આટલું વાંચીને હું તો રામેશ્વર વડાપાંઉમાં ઊભો રહી ગયો અને પછી એવો તે જલસો પડ્યો કે સાતેય કોઠે ટમટમતા દીવા થઈ ગયા
અમે પામ ઑઇલ કે વેજિટેબલ ઑઇલ વાપરતા નથી
ટેક્નિકલી હું અમેરિકા પહોંચી ગયો છું પણ અમેરિકા જતાં પહેલાં મેં બે-ત્રણ ફૂડ-ડ્રાઇવ અહીં કરી રાખી છે એટલે અત્યારે એની વાત પહેલાં કરી દઉં. હું દેશ છોડીને ક્યાંય લાંબો સમય જતો હોઉં તો મારું મન કહે કે નીકળતાં પહેલાં હું મુંબઈના સ્ટ્રીટફૂડનો આસ્વાદ મારી સાથે લેતો જાઉં અને મને મોકો મળી ગયો અને એ પણ અજાણતાં જ.
પાર્લા-ઈસ્ટમાં આવેલા દીનાનાથ મંગેશકર ઑડિટોરિયમમાં એક મરાઠી નાટક જોવા જવાનું બન્યું. હું તો ગયો નાટક જોવા. નાટક જોઈને હું અંધેરી તરફ પાછો આવતો હતો ત્યારે જમણી બાજુએ મેં એક દુકાન જોઈ. નામ હતું રામેશ્વર વડાપાંઉ અને બોર્ડ પર સરસ રીતે વાંચી શકાય એમ લખ્યું હતું કે નો પામ ઑઇલ, નો વેજિટેબલ ઑઇલ અને આ વાંચીને મેં તો ડ્રાઇવરને કહી દીધું કે ભાઈ, ગાડી ઊભી રાખ. જે લોકોની હેલ્થનું ધ્યાન રાખીને ચોખ્ખું ખવડાવતો હોય એનો આસ્વાદ તો માણવો જ રહ્યો.
હું તો પહોંચ્યો રામેશ્વર વડાપાંઉમાં. બાકાયદા મસ્ત મજાની દુકાન અને મેં વડાપાંઉનો ઑર્ડર આપ્યો તો મને કહે કે કૂપન લેવાની. મિત્રો, સામાન્ય રીતે આ કૂપનની પ્રથા એ જ રાખતા હોય જેને ત્યાં ભીડ લાગતી હોય અને ભીડ તો જ લાગે જો આઇટમ તમે સારી બનાવતા હો.
મેં તો જઈને કૂપન લીધી અને જોવા માંડ્યો પ્રોસેસ. પ્યૉર સિંગતેલમાં તળાતાં વડાં એકદમ કરકરાં થાય ત્યાં સુધી એને તળવામાં આવતાં હતાં. પાંઉમાં સૂકી ચટણી, તીખી-મીઠી ચટણી લગાડવામાં આવી અને પછી ગરમાગરમ વડું મૂકીને મને એ આપ્યું. મેં પહેલી બાઇટ લીધી અને બીજી જ સેકન્ડ મારી અંદર રહેલા બકાસુરે રામેશ્વર વડાપાંઉને પાંચમાંથી પાંચ સ્ટાર આપી દીધા. એકદમ ઑથેન્ટિક અને એકદમ ક્લાસી ટેસ્ટ. તમને એક ખાસ વાત કહું.
વડાપાંઉ બનાવતી વખતે જ્યારે એ સૂકી ચટણી નાખતો હતો ત્યારે મેં તેને કહ્યું કે ચટણી વધારે નાખે તો મને તેણે મને કહ્યું કે સાહેબ, એક વાર વડાપાંઉ ચાખી લો, પછી તમે કહેશો તો હું વધારે ચટણી નાખી દઈશ અને સાચે જ, તેની વાત સાચી હતી. વડાપાંઉ ખાતી વખતે મને એ સૂકી ચટણી વધારે નખાવવાની ક્યાંય જરૂર લાગી નહીં અને મેં મસ્તીથી વડાપાંઉ પૂરું કર્યું. પહેલે જ ઝાટકે રામેશ્વર ટેસ્ટમાં પાસ થઈ ગયો એટલે મેં બીજી વરાઇટી મગાવી ભજ્જી-પાંઉ. આ જે ભજ્જી-પાંઉ હતાં એમાં એ લોકો અલગ-અલગ ભજિયાંના ઑપ્શન આપે છે. મેં બટાટાની કતરીવાળું
ભજ્જી-પાંઉ મંગાવ્યું. આપણે જેને બટાટાનાં ભજિયાં કહીએ છીએ એને સુરતમાં બટાટાપૂરી કહે છે અને સૌરાષ્ટ્રમાં બટાટાની પતરી કહે છે.
ભજ્જી-પાંઉની ખાસિયત એ હતી કે એમાં ભજિયાંને સહેજ રતાશ આવે ત્યાં સુધી તળ્યાં હતાં, જેને લીધે ભજિયાંની ઉપર જે પેલું ચણાના લોટનું પડ હોય એ એકદમ ક્રન્ચી થઈ ગયું હતું અને આવી આઇટમમાં સૉફ્ટનેસ સાથે ક્રન્ચીનેસ આવે તો એ આપોઆપ સ્વાદ વેંત ઊંચો કરી નાખે. ભજ્જી-પાંઉ સાથે પણ એવું જ થયું હતું. એકદમ અદ્ભુત ટેસ્ટ અને સિંગતેલમાં તળ્યાં હોવાથી સ્વાદમાં ઓર મજા ઉમેરાઈ હતી. મને થયું કે બોર્ડ પર લખેલી વાત વાંચીને મેં જે ભરોસો મૂક્યો એ લેખે લાગ્યો. પણ હા, એક વાત કહેવાની રહી ગઈ. સામાન્ય રીતે આપણે ત્યાં વડાપાંઉ ૧૫ રૂપિયાનું હોય, બહુ નામી દુકાને જાઓ તો ૨૦ રૂપિયા પણ આનાં વડાપાંઉ બાવીસ રૂપિયાનાં હતાં. જોકે સ્વાદ અને સ્વાસ્થ્યના કૉમ્બિનેશન વચ્ચે આ બે-પાંચ રૂપિયા કોઈ મોટી વાત નથી એટલે કહું છું કે જો તમે અંધેરી-ઈસ્ટમાં હો તો ગૂગલબાબાની મદદ લઈને એક વાર, એક વાર તમે રામેશ્વરમાં વડાપાંઉ ખાવા માટે જજો. ખરેખર મજા પડી જશે.
ક્વૉલિટીમાં સારી આઇટમ હોઈ એની બીજી ખાસિયત કહું.
હું ઘરે પહોંચ્યો અને રાતે સાડાઆઠ વાગ્યા ત્યાં મારું પેટ ફરી એકદમ હળવુંફૂલ. કહેવાનો અર્થ એ કે સારી ક્વૉલિટી પેટમાં ખોટું વજન પણ ઊભું નથી કરતી.
