આ રીતે બનાવો ટમૅટો શોરબાની રેસીપી
ટમૅટો શોરબા
સામગ્રી: પાકાં લાલ ટમેટાં – ૩ મધ્યમ કદનાં (આશરે ૩૦૦ ગ્રામ), પાણી – બે કપ (૫૦૦ મિલીલીટર), ઘી અથવા તેલ – ૧ ટેબલસ્પૂન, જીરું – અડધી ટીસ્પૂન, આદુંની પેસ્ટ – અડધી ટીસ્પૂન, લસણની પેસ્ટ – અડધી ટીસ્પૂન (વૈકલ્પિક), લીલાં મરચાં – ૧ નંગ (બારીક સમારેલું), હળદર – પા ટીસ્પૂન, લાલ મરચું પાઉડર - પા ટીસ્પૂન, ધાણાજીરું પાઉડર – અડધી ટીસ્પૂન, ગરમ મસાલો – પા ટીસ્પૂન, મીઠું – સ્વાદ પ્રમાણે (આશરે અડધી ટીસ્પૂન), ખાંડ - પા ટીસ્પૂન (વૈકલ્પિક), લીલા ધાણા – ૧ ટેબલસ્પૂન (સમારેલા), કાળા મરીનો પાઉડર – પા ટીસ્પૂન, લીંબુનો રસ – ૧ ટીસ્પૂન (વૈકલ્પિક)
બનાવવાની રીત: ટમેટાંને ધોઈને મોટા ટુકડામાં કાપી લો. એક તપેલીમાં ટમેટાં અને દોઢ કપ પાણી નાખો. મધ્યમ તાપે ૮-૧૦ મિનિટ સુધી ટમેટાં નરમ થાય ત્યાં સુધી બાફો. બાફેલાં ટમેટાં ઠંડાં થાય પછી મિક્સરમાં પીસીને બારીક પ્યુરી બનાવો. પ્યુરીને ગાળી લો, જેથી એની છાલ અને બીજ અલગ થઈ જાય. એક તપેલીમાં ઘી અથવા તેલ ગરમ કરો. એમાં જીરું નાખો. જીરું તતડે એટલે આદુંની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલાં મરચાં નાખીને ૩૦ સેકન્ડ સાંતળો. હવે હળદર, લાલ મરચું પાઉડર અને ધાણાજીરું પાઉડર ઉમેરો. ધીમા તાપે ૨૦-૩૦ સેકન્ડ સાંતળો. તૈયાર કરેલી ટમેટાંની પ્યુરી તપેલીમાં ઉમેરો. બાકીનું અડધો કપ પાણી ઉમેરો. મીઠું અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરો. મધ્યમ તાપે પાંચ-સાત મિનિટ સુધી ઊકળવા દો. છેલ્લે ગરમ મસાલો અને કાળા મરીનો પાઉડર ઉમેરો. ગૅસ બંધ કરીને લીંબુનો રસ અને સમારેલા લીલા ધાણા ઉમેરો. ગરમાગરમ ટમૅટો શોરબાને સૂપ બાઉલમાં પીરસો.
ADVERTISEMENT
- ડિમ્પલ પારેખ
