અહીં શીખો ઇન્સ્ટન્ટ સુરતી લોચો
ઇન્સ્ટન્ટ સુરતી લોચો
સામગ્રી : ૧ કપ ચણાનો લોટ, ૧/૨ કપ અડદની દાળનો લોટ, ૧/૨ કપ દળેલો પૌંઆનો પાઉડર, ૩/૪ કપ દહીં, ૨ કપ હૂંફાળું પાણી (જરૂર મુજબ), ૧ મોટી ચમચી આદું-મરચાંની પેસ્ટ, ૧/૨ નાની ચમચી હળદર, ૧/૪ નાની ચમચી હિંગ.
ઉપર છાંટવાના મસાલા માટે: લાલ મરચું પાઉડર, મીઠું, હિંગ, ગરમ મસાલો, ધાણાજીરું (બધું ભેગું કરી મિશ્રણ બનાવી લેવું)
ADVERTISEMENT
ગાર્નિશિંગ માટે : બટર અથવા તેલ, નાયલૉન સેવ, ઝીણા સમારેલા કાંદા, ઝીણી સમારેલી કોથમીર.
રીત : એક મોટા વાસણમાં ચણાનો લોટ, અડદનો લોટ અને પૌંઆનો પાઉડર ભેગા કરો. એમાં દહીં, આદું-મરચાંની પેસ્ટ, હળદર, હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી, હૂંફાળા પાણીની મદદથી પાતળું અને ગઠ્ઠા વગરનું ખીરું તૈયાર કરો. ત્યાર બાદ એક નાની વાટકીમાં લાલ મરચું, મીઠું, હિંગ, ગરમ મસાલો અને ધાણાજીરું મિક્સ કરીને તૈયાર રાખો. સ્ટીમરમાં પાણી ગરમ કરો અને થાળીને તેલથી ગ્રીસ કરો. સ્ટીમરમાં મૂકતાં પહેલાં ખીરામાં બે ચમચી તેલ અને ઈનો નાખી બરાબર હલાવો જેથી ખીરું ફૂલીને હલકું થઈ જાય. ખીરાને થાળીમાં પાથર્યા પછી એના પર તૈયાર કરેલું મસાલાનું મિશ્રણ સરખી રીતે છાંટો. લોચાને મીડિયમ હાઈ ફ્લેમ પર બારથી પંદર મિનિટ સુધી બફાવા દો. ત્યાર બાદ ગરમાગરમ લોચાને પ્લેટમાં કાઢી ઉપરથી બટર અથવા તેલ, સેવ, કાંદા અને કોથમીર ઉમેરી સર્વ કરો.


