માટુંગામાં ગુજરાતી કપલે શરૂ કર્યું છે કુલચા ઍન્ડ કિમચી
માટુંગા ઈસ્ટમાં આવેલી કુલચા ઍન્ડ કિમચી એક ગુજરાતી કપલે શરૂ કરી છે
આજે ફ્યુઝનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. કપડાં હોય કે ફૅશન કે પછી ફૂડની વાત લઈ લો, ફ્યુઝન અત્યારે બધે હિટ જ છે. ટિપિકલી એકના એક ટેસ્ટ અને વાનગી ખાઈ-ખાઈને કંટાળી ગયેલા લોકો કંઈ નવું અને યુનિક શોધતા હોય છે જે તેમના ટેસ્ટ બડ્સને સંતુષ્ટ તો કરે અને સાથે કંઈક નવું ટ્રાય કર્યું હોવાનો સંતોષ પણ આપે. આજે આપણે આવી જ એક જગ્યાની વાત કરવાના છીએ જે માટુંગામાં હાલમાં જ શરૂ કરવામાં આવી છે.
માટુંગા ઈસ્ટમાં આવેલી કુલચા ઍન્ડ કિમચી એક ગુજરાતી કપલે શરૂ કરી છે જે કંઈક નવી અને લોકોની જીભે ચડી જાય એવી ડિશ લાવવા ઇચ્છતું હતું. એને પગલે આગમન થયું કુલચા ઍન્ડ કિમચીનું. આ વિશે વધુ માહિતી આપતાં આ કુલચા ઍન્ડ કિમચીનાં ફાઉન્ડર પંક્તિ મનન દોશી કહે છે, ‘આ સાહસ મેં અને મારા હસબન્ડે મળીને શરૂ કર્યું છે. અમે એવું ઇચ્છતાં હતાં કે અમે એવું કંઈ લઈને આવીએ જે નાનાથી લઈને મોટા સુધીના દરેકને ભાવે અને સાથે એ તમામ ડિશને કવર કરી લઈએ જે આજે ટ્રેન્ડમાં છે. ફાસ્ટ લાઇફમાં ફૂડ ખાવું હૅન્ડી બને એ માટે અમે તંદૂરી કુલચાને ટાકોના સ્વરૂપે લૉન્ચ કર્યા છે જેથી તેઓ ચાલતાં-ચાલતાં પણ એ ખાઈ શકે. કુલચા ખાવા માટે કંઈક જોઈએ, એ એકલા ન ભાવે એટલે અમે એમાં ટાકોની જેમ અલગ-અલગ સૅલડ જ નહીં પણ ડિફરન્ટ ગ્રેવી પણ નાખીને આપીએ છીએ. જેમ કે ઠેચા પનીર, પનીર ટિક્કી, મંચુરિયન વગેરે ઉપર નાખીને એને ટાકો સ્વરૂપે સર્વ કરીએ છીએ. જ્યારે આ કિમચી કોરિયન સૅલડ છે જેનો ટેસ્ટ ખાટો અને તીખો હોય છે. એને અમે રાઇસ, નૂડલ્સમાં ઍડ કર્યું છે જે કંઈક નવું અને યુનિક છે. અમે માત્ર કોરિયન અને ઇન્ડિયન ફૂડ જ નહીં પણ એશિયાની તમામ પ્રચલિત ડિશને અહીં આવરી લીધી છે.’
ADVERTISEMENT
અહીં કુલચા મેંદા અને ઘઉં એમ બન્ને રીતે બનાવીને આપવામાં આવે છે. જૈન ઑપ્શન પણ અવેલેબલ છે. કુલચા ટાકોમાં જે રીતે ફિલિંગ જોઈતું હોય એ રીતે કરીને પણ આપવામાં આવે છે. આ ઉપરાંત અહીં ગોટી સોડા પણ મળે છે.
ક્યાં મળશે? : કુલચા ઍન્ડ કિમચી, ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ, કિંગ્સ સર્કલ, માટુંગા (ઈસ્ટ)

