્રમાણ વધુ હોય છે એટલે એ હાઈ બ્લડ-પ્રેશર ધરાવતા લોકો માટે વધુ સુરક્ષિત છે અને શરીરમાં વૉટર-રિટેન્શન થવા દેતું નથી. આમ સમજાવતાં કેજલ શેઠ કહે છે, ‘શરીરના ડીટૉક્સિફિકેશન માટે એ ઉપયોગી છે. સિંધવ મીઠું શરીરમાંથી નકામાં ઝેરી તત્ત્વોને બહાર કાઢવામાં અને કોષોની સફાઈ કરવામાં મદદ કરે છે. ઉપવાસ દરમ્યાન પાણી ઓછું પીવાને કારણે કે થાકને લીધે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટની ઊણપ થઈ શકે છે. સિંધવ મીઠું શરીરમાં પ્રવાહી અને ક્ષારોનું સંતુલન જાળવી રાખીને ચક્કર આવવા કે થાક લાગવા સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત મસલ્સ ક્રેમ્પ્સમાં પણ એ ઉપયોગી છે. ઉપવાસમાં મિનરલ્સની ઊણપથી ઘણી વાર પગ કે સ્નાયુઓ ખેંચાવાની સમસ્યા થાય છે. સિંધવ મીઠામાં રહેલું મૅગ્નેશિયમ અને પોટૅશિયમ સ્નાયુઓને આરામ આપે છે.’
ધ્યાન રાખો : સિંધવ મીઠું ગુણકારી છે પણ એમાં આયોડિન નથી. આયોડિનયુક્ત મીઠું જ દરરોજ વપરાશમાં લેવું જરૂરી છે. સિંધવ મીઠું વચ્ચે-વચ્ચે અમુક વાનગીઓમાં લઈ શકાય. આ રીતે ઉપવાસ દરમ્યાન મીઠું બદલીએ તો બન્નેનું બૅલૅન્સ જળવાઈ રહે.
તેલ નહીં, ઘી
જમવામાં રિફાઇન્ડ તેલનો પ્રયોગ બંધ કરીને શુદ્ધ દેશીનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી સ્વાસ્થ્યને અદ્ભુત અને અનેકવિધ લાભ થાય છે. આયુર્વેદમાં ઘીને અમૃતતુલ્ય માનવામાં આવ્યું છે. આમ તો આ બદલાવ દરરોજ થઈ શકે તો પણ ફાયદો થઈ શકે, પરંતુ નવરાત્રિના ૯ દિવસ મોટા ભાગનાં ઘરોમાં તેલને બદલે ઘીનો પ્રયોગ થાય છે.
તેલની જગ્યાએ ઘી વાપરવાથી થતા મુખ્ય ફાયદાઓ જણાવતાં કેજલ શેઠ કહે છે, ‘એનાથી પાચનશક્તિમાં સુધારો થાય છે. એ કબજિયાત દૂર કરે છે અને ઍસિડિટી કે ગૅસની સમસ્યા થવા દેતું નથી. રિફાઇન્ડ તેલમાં રહેલી ટ્રાન્સ-ફૅટ્સ અને કેમિકલ્સ ધમનીઓમાં બૅડ કૉલેસ્ટરોલ વધારે છે. એની સરખામણીએ મર્યાદિત પ્રમાણમાં ઘીનું સેવન કરવાથી ગુડ કૉલેસ્ટરોલ વધે છે અને હૃદય-ધમનીઓ સાફ રહે છે. ઘી સાંધામાં કુદરતી ગ્રીસિંગનું કામ કરે છે. એનાથી ઉંમર વધવાની સાથે થતા સાંધાના દુખાવા અને કડચલા સામે રક્ષણ મળે છે. આપણા ખોરાકમાં રહેલાં વિટામિન A, D, E અને K ફૅટી ઍસિડ્સ વગર શરીરમાં શોષાતાં નથી. ઘી આ વિટામિન્સને શરીરમાં પચવામાં અને શોષવામાં મદદરૂપ બને છે. ત્વચા અને વાળ માટે એ ઘણું ફાયદાકારક છે.
ધ્યાન રાખો : ઘી અત્યંત ગુણકારી છે, પરંતુ એનો અર્થ એ નથી કે એને અમર્યાદિત પ્રમાણમાં ખાવું. દિવસ દરમ્યાન એકથી બે ચમચી શુદ્ધ ઘીનો પ્રયોગ શરીર માટે સંપૂર્ણપણે ઉત્તમ અને પૂરતો છે.
સૂકા મસાલાને બદલે લીલો મસાલો
નવરાત્રિના ૯ દિવસ મોટા ભાગે લોકો સૂકો મસાલો વાપરતા નથી, તાજો કે લીલો મસાલો જ વધુ વાપરે છે. જમવામાં સૂકા મસાલાને બદલે લીલા મસાલાનો ઉપયોગ કરવાથી સ્વાદ, સુગંધ, સ્વાસ્થ્ય અને ખોરાકના બંધારણમાં મોટો ફરક પડે છે. બન્ને પ્રકારના મસાલા રસોઈમાં પોતપોતાનું વિશેષ સ્થાન ધરાવે છે, પરંતુ લીલા મસાલાનો ઉપયોગ કરવાથી શરીરને ઘણા કુદરતી ફાયદા થાય છે.
સૌપ્રથમ સ્વાદ અને સુગંધની વાત કરીએ તો સૂકા મસાલા જેમ કે લાલ મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો વગેરે ખોરાકને તીખાશ અને સ્થાપિત થઈ જાય એવો ઘટ્ટ સ્વાદ આપે છે; જ્યારે લીલા મસાલા જેમ કે લીલાં મરચાં, કોથમીર, આદું, ફુદીનો ખોરાકમાં તાજગી, એક અલગ જ સુગંધ અને હળવો, કુદરતી સ્વાદ ઉમેરે છે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ લીલા મસાલા સૂકા મસાલા કરતાં ઘણા વધુ ગુણકારી માનવામાં આવે છે. સૂકા મસાલાને લાંબા સમય સુધી સાચવવા માટે એમાં ઘણી વાર કેમિકલ અથવા પ્રિઝર્વેટિવ્સ હોઈ શકે છે, જ્યારે લીલા મસાલા તદ્દન તાજા હોય છે. લીલા મસાલામાં ઍન્ટિ-ઑક્સિડન્ટ્સ, વિટામિન્સ, ખાસ કરીને વિટામિન C અને વિશિષ્ટ પોષક તત્ત્વો ભરપૂર માત્રામાં હોય છે જે ગરમીમાં નાશ પામતાં નથી.
એ વિશે જણાવતાં કેજલ શેઠ કહે છે, ‘બન્ને પ્રકારના મસાલાઓમાં સૌથી મોટો ફરક પેટની ગરમી અને ઍસિડિટી પર પડે છે. સૂકા મસાલા, ખાસ કરીને લાલ મરચું અને ગરમ મસાલો વધુ પડતા ખાવાથી પેટમાં બળતરા, ઍસિડિટી કે છાતીમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એની સામે લીલા મસાલા પ્રમાણમાં ઠંડક આપનારા અને પેટ માટે હળવા હોય છે. લીલા મસાલાનો ઉપયોગ કરવાથી પાચનક્રિયા સારી રહે છે અને મેટાબૉલિઝમ પણ સુધરે છે. જોકે રસોઈની પદ્ધતિમાં પણ થોડો તફાવત આવે છે. સૂકા મસાલા લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે અને એ ગમે ત્યારે વાપરી શકાય છે, જ્યારે લીલા મસાલા તાજા જ વાપરવા પડે છે અને એ જલદી બગડી જાય છે. આ ઉપરાંત સૂકા મસાલા શાકને લાંબો સમય ટકવામાં અને તળવામાં મદદ કરે છે.’
ધ્યાન રાખો : સામાન્ય જીવનમાં સૂકા અને લીલા મસાલાઓ વચ્ચે બૅલૅન્સ જરૂરી છે, પરંતુ ઉપવાસ હોય ત્યારે આપણે પેટને રાહત અને ઠંડક આપવા માગીએ છીએ એટલે લીલા મસાલાઓનું સેવન અત્યંત ગુણકારી છે. નવરાત્રિના ૯ દિવસ જે પણ વાનગીઓ બનાવો છો એમાં લીલા મસાલાઓ જ વાપરવા હિતકારી છે.
