Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફૂડ એન્ડ રેસિપીઝ > આર્ટિકલ્સ > ઊંટડીના દૂધને અનેરા મુકામ પર પહોંચાડ્યું છે કચ્છની સરહદ ડેરીએ

ઊંટડીના દૂધને અનેરા મુકામ પર પહોંચાડ્યું છે કચ્છની સરહદ ડેરીએ

Published : 15 February, 2026 03:34 PM | IST | Mumbai
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

કચ્છની સરહદ ડેરી માત્ર રોજબરોજનો દૂધનો વ્યવસાય સાચવીને બેસી રહે છે એવું નથી, નવાં-નવાં સંશોધનો પણ કરે છે. એનો દાખલો એ છે કે સરહદ ડેરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું સૂચન કર્યું હતું કે ઊંટડીના દૂધનું કંઈક વિચારો.

સરહદ ડેરી

સરહદ ડેરી


નરેન્દ્ર મોદીએ સૂચન કર્યું કે ઊંટડીના દૂધનું કંઈક વિચારો અને સરહદ ડેરીએ ઊંટડીના દૂધનો ભારતનો સૌપ્રથમ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કર્યો : એક સમયે જેનો કોઈ ભરોસો કરવા તૈયાર નહોતું એવી આ ડેરીએ આત્મવિશ્વાસ સાથે આગળ વધીને એવી તો શાખ ઊભી કરી કે લોકો સામે ચાલીને ડેરી પાસે આવતા થયાઃ  સફળતાના સીમાડા વળોટી સરહદ ડેરી આજે ૮૦ હજારથી વધુ પશુપાલક કુટુંબો માટે બની છે આત્મનિર્ભરતાનો મુકામ, આજે મહિને કરે છે કચ્છના પશુપાલકોને ૯૦ કરોડનું ચુકવણું : ઊંટડીના દૂધમાંથી રાજભોગ આઇસક્રીમ બનાવતી દેશની પહેલી ડેરી બની

કચ્છનો મુંદ્રા તાલુકો. આ તાલુકામાં આવેલા નાની તુંબડી ગામનો ચોવીસેક વર્ષનો ઊંટપાલક નવયુવાન ભીખાભાઈ રબારી. આ યુવક પાસે રહેલી ઊંટડીઓનું દૂધ જો કોઈ હોટેલવાળા કે અન્ય કોઈ કદાચ લે તો તેને લીટરે માંડ ૧૫થી ૨૫ રૂપિયા જેવું મળતું, પણ છેલ્લાં ત્રણેક વર્ષથી આ યુવાન ખુશ છે અને તેની ફૅમિલી સાથે ખુશહાલ જીવન જીવી રહ્યો છે. આ યુવાને અનુભવ્યું છે કે તેનું જીવન બદલાયું છે કેમ કે તેના પડખે આવીને ઊભી છે સરહદ ડેરી.    



માત્ર આ યુવાનની જ વાત નથી. કચ્છમાં ગઢશીશા, રાપર, નખત્રાણા, કોટડા આથમણા, દયાપર વિસ્તારની આસપાસનાં ગામોમાં ઊંટો રાખતા કંઈકેટલાય પશુપાલકોના જીવનમાં બદલાવ આવતાં તેઓ રાહત અનુભવી રહ્યા છે. કચ્છની સરહદ ડેરીના કારણે આ બદલાવ આવ્યો છે. એક સમયે જેનો કોઈ ભરોસો કરવા કોઈ તૈયાર નહોતું એવી સરહદ ડેરી આત્મવિશ્વાસ સાથે આગળ વધી. આ ડેરીએ ન માત્ર પોતાનો વિકાસ કર્યો પરંતુ કચ્છના ૮૦ હજારથી વધુ ઊંટપાલકો અને ગાય-ભેંસપાલકો માટે આત્મનિર્ભરતાનો મુકામ બની છે.       


કચ્છની સરહદ ડેરી માત્ર રોજબરોજનો દૂધનો વ્યવસાય સાચવીને બેસી રહે છે એવું નથી, નવાં-નવાં સંશોધનો પણ કરે છે. એનો દાખલો એ છે કે સરહદ ડેરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એવું સૂચન કર્યું હતું કે ઊંટડીના દૂધનું કંઈક વિચારો. આ સૂચનને ધ્યાનમાં રાખીને સરહદ ડેરીએ ઊંટડીના દૂધ પર કામ હાથ ધરીને ઊંટડીના દૂધનો ભારતનો સૌપ્રથમ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ શરૂ કર્યો એટલું જ નહીં, ઊંટડીના દૂધમાંથી રાજભોગ આઇસક્રીમ બનાવતી દેશની પહેલી ડેરી બની. અને હવે એનાથી આગળ વધીને ઊંટડીના દૂધમાંથી વધુ ત્રણ ફ્લેવરના આઇસક્રીમ લૉન્ચ કરવાની દિશામાં આગળ વધી છે. કચ્છની પ્રગતિશીલ સરહદ ડેરીની સફર અનેક ચડાવ-ઉતારની સાથે રોમાંચક પણ છે. આવી પડેલી કંઈકેટલીયે મુશ્કેલીઓમાં હિંમત હાર્યા વગર વિટંબણાઓની વચ્ચેથી માર્ગ કાઢીને સૌને સાથે રાખી, સૌનો વિશ્વાસ જીતીને આજે સરહદ ડેરીએ સફળતાના સીમાડા વળોટ્યા છે ત્યારે સરહદ ડેરીની પ્રેરણાત્મક અને ઉદાહરણીય વાત જાણીએ. 


ઊંટડીને દોહીને દૂધ કાઢતા કચ્છના પશુપાલક. સરહદ ડેરીના કેન્દ્ર પર મુકાયેલા કૅનમાં ઘરેથી દૂધ લાવીને દૂધ ભરાવી રહેલી મહિલાઓ. 


ઊંટડીના દૂધનું કલેક્શન  

વલમજી હુંબલ. આ નામ સહકારી ક્ષેત્રમાં આગળ પડતું. સરહદ ડેરીના પાયાનો પથ્થર મજબૂત કરવામાં આ વ્યક્તિનો ફાળો સવિશેષ. એકાગ્રતા સાથે અડગ રહીને સરહદ ડેરીને આગળ વધારવામાં પાછી પાની નહીં કરનાર સરહદ ડેરીના સ્થાપક ચૅરમૅન વલમજી હુંબલને ઊંટડીના દૂધની ડેરી માટેનો વિચાર કેવી રીતે આવ્યો એ મુદ્દે વાત કરતાં તેઓ ‘મિડ-ડે’ને કહે છે, ‘કચ્છમાં અમે લોકો ગાય-ભેંસના દૂધનું કામ કરતા. કચ્છમાં ઊંટપાલકો ફરતા રહેતા. અમને થતું કે ઊંટડીના દૂધમાં કંઈક યુનિક કામ થઈ શકે એમ છે. જોગાનુજોગ એવું બન્યું કે ડેરીના એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમારે ત્યાં આવ્યા હતા. તેમણે સૂચન કર્યું કે તમે ગાય-ભેંસના દૂધ માટે કામ કરો છો તો ઊંટપાલકો ઊંટડી પાળે છે, તેમના માટે કંઈ થતું હોય તો જુઓ; ઊંટડીના દૂધ માટે કંઈ થતું હોય તો જરા જુઓ. એટલે નરેન્દ્ર મોદીએ ઊંટપાલકોના જીવન ઉત્થાન માટે અને ઊંટડીનું દૂધ લોકો સુધી પહોંચે એ માટે સૂચન કર્યું હતું. નરેન્દ્ર મોદીના સૂચનથી સરહદ ડેરીમાં અલગથી ઊંટડીના દૂધનું કલેક્શન કરવાની શરૂઆત થઈ અને એનાથી આગળ વધીને ઊંટડીના દૂધમાંથી આઇસક્રીમ બનાવવાનું શરૂ થયું એમ કહીએ તો કંઈ ખોટું નથી. અમે આ ઊંટડીના દૂધ બાબતે અભ્યાસ કર્યો. અમારી પાસે ફૂડ-સેફ્ટીનું લાઇસન્સ નહોતું એટલે ઊંટડીના દૂધ માટે ગુજરાત સરકાર અને અમૂલના સહકારથી સરહદ ડેરીએ
ફૂડ-સેફટીનું લાઇસન્સ લીધું. ઊંટડીનું દૂધ અને એમાંથી બનતો આઇસક્રીમ યુનિક વસ્તુ છે. એટલે માત્ર કચ્છ પૂરતું નહીં પણ આખા દેશમાં એનો ઉપયોગ થાય તે માટે અમૂલને કહ્યું કે તમે માર્કેટિંગ કરો તો અમે સાહસ કરીએ. એટલે અમૂલે માર્કેટિંગની જવાબદારી લીધી અને એનું બૅકિંગ મળ્યું, જેના કારણે ઊંટડીના દૂધનું કલેક્શન અને એમાંથી આઇસક્રીમ સહિતની પ્રોડક્ટનું કામકાજ શરૂ થયું.’ 

ભરોસાના અભાવ વચ્ચે શરૂઆત 

કચ્છના અંજાર તાલુકામાં આવેલા ચાંદરાણી ગામે સરહદ ડેરી આવેલી છે. જોકે આ ડેરીની શરૂઆત થઈ ત્યારે ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. ડેરીની શરૂઆત કરવામાં કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો એ વિશે વાત કરતાં વલમજી હુંબલ કહે છે ‘કચ્છ જિલ્લામાં ડેરી ચાલુ કરવા માટે લોકોએ પ્રયત્ન કર્યા. લગભગ ૨૦૦૫માં એક ડેરી હતી એ ફડચામાં ગઈ. એ પછી કચ્છ પર કોઈને ભરોસો ન લાગ્યો કે કચ્છમાં ડેરી સક્સેસફુલી ચાલશે. એક ડેરી ફેલ ગઈ હતી એટલે ચિંતા હતી. એ ટાઇમે દુકાળ પણ પડતા. એટલે બધાને બીક લાગતી હતી કે આપણે ડેરીમાં સફળ ન થઈએ. એ ટાઇમે હું ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ બૅન્કમાં ડિરેક્ટર હતો. મને અમરેલી જિલ્લા બૅન્કમાં પ્રતિનિધિ તરીકે મૂક્યો હતો. એ ટાઇમે દિલીપ સાંઘાણી પ્રધાન હતા. અમરેલીમાં ડેરી ચાલુ થઈ હતી. તેમણે મને આઇડિયા આપ્યો કે કચ્છમાં ડેરી ચાલુ કરવી જોઈએ. દિલીપ સાંઘાણી મને એ સમયના ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પાસે લઈ ગયા અને કચ્છમાં ડેરીની વાત કરી. કચ્છમાં બન્નીનું રણ છે. એશિયા ખંડનો મોટામાં મોટો ચરિયાણ વિસ્તાર છે, ઘાસનો વિસ્તાર છે. ભૌગોલિક દૃષ્ટિએ કચ્છમાં ખૂબ સારું ચરિયાણ છે. નદીનાળાં પણ છે. પશુનો ધંધો તો સારી રીતે ચાલે અને એને ડેવલપ કરવો હોય તો ડેરીની રચના કરવી જોઈએ. કચ્છમાં શું કામ ડેરી ન થાય એમ નરેન્દ્ર મોદીએ કહ્યું. અને તેમની સૂચનાથી ડેરીનું રજિસ્ટ્રેશન થયું અને કચ્છમાં ૨૦૦૯-’૧૦માં સરહદ ડેરી ચાલુ થઈ.’ 

કોઈએ ગાડી ભાડે આપી 

કચ્છમાં દૂધની ડેરી ચાલુ કરવા માટે અનેક વિટંબણાઓ આવી અને લોકો ભરોસો મૂકતાં ડરતા હતા. આવી સ્થિતિ વચ્ચે આઠ-નવ ગામોથી દૂધના કલેક્શનથી ડેરીની શરૂઆત કરી હતી. એ દિવસોને યાદ કરતાં વલમજી હુંબલ કહે છે, ‘રજિસ્ટ્રેશન થયા બાદ ૨૦૦૯ની ૨૭ જુલાઈએ અમે સરહદ ડેરી ચાલુ કરી. દૂધનું કલેક્શન ચાલુ કેવી રીતે કરવું, દૂધની પ્રોસેસ કેવી રીતે કરવી એ સહિતની વિટંબણાઓ હતી. એની વચ્ચે શરૂઆતમાં કચ્છનાં ૮થી ૯ ગામોમાં ગાય-ભેંસના દૂધનું કલેક્શન કરીને ૧૫૦૦ લીટર દૂધ એકઠું કર્યું પણ એને સાચવવું કેવી રીતે? એટલે અમૂલમાં અમે વાત કરી. તેમણે કહ્યું કે સુરેન્દ્રનગર દૂધ સંઘનું એક કૂલર સેન્ટર હળવદમાં છે એટલે ત્યાં દૂધ પહોંચાડો. કચ્છનાં ગામોમાંથી દૂધનું કલેકશન કરીને હળવદ પહોંચાડવાની વાત આવી એટલે હાડ ગગડાવી દે એવી બીક અમને લાગી કેમ કે દૂધનું કલેક્શન કર્યા પછી બે કલાક દૂધ બરાબર રહે. અમને ચિંતા થઈ કે ડેરી કેમ ચલાવવી? પણ અમે પશુપાલકોને સમજાવ્યા કે ગાય-ભેંસને વહેલી સવારે વહેલી દોહી લો તો દૂધ સાડાપાંચ-છ વાગ્યે સમયસર રવાના થઈ જાય અને હળવદ પહોંચી જાય. કચ્છના સદ્નસીબે પશુપાલકો ઍગ્રી થયા અને સહકાર આપ્યો એટલે સવારે હળવદ દૂધ પહોંચાડવા માટે અમે કામે લાગ્યા. જોકે ત્યાં બીજી તકલીફ આવીને ઊભી રહી. દૂધને હળવદ પહોંચાડવા માટે શરૂઆતમાં કોઈ ગાડી ભાડે આપવા તૈયાર ન થયું કેમ કે એ વખતે અમારા સંઘ પાસે કશું નહોતું અને લોકોને ગાડીના ભાડાના પૈસા ન આપે તો કરવું શું એવી બીક લાગતી હતી એટલે અમને ગાડી ભાડે આપવા માટે કોઈ તૈયાર નહોતું. જોકે બેત્રણ મિત્રો ગાડીવાળા હતા તેમને કહ્યું કે અમારા પર ભરોસો કરો, અમે તમને ભાડું આપી દઈશું. એ લોકોએ અમારા પર વિશ્વાસ રાખ્યો અને અમે ગાડી ભાડે લઈને દૂધ હળવદ પહોંચાડવાની શરૂઆત કરી. સદ્નસીબે એક પણ દિવસ દૂધ ન બગડ્યું અને એક મહિનો સતત દૂધ હળવદ મોકલાવ્યું એટલે અમૂલને ભરોસો આવ્યો અને અમૂલે કૂલર લાવી દીધું. આ કૂલર અમે રાપરમાં રાખ્યું હતું.’  

ઊંટડીના દૂધના કારણે માલધારીઓને ફાયદો 


ભીખાભાઈ રબારી અને સરહદ ડેરીએ બનાવેલો ઊંટડીના દૂધમાંથી બનેલો રાજભોગ આઇસક્રીમ.

એક સમય હતો કે કચ્છમાં ઊંટના દૂધના વેચાણની કોઈ વ્યવસ્થા નહોતી. મોટા ભાગે ઊંટપાલકો તેમનાં ઊંટ વેચીને પૈસા મેળવતા અને ગુજરાન ચલાવવામાં આ પૈસા મદદરૂપ થતા. પણ આજે સમય બદલાયો છે. હવે ઊંટપાલકોને તેમનાં ઊંટ વેચવાની જરૂર પડતી નથી. આ ઊંટપાલકો ઊંટડીનું દૂધ વેચીને આર્થિક રીતે સધ્ધર બન્યા છે અને બની રહ્યા છે. મુંદ્રા તાલુકાના નાની તુંબડી ગામના ૨૪ વર્ષના યુવાન ભીખાભાઈ રબારી ‘મિડ-ડે’ને કહે છે ‘મારી પાસે હાલ ૬૦ ઊંટ છે. ઊંટપાલન અમે બાપદાદા સમયથી કરતા આવ્યા છીએ. પહેલાંના સમયે ઊંટડીનું દૂધ હોટેલવાળા લે તો ૧૫થી ૨૫ રૂપિયે લીટર લેતા હતા. એટલી ખાસ આવક થતી નહીં, પણ સરહદ ડેરીએ જ્યારથી ઊંટડીનું દૂધ લેવાનું ચાલુ કર્યું છે ત્યારથી માલધારીઓને ફાયદો થતો રહ્યો છે. સારો ભાવ મળે છે. એક લીટર દૂધના ૫૧ રૂપિયા મળે છે. હું રોજ બે ટાઇમ ૬૦થી ૭૦ લીટર ઊંટડીનું દૂધ ડેરીમાં ભરાવું છું. સરહદ ડેરીએ ઊંટડીનું દૂધ લેવાનું શરૂ કર્યા પછી અમારું ગુજરાન સારું ચાલે છે. ઊંટડીના દૂધમાંથી જે પૈસા મળે છે એનાથી જીવનમાં પરિવર્તન આવ્યું છે, કેમ કે ઘરમાં કોઈ પણ કામ માટે ખર્ચો કરવો હોય તો કરી શકીએ છીએ. બે પૈસાની બચત પણ થાય છે. આવક થતી રહેતાં ઘરનાં કામ સારી રીતે થાય છે.’

૫૧ શીત કેન્દ્ર બન્યાં

સરહદ ડેરીએ ધીરે-ધીરે કરીને લોકોમાં ભરોસો બેસાડ્યો. ડેરીનું કામ આગળ ધપતું રહ્યું અને કચ્છમાં સરહદ ડેરીએ જમાવટ કરી છે એમ કહીને વલમજી હુંબલ કહે છે, ‘ધીરે-ધીરે કરીને લોકોમાં વિશ્વાસ બેસાડીને ડેરીએ હવે ખૂબ સારી જમાવટ કરી છે. ડેરીને એક શીત કેન્દ્રના ફાંફાં હતાં ત્યાં આજે ૫૧ શીત કેન્દ્રો છે. ત્રણ પ્લાન્ટ બનાવ્યા છે. એક કૅટલ ફીડ પ્લાન્ટ બનાવ્યો. એક આઇસક્રીમ પ્લાન્ટ બનાવ્યો અને હવે ડેરી ધમધમે છે. આજે ડેરીમાં ૧૫૦ જેટલા કર્મચારીઓ કામ કરે છે. ૧૫ વર્ષના ગાળામાં કરકસરપૂર્વક ડેરી ચલાવી. આ દરમ્યાન સરકાર, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત બધાની મદદથી સ્ટ્રેન્ગ્થ સારી થઈ ગઈ છે, જેના કારણે પશુપાલકો અને ખેડૂતો માટે સગવડ કરી શકીએ છીએ.’   

મહિને ૯૦ કરોડનું ચુકવણું

એક સમયે જે વિસ્તારમાં લોકો પૈસા કમાવા માટે બહાર જતા હતા ત્યાં હવે સ્થિતિ બદલાઈ છે અને ડેરીના કારણે હજારો લોકો આર્થિક રીતે સધ્ધર બન્યા છે. વલમજી હુંબલ કહે છે, ‘આજે કચ્છના ૮૦ હજાર જેટલા પશુપાલકો સરહદ ડેરી સાથે જોડાયા છે. એટલે કે ૮૦ હજાર કુટુંબો અમારી સાથે છે. કચ્છ જેવા દુકાળિયા વિસ્તારમાં મહિને અંદાજે ૯૦ કરોડનું ચુકવણું ગામડાંઓમાં રહેતા પશુપાલકોને થાય છે. ગયા વર્ષે પશુપાલકોને ૪૬ કરોડ બોનસ આપ્યું હતું. ડેરીની શરૂઆતમાં અમે છ મહિના સુધી તો એસટી બસમાં જઈને પેમેન્ટ કર્યું હતું કેમ કે ચિંતા એ હતી કે એક પણ દિવસ મોડું ન થાય, નહીં તો શાખ બગડે અને પશુપાલકો, ખેડૂતો દૂધ ન આપે. એટલે તેમનો વિશ્વાસ જીતવાનો હતો. અમૂલે અમને સભ્ય બનાવ્યા ત્યારે અમે ૧૮મા સભ્ય હતા. ગયા વર્ષે અમારી ડેરીએ ૧૨૦૦ કરોડનું ટર્નઓવર કર્યું અને અમૂલમાં અમે ટર્નઓવરમાં સાતમા ક્રમે આવ્યા. અમારા કરતાં પણ વર્ષો જૂની ડેરીઓને પાછળ રાખીને અમારી ૧૫ વર્ષની યુવાન ડેરી સાતમા ક્રમે આવી એ અમારી ઉપલબ્ધિ કહેવાય. પૂરા દિલથી કોઈ કામમાં ઈમાનદારીથી મંડી પડો તો સફળતા તમને સો ટકા મળે છે.’ 

 રોજ પાંચ હજાર લીટર દૂધ

કચ્છમાં ઊંટ સરહદ ડેરીના ઍડમિન હેડ ઑફ ધ ડિપાર્ટમેન્ટ (HOD) અને ચૅરમૅનના પર્સનલ અસિસ્ટન્ટ (PA) ચેતનકુમાર પ્રજાપતિ ‘મિડ-ડે’ને કહે છે, ‘૨૦૧૯માં ભારતમાં સૌપ્રથમ કૅમલ મિલ્કનો પ્લાન્ટ સરહદ ડેરીએ શરૂ કર્યો હતો. કચ્છના ૩૫૦થી વધુ ઊંટપાલકો ડેરી સાથે જોડાયા છે અને અત્યારે રોજ ઍવરેજ પાંચ હજાર લીટર ઊંટડીનું દૂધ ડેરીમાં ભરાવે છે. ઊંટડીનું દૂધ ભરાવવા માટે કચ્છમાં ચાર કલેક્શન સેન્ટર છે જેમાં નખત્રાણા, માંડવી તાલુકાના ગઢશીશા, રાપર તેમ જ ભુજ તાલુકાના કોટડાઆથમણા ગામે કલેક્શન સેન્ટર છે. આ સેન્ટરોની આસપાસનાં ગામોમાં રહેતા ઊંટપાલકો ઊંટડીનું દૂધ સેન્ટરમાં ભરાવે છે. આ કલેક્શન સેન્ટરમાંથી ટેન્કર દ્વારા દૂધ ડેરીમાં આવે છે. પ્લાન્ટ પર ઊંટડીના દૂધની પ્રોસેસ થાય છે. દૂધમાંથી દુર્ગંધ દૂર કરીએ છીએ અને પછી દૂધને આઇસક્રીમ પ્લાન્ટમાં મોકલવામાં આવે છે. ઊંટડીના દૂધમાંથી રાજભોગ ફ્લેવરની આઇસક્રીમ સરહદ ડેરીમાં જ બનાવવામાં આવે છે. ભારતની આ એકમાત્ર ડેરી છે જ્યાં ઊંટડીના દૂધમાંથી રાજભોગ આઇસક્રીમ બને છે. બાકીનું સરપ્લસ દૂધ ગાંધીનગરસ્થિત અમૂલ ડેરીમાં મોકલી દઈએ છીએ. એમાંથી ફ્લેવર્ડ દૂધ, ઊંટડીના દૂધમાંથી નૉર્મલ અને શુગર-ફ્રી ડાર્ક ચૉકલેટ બનાવવામાં આવે છે. ઊંટપાલકોને રોજ સરેરાશ ૩ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે. મહિને ૯૦ લાખ ચુકવાય છે. ૨૦૨૪-’૨૫ દરમ્યાન ઊંટડીનું દૈનિક દૂધ કલેક્શન ૪૭૫૪ લીટર થયું હતું. ૩૫૦થી વધુ ઊંટપાલકોને વાર્ષિક રૂપિયા ૮,૭૨,૮૩,૪૪૦ રૂપિયા ચૂકવ્યા હતા.’  

ઊંટડીના દૂધના ફાયદા શું? 

ઊંટડીનું દૂધ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોવાનો દાવો સરહદ ડેરી કરી રહી છે. આ મુદ્દે સરહદ ડેરીના ચેતનકુમાર પ્રજાપતિ દાવો કરતાં ‘મિડ ડે’ને કહે છે, ‘ઊંટડીના દૂધના અનેક ફાયદા છે. પેટના રોગો, સાંધાના દુખાવા માટે, બ્લડપ્રેશર સહિતનાં દરદોમાં ઊંટડીનું દૂધ મદદરૂપ અને ફાયદાકારક છે. ઊંટડીના દૂધમાં ઇન્સ્યુલિન હોય છે એટલે ડાયાબિટીઝમાં મદદરૂપ થાય છે. જો તમે ઊંટડીનું દૂધ રોજ પીઓ તો તમને ડાયાબિટીઝમાં ફાયદો દેખાશે. ઑટિઝમના દરદીઓ માટે તથા બાળકોનાં હાડકાંના વિકાસ માટે આ દૂધ ફાયદાકારક છે.’ 


અંજારમાં બનાવ્યું સરહદ ડેરીનું સર્કલ. 

આંકડાબાજી

 ૮૦,૦૦૦ દૂધ પશુપાલકો સરહદ ડેરીમાં દૂધ ભરાવે છે.

 ૯૦૦થી વધુ સહકારી દૂધ ઉત્પાદક મંડળીઓ દ્વારા ડેરીમાં દૂધ આવે છે. 

 ૫.૫૦ લાખ લીટર દૂધ ડેરીમાં રોજ આવે છે.

 ૯૦ કરોડનું ચુકવણું દર મહિને પશુપાલકોને થાય છે.  

 ૫૦,૦૦૦ લીટર આઇસક્રીમ (ઊંટડીના દૂધમાંથી બનતા રાજભોગ આઇસક્રીમ સિવાય) ડેરીમાં રોજ બને છે. 

એક લાખ કપ રાજભોગ આઇસક્રીમ

સરહદ ડેરીના આઇસક્રીમ પ્લાન્ટના મૅનેજર અભિષેક છાવડી ‘મિડ ડે’ને કહે છે, ‘એક વર્ષમાં સરહદ ડેરીએ ઊંટડીના દૂધમાંથી એક લાખ કપ રાજભોગ આઇસક્રીમ બનાવ્યો છે. આ આઇસક્રીમમાં ૨૦ હજાર લીટર ઊંટડીના દૂધનો ઉપયોગ થયો છે અને એમાંથી ૧૨,૫૦૦ લીટર આઇસક્રીમ બનાવ્યો છે. રાજભોગ આઇસક્રીમ અમે ગયા વર્ષે લૉન્ચ કર્યો હતો. હવે અમે ઊંટડીના દૂધમાંથી બીજી ત્રણ ફ્લેવરના આઇસક્રીમ બનાવવા માટે કામ શરૂ કરી દીધું છે. ટૂંક સમયમાં સરહદ ડેરી ઊંટડીના દૂધમાંથી બનેલા વધુ ત્રણ
શુગર-ફ્રી આઇસક્રીમ લૉન્ચ કરશે.’   

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2026 03:34 PM IST | Mumbai | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK